પોલીસ દીકરીની પૂછપરછ કરી રહી છે. તેણે પૈસાની ચોરી શા માટે કરી એની પણ માહિતી પોલીસ કઢાવી રહી છે
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-વેસ્ટની સર્વોદય હૉસ્પિટલ નજીક રહેતા ૪૨ વર્ષના પિતાની પોતાની ૧૯ વર્ષની દીકરીએ ઘરમાંથી ૧.૦૨ લાખ રૂપિયા ચોર્યા હોવાની ફરિયાદ બુધવારે ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસ દીકરીની પૂછપરછ કરી રહી છે. તેણે પૈસાની ચોરી શા માટે કરી એની પણ માહિતી પોલીસ કઢાવી રહી છે. આ કેસમાં ગઈ કાલે સાંજ સુધી પોલીસને કોઈ રિકવરી મળી નહોતી. બીજી તરફ આપસમાં થયેલા ઝઘડાને કારણે પિતાએ ફરિયાદ નોંધાવી હોવાનો દાવો પોલીસે કર્યો છે.
આપસમાં થયેલા મતભેદને કારણે જ પિતાએ પુત્રી સામે ફરિયાદ નોંધાવી હોય એવી પ્રાથમિક માહિતી જાણવા મળી છે એમ જણાવતાં ઘાટકોપર પોલીસ-સ્ટેશનનાં અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર દીપાલી કુલકર્ણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પિતાએ કરેલી ફરિયાદ અનુસાર સોમવારે સાંજે તેઓ ઘરના કબાટમાંથી જરૂરી વસ્તુ લેવા ગયા ત્યારે કબાટમાં રાખેલા ૧.૦૨ લાખ રૂપિયા મળ્યા નહોતા. એ રૂપિયા તેમની દીકરીએ ચોરી કર્યાના દાવા સાથે તેમણે અમારી પાસે ફરિયાદ નોંધાવી છે. દીકરી ૧૫ નવેમ્બરે રાતે ૯ વાગ્યે કોઈને કહ્યા વિના ઘરેથી ચાલી ગઈ હતી. ત્યાર બાદ ૧૬ નવેમ્બરે તે મિસિંગ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. એ ફરિયાદ અનુસાર અમે દીકરીની પૂછપરછ કરી રહ્યા છીએ.’