મુદત વીત્યા પછી પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવાની સેન્ટ્રલ રેલવેને છૂટ
બૉમ્બે હાઈ કોર્ટ
કુર્લા-ટ્રૉમ્બે રેલવેલાઇનના વિસ્તરણની બાકી કામગીરી શરૂ કરી શકાય એ માટે આ લાઇનના ૧૦ મીટરના સેફ્ટી ઝોનમાં આવેલાં ગેરકાયદે બાંધકામો ૩૦ દિવસમાં ખાલી કરાવવાનો મહત્ત્વપૂર્ણ આદેશ બૉમ્બે હાઈ કોર્ટે સેન્ટ્રલ રેલવેને આપ્યો છે.
જસ્ટિસ ભારતી ડાંગરે અને જસ્ટિસ આશિષ ચવાણની ખંડપીઠે ૭ ઑક્ટોબરે નિર્દેશ આપ્યો હતો કે સેફ્ટી ઝોન ઉપરાંત રેલવેની બાકી રહેલી જમીન પર વસતા દબાણકારોને પણ ખાલી કરવાની આવી જ નોટિસ ફટકારવામાં આવે, ભલે એ જમીનની આ પ્રોજેક્ટ માટે તાત્કાલિક જરૂર ન હોય. અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે બન્ને કૅટેગરીના દબાણકારોને એક અઠવાડિયાની અંદર નોટિસ આપી દેવી પડશે. જો નોટિસ મળ્યાના ૩૦ દિવસમાં રહેવાસીઓ પોતાની જગ્યા ખાલી નહીં કરે તો સેન્ટ્રલ રેલવે સ્થાનિક પોલીસની મદદ લઈને બળપૂર્વક જગ્યા ખાલી કરાવવા અને તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે સ્વતંત્ર રહેશે.
ADVERTISEMENT
૨૦૨૩માં અપાયેલો વચગાળાનો સ્ટે હવે હટ્યો
આ મામલે ૨૦૨૩માં કુર્લા-ઈસ્ટના રાજીવ ગાંધી નગરના ૭ રહેવાસીઓએ હાઈ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમણે પબ્લિક પ્રિમાઇસિસ (ઇવિક્શન ઑફ અનઑથોરાઇઝ્ડ ઑક્યુપન્ટ્સ) ઍક્ટ હેઠળ ૨૦૨૨માં જાહેર કરાયેલી ઇવિક્શન નોટિસોને પડકારી હતી. એ નોટિસમાં જણાવાયું હતું કે કુર્લા-ટ્રૉમ્બે લાઇન પરનાં આ કાચાં-પાકાં મકાનો ટ્રૅકની સલામતીને અસર કરે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણમાં અવરોધરૂપ બને છે. હાઈ કોર્ટે ૨૦૨૩ની ૨૦ જાન્યુઆરીએ ડિમોલિશન પર વચગાળાનો સ્ટે આપ્યો હતો જે હવે દૂર થયો છે.
