Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બપોરે સ્કૂટર પર જમવા ઘરે જઈ રહેલા ગુજરાતી વેપારીને ડમ્પરે ઉડાવ્યા

બપોરે સ્કૂટર પર જમવા ઘરે જઈ રહેલા ગુજરાતી વેપારીને ડમ્પરે ઉડાવ્યા

Published : 01 April, 2026 07:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલીના નૅશનલ પાર્ક નજીક બની જીવલેણ ઘટના: અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાઇવર સ્થળ પર વાહન છોડીને ફરાર થઈ ગયો છે

અકસ્માતમાં મૃત્યુ પામનાર અશોક સોંડાગર અને તેમને અડફેટે લેનારું ડમ્પર.

અકસ્માતમાં મૃત્યુ પામનાર અશોક સોંડાગર અને તેમને અડફેટે લેનારું ડમ્પર.


બોરીવલી-ઈસ્ટના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર નૅશનલ પાર્ક નજીક ગઈ કાલે બપોરે થયેલા ગંભીર માર્ગ-અકસ્માતમાં ૬૨ વર્ષના અશોક સોંડાગરનું મૃત્યુ થયું હતું. આ અંગે દહિસર પોલીસે ડમ્પર-ડ્રાઇવર સામે ગુનો નોંધ્યો છે અને અકસ્માતમાં સામેલ ડમ્પર જપ્ત કર્યું છે. કાંદિવલી-ઈસ્ટના ઠાકુર વિલેજમાં રિવર પાર્કમાં રહેતા અશોકભાઈ નાના ભાઈ અરવિંદ સાથે દહિસરમાં એમ્બ્રૉઇડરીનું કારખાનું ચલાવતા હતા. ગઈ કાલે બપોરે તેઓ દહિસરથી કાંદિવલી જમવા માટે સ્કૂટર પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે નૅશનલ પાર્કનો બ્રિજ ચડતી વખતે પાછળથી આવેલા ડમ્પરે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ડમ્પર-ડ્રાઇવર ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તેને શોધી રહી છે.

અરવિંદ સોંડાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું અને અશોક દહિસર-ઈસ્ટના કોકણીપાડામાં એમ્બ્રૉઇડરીનું કારખાનું ચલાવીએ છીએ. જોકે અમારા પરિવાર અલગ-અલગ રહે છે. રોજની જેમ ગઈ કાલે બપોરે લગભગ એક વાગ્યે જમવા માટે અમે ઘરે જવા નીકળ્યા હતા. હું મારી બાઇક પર આગળ નીકળ્યો હતો, જ્યારે અશોક સ્કૂટર પર પાછળથી આવ્યો હતો. સામાન્ય રીતે અશોક ૨૦ મિનિટમાં ઘરે પહોંચી જાય છે, પરંતુ ગઈ કાલે બપોરે બે વાગ્યા સુધી ઘરે ન પહોંચતાં તેના પરિવારજનોએ મને ફોન કરીને પૂછપરછ કરી હતી. ત્યાર બાદ મેં તરત જ અશોકને ફોન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો નહોતો. તેથી મેં અમારા કારખાનામાં કામ કરતી વ્યક્તિને ફોન કર્યો હતો જે દરરોજ અશોક સાથે અડધા અંતર સુધી સાથે આવતી હોય છે. તેણે જણાવ્યું હતું કે અશોક તેને છોડીને આગળ નીકળી ગયો હતો. તેથી હું તરત જ મારી બાઇક પર અશોકને શોધવા નીકળ્યો હતો. એ સમયે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર નૅશનલ પાર્ક નજીક પોલીસ અને કેટલાક લોકોને ભેગા થયેલા જોયા હતા. નજીક જઈને તપાસ કરતાં અશોકનું સ્કૂટર રસ્તા પર પડ્યું હતું અને અશોક લોહીથી લથપથ હાલતમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અમે પોલીસની મદદથી તેને તાત્કાલિક કાંદિવલીની બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.’



દહિસર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માત બાદ ડમ્પરનો ડ્રાઇવર સ્થળ પર વાહન છોડીને ફરાર થઈ ગયો છે. ડમ્પરના ડ્રાઇવર સામે બેદરકારી બતાવવાની અને ઝડપથી વાહન ચલાવીને અકસ્માત કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં ફરાર ડ્રાઇવરની શોધ ચાલુ છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK