ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે, રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ આપી શ્રદ્ધાંજલિ
અજિત પવારની ફાઇલ તસવીર
વાંચો કોણે-કોણે શું કહ્યું...
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદે
ADVERTISEMENT
આ ખૂબ જ પીડાદાયક ઘટના છે. મહારાષ્ટ્ર માટે ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. વિમાન-અકસ્માતની તપાસ કરવામાં આવશે. આ નુકસાન ફક્ત પવાર પરિવારનું જ નહીં, સમગ્ર રાજ્યનું છે. મને એવું લાગી રહ્યું છે કે મેં મારા મોટા ભાઈને ગુમાવ્યો છે. અજિત પવારનું મન શુદ્ધ હતું અને તેઓ ખૂબ જ સીધા અને નીડર નેતા હતા જેમની વહીવટ પર પકડ હતી. અમારી સરકારે (૨૦૨૪માં) લાડકી બહિણ યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો જે રાજ્યની મહિલાઓને ૧૫૦૦ રૂપિયાની માસિક સહાય પૂરી પાડે છે ત્યારે નાણાપ્રધાન તરીકે અજિત પવારે નાણાકીય વ્યવસ્થા કરી હતી. અમે એક ટીમ તરીકે કામ કર્યું.
રાજ ઠાકરે
રાજ્યે પ્રશાસન પર જબરદસ્ત પકડ ધરાવતો અને ખરેખર સ્ટ્રેટ ફૉર્વર્ડ અને જાતિવાદ તરફ પક્ષપાત ન ધરાવતો ઉત્કૃષ્ટ નેતા ગુમાવ્યો છે. મેં અને અજિત પવારે લગભગ એકસાથે રાજકારણમાં ઝુકાવ્યું હતું. જોકે અજિત પવાર તેમના પૉલિટિક્સના પૅશનને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં છવાઈ ગયા હતા. ભલે શરૂઆતમાં તેઓ શરદ પવારનું અનુકરણ કરીને તેમના રસ્તે ચાલ્યા, પણ પાછળથી તેમણે પોતાનો અલગ ચીલો ચાતર્યો હતો અને પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. તેમની રાજકારણ પરની પકડ એવી મજબૂત હતી કે તેમણે પિંપરી-ચિંચવડ કે પછી બારામતીનું જે ટ્રાન્સફૉર્મેશન કર્યું છે એ જોઈને તેમના વિરોધીઓએ પણ તેમના એ કામને વખાણવું પડે. તેમની પ્રશાસન સરકારી સિસ્ટમની આવડત પણ બહુ જ સારી હતી. શું કરવાથી મડાગાંઠ છૂટી શકે એ તેઓ બખૂબી જાણતા હતા. સમસ્યાનો યોગ્ય રીતે તોડ લાવવામાં તેમની કાબેલિયાત હતી. જો કોઈ વસ્તુ ન થઈ શકે એમ હોય તો મોઢા પર જ કહી દેતા કે નહીં થાય. તે બહુ જ સ્ટ્રેટ ફૉર્વર્ડ હતા. લોકોને ખોટાં આશ્વાસનો આપીને તેમની આસપાસ ફરતા રાખવામાં તેઓ માનતા નહોતા. વળી તેઓ કોઈ પણ જાતિવાદમાં માનતા નહોતા. કોઈ માટે પક્ષપાત રાખતા નહીં. તેમના રાજકારણમાં જાતિવાદને કોઈ સ્થાન નહોતું.
ઉદ્ધવ ઠાકરે
મેં એક અડગ લીડર અને ઉત્કૃષ્ટ કૅબિનેટ-કલીગ ગુમાવ્યો છે. ૨૦૧૯થી ૨૦૨૨ સુધી તેઓ જ્યારે ફાઇનૅન્સ મિનિસ્ટર હતા ત્યારે બહુ જ ડિસિપ્લિન્ડ હતા અને તેમની એના પર સારીએવી પકડ હતી. અમારી વચ્ચે એ વખતે સ્પેશ્યલ બૉન્ડ સ્થપાયો હતો. અજિત પવાર ખુલ્લા દિલના માણસ હતા. તેમના મનમાં જે હોય એ બોલી નાખે. વળી તેઓ એવા નહોતા કે બીજા માટે લાંબા સમય માટે નારાજગી રાખે. તેમણે રાજકારણમાં બીજો માર્ગ (મહાયુતિમાં જોડાયા એ) લીધો હોવા છતાં અમારા સંબંધો તોડ્યા નહોતા. તેમની પાર્ટીના કાર્યકરોની તેઓ સંભાળ લેતા એવી તેમની ખ્યાતિ હતી. તેઓ ખરા અર્થમાં દાદા (મોટા ભાઈ) હતા. હું ઠાકરે પરિવાર અને શિવસેના તરફથી તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું.
મહારાષ્ટ્ર-ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના બારામતી નજીક વિમાન-દુર્ઘટનામાં અકાળે અવસાનથી મને ખૂબ દુઃખ થયું છે. હું અજિત પવારને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને શોકગ્રસ્ત પરિવારના તમામ સભ્યો પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ.


