રાઇઝિંગ સિટી નજીક મહિલાની હત્યા પૈસાના વિવાદમાં થઈ હતી
પંતનગર પોલીસે ધરપકડ કરેલો આરોપી ચાંદ અન્સારી.
ઘાટકોપર-ઈસ્ટના કામરાજનગરના PWD ગ્રાઉન્ડ નજીક ૪૧ વર્ષની અમીનાબી સિદ્દીકીની ૨૩ ડિસેમ્બરે રાતે હત્યા કરનાર ૪૨ વર્ષના મોહમ્મદ ઇરફાન ઉર્ફે ચાંદ અન્સારીની સોમવારે પંતનગર પોલીસે ધરપકડ કરી હતી. અમીનાબીએ આરોપીની પત્ની પાસેથી ૩ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. એ મુદ્દે ૨૩ ડિસેમ્બરે જમ્યા બાદ વૉકિંગ માટે નીકળેલી અમીનાબીનો કામરાજનગરમાં ચાંદ અન્સારી સાથે વિવાદ થયો હતો. એ દરમ્યાન રોષે ભરાયેલા ચાંદે અમીનાબીના ગળા પર છરી ફેરવી દીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
પંતનગરના પોલીસ-ઇન્સ્પેક્ટર અસલમ ખાતીબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઘાટકોપરના રાઇઝિંગ સિટી નજીક રહેતી અમીનાબી ૨૩ ડિસેમ્બરે રાતે જમ્યા બાદ કામરાજનગરમાં નાઇટ-વૉકિંગ માટે ઘરેથી એકલી નીકળી હતી. કલાકો બાદ પણ તે ઘરે પાછી ન ફરતાં તેની શોધખોળ કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે મહિલાની ડેડ-બૉડી કામરાજનગરના PWD ગ્રાઉન્ડ નજીકથી મળી ત્યારે તેની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આ કેસમાં તપાસ માટે ૧૫ ટીમ તૈયાર કરવામાં આવી હતી જે અલગ-અલગ ઍન્ગલથી કામ કરી રહી હતી. ટેક્નિકલ પુરાવાના આધારે આરોપી સુધી અમારી એક ટીમ પહોંચી ગઈ હતી. આ કેસમાં જાણવા મળ્યું હતું કે આરોપીની પત્ની પાસેથી મૃત્યુ પામનાર મહિલાએ ૩ લાખ રૂપિયા ૬ મહિના પહેલાં ઉછીના લીધા હતા. પૈસા લીધા બાદ એ મહિલા પૈસા પાછા નહોતી આપતી. આરોપીએ મહિલા પાસેથી અનેક વાર પૈસાની માગણી કરી હતી, પણ તેણે પૈસા પાછા આપ્યા નહોતા એટલે ગુસ્સે ભરાયેલા ચાંદ અન્સારીએ તેને મારવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીને ખબર હતી કે મહિલા જમ્યા બાદ નાઇટ-વૉકિંગ માટે નીકળે છે. ૨૩ ડિસેમ્બરે રાતે ૧૧ વાગ્યે આરોપીએ મહિલાને રસ્તા પર અટકાવીને રોડની એક બાજુ લઈ જઈને તાત્કાલિક પૈસા આપવાનું દબાણ કર્યું હતું. જોકે મહિલા પાસે પૈસા ન હોવાથી થોડા વખતમાં આપી દઈશ એવું કહેતાં રોષે ભરાયેલા આરોપીએ મહિલાના ગળા પર છરીના ઘા મારી દીધા હતા એવી કબૂલાત ચાંદ અન્સારીએ કરી હતી.’


