છત્રપતિ શિવાજી મહારાજથી પ્રેરિત થઈને સિંહગડ કિલ્લા પર પહોંચેલા વિદેશી પ્રવાસીને અપશબ્દો શીખવ્યા
સિંહગડ કિલ્લા પર ફરવા આવેલા ન્યુ ઝીલૅન્ડના પર્યટક સાથે મહારાષ્ટ્રના યુવાનો.
સોશ્યલ મીડિયામાં વિડિયો વાઇરલ થયા પછી લોકોએ યુવાનો સામે કાર્યવાહી કરવાનું કહ્યું
છત્રપતિ શિવાજી મહારાજનું શૌર્ય અને પરાક્રમ ભારતમાં જ નહીં વિદેશમાં પણ પહોંચ્યાં છે. આથી છત્રપતિના મહારાષ્ટ્રમાં આવેલા કિલ્લા જોવા માટે પરદેશમાંથી પણ અસંખ્ય લોકો આવે છે. જોકે વિદેશીઓને મરાઠી કે ભારતની બીજી કોઈ ભાષા આવડતી ન હોવાથી આપણા યુવાનો તેમને અપશબ્દો શીખવે છે. વિદેશીઓને શબ્દનો અર્થ ખબર નથી હોતો એટલે તેઓ યુવાનોએ શીખવેલા અપશબ્દો બોલે છે. ન્યુ ઝીલૅન્ડથી સિંહગડ કિલ્લાની મુલાકાતે આવેલા એક વિદેશીનો અપશબ્દ બોલતો વિડિયો ગઈ કાલે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વિડિયો જોઈને લોકો અપશબ્દો બોલવાનું શીખવતા યુવાનો સામે કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે કેટલાક યુવાનો અતિથિ દેવો ભવ:ની ભારતની પરંપરાને કલંક લગાવી રહ્યા છે.
સોશ્યલ મીડિયામાં ગઈ કાલે વાઇરલ થયેલા વિડિયોમાં જણાઈ આવ્યું હતું કે ન્યુ ઝીલૅન્ડથી એક યુવક સિંહગડ કિલ્લા પર પહોંચ્યો હતો ત્યારે તેને કેટલાક મરાઠી યુવકો મળ્યા હતા. આ યુવકોએ વિદેશીને તે ક્યાંથી આવ્યો છે અને કોણ છે એવા સવાલ કર્યા હતા એટલું જ નહીં, વિદેશી પર્યટકને આ યુવાનોએ મરાઠી ભાષાના કેટલાક અપશબ્દો શીખવ્યા હતા અને આ શબ્દો બોલવાનું કહ્યું હતું. વિદેશી યુવક આ શબ્દોનો અર્થ નહોતો જાણતો એટલે તેમણે શીખવેલા શબ્દો બોલ્યો હતો એનો વિડિયો યુવકોએ બનાવ્યો હતો અને યુવકો જોર-જોરથી હસવા લાગ્યા હતા.
ADVERTISEMENT
આ વિડિયો જોઈને લોકોએ કમેન્ટ કરી હતી કે અતિથિ દેવો ભવ:ની આપણી સંસ્કૃતિ છે એને અનુસરીને યુવાનોએ વિદેશી પર્યટકને છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય અને પરાક્રમની માહિતી આપવાને બદલે અપશબ્દો શીખવ્યા છે એ અત્યંત ખરાબ બાબત છે.

