કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજની ૩૪૫મી પુણ્યતિથિ નિમિત્તે રાયગડ ગયા હતા
અમિત શાહ અને અન્ય નેતાઓ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજની ૩૪૫મી પુણ્યતિથિ નિમિત્તે રાયગડ ગયા હતા એ સમયે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના રાયગડના સંસદસભ્ય સુનીલ તટકરેએ તેમના નિવાસસ્થાને લંચનું આયોજન કર્યું હતું. મહાયુતિમાં રાયગડ અને નાશિકના પાલક પ્રધાનની નિયુક્તિ વિશે મતભેદ ચાલી રહ્યા છે ત્યારે લંચ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને બન્ને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને એકનાથ શિંદેને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા એટલે પાલક પ્રધાન વિશે ચર્ચા થઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે રાયગડની સુતારવાડીમાં આવેલા ગીતાબાગ ખાતેના સુનીલ તટકરેના નિવાસસ્થાને લંચ થઈ ગયા બાદ સુનીલ તટકરેએ કહ્યું હતું કે અમિત શાહ સાથેના લંચ વખતે કોઈ રાજકીય ચર્ચા કરવામાં નહોતી આવી. આથી અમિત શાહ સાથે પાલક પ્રધાન વિશે કોઈ વાતચીત નહોતી થઈ.

