ગઈ કાલે રાજ્યના ૧૪ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો
ફાઈલ તસવીર
કોરોના મહામારી ગયા વર્ષના માર્ચ મહિનાથી શરૂ થઈ હતી. એ પછી મહારાષ્ટ્રમાં ગઈ કાલે પહેલી જ વાર ૧૦૦૦ કરતાં ઓછા ૮૮૯ નવા પૉઝિટિવ કેસ નોંધાયા હતા. એ સિવાય ગઈ કાલે રાજ્યમાં મૃતાંક ૧૨ નોંધાયો હતો જે અત્યાર સુધીનો સૌથી ઓછો હતો. ગઈ કાલે રાજ્યના ૧૪ જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો, જ્યારે ૧૨ જિલ્લામાં ૧૦ કરતાં પણ ઓછા કેસ નોંધાયા હતા. કોરોનાને કારણે જે મૃત્યુ થયાં છે એ પણ માત્ર મુંબઈ, થાણે, પુણે અને રત્નાગિરિમાં જ નોંધાયાં છે. રાજ્યમાં ગઈ કાલે કુલ ૮૪,૪૬૦ ટેસ્ટ કરાઈ હતી. એમાંથી ૮૮૯ પૉઝિટિવ કેસ મળી આવ્યા હતા.
મુંબઈમાં ગઈ કાલે કોરોનાની ૨૭,૧૮૫ ટેસ્ટ કરાઈ હતી. એમાંથી ૨૭૬ જણની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી, જ્યારે કોરોનામાંથી સાજા થનારા દરદીઓની સંખ્યા ૩૫૧ હતી. આમ કોરોના પૉઝિટિવ કરતાં કોરોનામાંથી સાજા થનારાની સંખ્યા ૩૦ ટકા વધુ હતી. ગઈ કાલના ૨૭૬ પૉઝિટિવ કેસ સાથે અત્યાર સુધીના પૉઝિટિવ કેસનો કુલ આંકડો હવે ૭,૫૩,૯૫૬ પર પહોંચી ગયો છે. એ સામે મુંબઈમાં કુલ સાજા થયેલા દરદીઓની સંખ્યા હવે ૭,૩૧,૦૬૫ પહોંચી છે.
ADVERTISEMENT
મુંબઈમાં ગઈ કાલે કોરોનાને કારણે ૭ જણનાં મૃત્યુ થયાં હતાં. એમાંથી પાંચ દરદીઓ પહેલેથી જ કોઈ ને કોઈ બીમારીથી પીડાતા હતા. મૃતકોમાં ચાર પુરુષો હતા, જ્યારે ત્રણ મહિલા હતી. ૬ મૃતકોની ઉંમર ૬૦ વર્ષ કરતાં વધુ હતી, જ્યારે એક મૃતકની ઉંમર ૪૦ વર્ષથી ૬૦ વર્ષ વચ્ચેની હતી. મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ ગઈ કાલે ૧,૩૧૪ દિવસ થઈ ગયો હતો. ગઈ કાલે મુંબઈમાં ઍક્ટિવ સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૪૩ હતી. ગઈ કાલે કુલ ૨,૧૪૪ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટ શોધી કાઢવામાં આવ્યા હતા અને એમાંના ૫૩૮ને સાવચેતી ખાતર કોરોના કૅર સેન્ટર્સમાં સારવાર માટે મોકલી અપાયા હતા.

