આ કોઈ નવી ખોજ નથી, લગભગ ૭૦૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ લોકો જમીનની અંદર ઘર બનાવીને રહેતા હતા
પાતાળલોક
ચીનમાં એક જગ્યા એવી છે જેને આકાશમાં ઊડતા હેલિકૉપ્ટરમાંથી જુઓ તો જાણે જમીન પર ઠેર-ઠેર માટીના વાટકા બનાવ્યા હોય એવું લાગે. આ જ જગ્યા પર ડ્રોનથી જમીનની નજીક જઈને જોવામાં આવે તો માટીના સપાટ મેદાનમાં છીછરા કૂવા બનાવ્યા હોય એવું લાગે છે. આ જમીન પર એકેય ઘર નથી છતાં આ કૂવા જેવા ખાડાઓમાં ઘર બનાવવામાં આવ્યાં છે. એક સમયે આ અન્ડરગ્રાઉન્ડ ઘરોમાં મોટી સંખ્યામાં લોકો રહેતા હતા. જોકે હવે અહીંના લોકોને ત્યાંથી ખસેડીને શહેરમાં વસાવવામાં આવ્યા છે અને આ જગ્યાને ટૂરિસ્ટ પૉઇન્ટ તરીકે વિકસાવવાનું શરૂ થયું છે. લિટરલી એ જમીનની અંદર પાતાળલોકમાં રહેતા હોવાની ફીલ આપે છે.
આ કોઈ નવી ખોજ નથી. લગભગ ૭૦૦૦ વર્ષ જૂની પરંપરા મુજબ લોકો જમીનની અંદર ઘર બનાવીને રહેતા હતા. ચીનના હેનાન પ્રાંતમાં બેઇંગ ગામમાં આવેલી આ જગ્યાને પાતાળલોકના હુલામણા નામે ઓળખવામાં આવે છે. આ ઘરોમાં નથી કોઈ એસી કે નથી હીટર. આ ઘરો કુદરતી રીતે જ શિયાળામાં હૂંફ આપે છે અને ગરમીમાં ઠંડક આપે છે. માટીની અંદર ઘરનો વરંડો ખુલ્લો હોય છે, બાકીનું આખું ઘર જમીનની અંદર હોય છે. એમાં કિચન, બેડરૂમ, બેઠકરૂમ બધું જ અલાયદું હોય છે. આ પ્રકારની રહેણાક પરંપરાને જુનવાણી ગણીને એને પહેલાં નાબૂદ કરવામાં આવી અને પછી એને ટૂરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે ડેવલપ કરવામાં આવી છે. હવે તો આ પરંપરાને સસ્ટેનેબલ લિવિંગનું ભવિષ્ય ગણવામાં આવે છે.


