Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લાલબાગના દેરાસરમાં ભગવાન સીમંધરસ્વામીના ૧.૭૫ કરોડનાં આભૂષણો ચોરાઈ ગયાં, આરોપી CCTV કૅમેરામાં કેદ

લાલબાગના દેરાસરમાં ભગવાન સીમંધરસ્વામીના ૧.૭૫ કરોડનાં આભૂષણો ચોરાઈ ગયાં, આરોપી CCTV કૅમેરામાં કેદ

Published : 01 April, 2026 09:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોમવારે સવારે પાંચ વાગ્યે પૂજારી દેરાસર ખોલવા આવ્યો ત્યારે તેણે દેરાસરના દરવાજે લગાડેલું તાળું તૂટેલું જોયું હતું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


લાલબાગમાં આવેલા વન અવિઘ્ન પાર્ક  ખાતે મુનિસુવ્રત સ્વામી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના દેરાસરમાંથી ભગવાન સીમંધરસ્વામીની મૂર્તિ પરનાં પોણાબે કરોડ રૂપિયાનાં આભૂષણો સોમવારે ચોરાઈ ગયાં હતાં. આ મામલે કાલાચૌકી પોલીસે ટ્રસ્ટના કાર્યકારી સભ્ય જયેશ જૈનની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સોમવારે વહેલી સવારે મંદિર ખોલવા આવેલા પૂજારીએ મંદિરનું તાળું તૂટેલું જોયા બાદ અંદર તપાસ કરતાં ભગવાન સીમંધરસ્વામીની મૂર્તિ પર લગાવેલાં સોનાનાં કીમતી આભૂષણો ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસમાં સ્થાનિક પોલીસ તથા ક્રાઇમ બ્રાન્ચે મંદિરમાં લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજ તેમ જ ટેક્નિકલ માહિતીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

કાલાચૌકી પોલીસ-સ્ટેશનના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સવારે પાંચ વાગ્યે પૂજારી દેરાસર ખોલવા આવ્યો ત્યારે તેણે દેરાસરના દરવાજે લગાડેલું તાળું તૂટેલું જોયું હતું. એ પછી તેણે દેરાસરના મુખ્ય ટ્રસ્ટીઓને ઘટનાની માહિતી આપીને અંદર જઈ તપાસ કરતાં ભગવાન સીમંધરસ્વામીની મૂર્તિ પરનાં બાજુબંધ, કપાળનું આભૂષણ, ગળાનો હાર તેમ જ હાથ-પગ પર સજાવેલા અંદાજે ૧૪૦૦ ગ્રામ સોનાના દાગીના  ચોરાઈ ગયાં હતાં. એની અંદાજિત કિંમત ૧.૫૦ કરોડ રૂપિયા ગણવામાં આવી છે. એ ઉપરાંત કપાળ પર લગાવવામાં આવેલો હીરાનો ટીકો પણ ચોરાયો છે જેની કિંમત અંદાજે ૨૫ લાખ રૂપિયા છે. આ રીતે કુલ ૧.૭૫ કરોડ રૂપિયાનાં આભૂષણોની ચોરી થઈ છે. મંદિરની અંદર લાગેલા CCTV કૅમેરાનાં ફુટેજમાં એક આરોપી રવિવારે મોડી રાતે દાગીના ચોરતો હોવાનું જોવા મળ્યું છે. આ કેસમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.’



ટ્રસ્ટના કાર્યકારી સભ્ય જયેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે મહાવીર જન્મ કલ્યાણક દિવસ હતો એ પહેલાં અમારા ભગવાનનાં આભૂષણો ચોરાઈ જતાં મંદિરમાં દર્શનાર્થે આવતા ભાવિકો ખૂબ દુખી થયા હતા. ચોર તમામ આભૂષણો લઈ ગયો છે. જોકે એક વાત સારી એ બની કે અમારા ભગવાનની મૂર્તિ કોઈ જગ્યાએથી ખંડિત નહોતી થઈ. આ ચોરને પકડવા માટે પોલીસ યોગ્ય પ્રકારે તપાસ કરી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 09:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK