દાંડિયાક્વીન ફાલ્ગુની પાઠક, અભિનેત્રી સોનાલી બેન્દ્રે, રૂપા ગાંગુલી, ડિઝાઇનર અનીતા ડોંગરે, નીતા લુલ્લા અને શાયના એનસીએ મહિલાઓનો ઉત્સાહ વધાર્યો
પરંપરાગત હાથસાળની સાડીને પ્રમોટ કરવા યોજાઈ સારી વૉકથૉન
મુંબઈ : એક કહેવત છે કે એક નૂર આદમી, હજાર નૂર કપડાં. એમાં પણ જ્યારે વાત મહિલાઓના વસ્ત્રપરિધાનની આવે ત્યારે એમાં અનેક આયામ જેમ કે રંગ, છટા, ડિઝાઇન, પોત, ટેક્સ્ચર એમ વિવિધિતાનો ભંડાર જોવા મળતો હોય છે. જોકે મહિલાઓ માટે અનેક ડ્રેસ આવ્યા, પણ હજીયે પરંપરાગત સાડી નંબર વન પર છે. એમાં પણ ખાસ હાથવણાટની, હાથસાળ પર તૈયાર કરેલી કલા-કસબથી ભરપૂર પરંપરાગત સાડી આજે પણ હિટ છે. મહિલાઓ માટે આ હાથસાળની સાડીઓ બનાવવામાં દેશભરના ૩૫ લાખ લોકો સંકળાયેલા છે, જેમાં મહિલાઓ પણ મોટા પાયે સંકળાયેલી છે. વળી તેમની એ સાડી વણવાની સાથે પરંપરાગત કલા અને મૂલ્યો પણ જળવાયાં છે. એથી મહિલા સશક્તીકરણ હેઠળ તેમને આત્મનિર્ભર ભારતનું મહત્ત્વનું અંગ બનાવી તેમને રોજગારની અમૂલ્ય તક પૂરી પાડવાના હેતુથી કેન્દ્રીય વસ્ત્રઉદ્યોગ મંત્રાલય દ્વારા મુંબઈના બીકેસીમાં ગઈ કાલે બે કિલોમીટરની વન ભારત સારી વૉકથૉનનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય વસ્ત્રોદ્યોગ પ્રધાન અને વાણિજ્યપ્રધાન પીયૂષ ગોયલ, કેન્દ્રીય વસ્ત્રોદ્યોગ રાજ્યપ્રધાન દર્શના જરદોશ અને સંસદસભ્ય પૂનમ મહાજન દ્વારા સાડી પહેરીને સારી વૉકથૉનમાં ભાગ લેનારી મહિલાઓને ચિયર-અપ કરાઈ હતી અને લીલી ઝંડી દેખાડીને સારી વૉકથૉનની શરૂઆત કરાઈ હતી.
ADVERTISEMENT
આ વૉકથૉનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. મહિલાઓએ પણ પરંપરાગત પૈઠણી, કાંજીપુરમ, કોટા, પોચમપલ્લી, પટોળાં, બનારસી, તનચોઈ, ભાગલપુરી સિલ્ક અને અન્ય અનેક હાથબનાવટની અને સિલ્કની પરંપરાગત સાડીઓ પહેરીને સારી વૉકથૉનમાં ભાગ લેતાં વાતાવરણ રંગીન અને પ્રસન્ન થઈ ગયું હતું અને બધે આનંદ-ઉત્સાહ છવાઈ ગયો હતો.
મહિલાઓનો ઉત્સાહ વધારવા દાંડિયાક્વીન ફાલ્ગુની પાઠક સહિત અભિનેત્રી સોનાલી બેન્દ્રે, રૂપા ગાંગુલી, ડિઝાઇનર અનીતા ડોંગરે, નીતા લુલ્લા અને શાયના એનસી સહિત ટીવી-સેલિબ્રિટીઓ તથા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલી અનેક મહિલાઓએ આ વૉકથૉનમાં ભાગ લઈને તેમનો ઉત્સાહને વધાર્યો હતો.
અગાઉ સુરતમાં પણ આવી ઇવેન્ટ યોજવામાં આવી હતી. હવે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં ‘સારી વૉકથૉન’ યોજવામાં આવી હતી. આ વૉકથૉનમાં મહિલાઓએ અલગ-અલગ પ્રકારે સાડી પહેરીને વૉકમાં ભાગ લીધો હતો. આ વૉકથૉનના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને રૂપાલીએ કૅપ્શન આપી હતી, ‘સન કિસ્ડ ઍન્ડ ગ્લોઇંગ. રવિવારની સુંદર સવારે મહિલાઓ ગર્વથી આ ઇવેન્ટમાં જોડાઈ હતી. પૂનમ મહાજન, તમે ખૂબ સરસ પહેલનું આયોજન કર્યું હતું. સાડી ઉપર શૂઝ પહેરીને વૉકેથૉન કરવાની મજા આવી ગઈ. અનુપમાએ પણ આવું કર્યું હતું. એથી રીલને રિયલ થતાં જોવાનો આનંદ આવ્યો. ઘણાં વર્ષો બાદ સોનાલી બેન્દ્રે સાથે મુલાકાત થઈ. તમે હંમેશાં ગૉર્જિયસ ગર્લ રહેવાનાં છો. સાથે જ સવાર-સવારમાં મને મારી ફેવરિટ ફાલ્ગુની પાઠકને મળવા મળ્યું. આટલા દિવસો બાદ સૌની સાથે મુલાકાત થઈ. મારા સન્ડેની ખૂબ સરસ રીતે શરૂઆત થઈ. ખરેખર નારી શક્તિ છે.’