રેસ્ક્યુ બાદ આ અજગરને કાનૂની પ્રક્રિયા પૂરી કરીને વનવિભાગના હવાલે કરવામાં આવ્યો હતો
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
કલ્યાણ સ્ટેશન પર સોમવાર મોડી રાત્રે પાંચથી ૬ ફુટ લાંબો ઇન્ડિયન રૉક પાયથન (અજગર) આવી પહોંચતાં મુસાફરો અને રેલવે-કર્મચારીઓમાં ભારે ડર અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લૅટફૉર્મ-નંબર ૬ નજીક રેલવેના પાટા પર અજગરને સરકતો જોઈને રેલવે પોલીસે તાત્કાલિક સ્થાનિક વૉર ફાઉન્ડેશનના સર્પમિત્રોને જાણ કરી હતી. મોડી રાતનો સમય અને સતત આવતી-જતી ટ્રેનો વચ્ચે અજગરની હાજરીથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ વૉર ફાઉન્ડેશનના સાહસિક સર્પમિત્ર તન્મય માણે અને તેજસ ગાયકવાડ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ટ્રેનોની અવરજવર અને રેલવે-ટ્રૅક પરથી પસાર થતી વીજળીના હાઈ-વૉલ્ટેજ વાયરો વચ્ચે રેસ્ક્યુ કામગીરી અત્યંત જોખમી હતી. એમ છતાં સર્પમિત્રોએ પૂરી સાવચેતી અને ધૈર્ય સાથે સફળતાપૂર્વક આ વિશાળ અજગરને પકડી લીધો હતો. સમયસર હાથ ધરાયેલા આ રેસ્ક્યુ ઑપરેશનને કારણે એક મોટો અકસ્માત ટળ્યો હતો અને અજગર પણ સુરક્ષિત રહ્યો હતો.
રેસ્ક્યુ બાદ આ અજગરને કાનૂની પ્રક્રિયા પૂરી કરીને વનવિભાગના હવાલે કરવામાં આવ્યો હતો, જ્યાંથી એને એના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવશે. સંસ્થા અને રેલવે પ્રશાસને નાગરિકોને અપીલ કરી છે કે રેલવે-સ્ટેશન જેવા ભીડભાડવાળા વિસ્તારોમાં આવા વન્યજીવો દેખાય ત્યારે ડરવા કે જાતે પકડવાનો પ્રયાસ કરવાને બદલે તાત્કાલિક પોલીસ, વનવિભાગ કે નિષ્ણાત સર્પમિત્રોનો સંપર્ક કરવો.
