ત્યાં સુધી નજીકમાં આવેલી પીએનજી, ગોરાઈ અથવા દૌલતનગરની સ્મશાનભૂમિનો ઉપયોગ કરવો પડશે
બોરીવલીમાં બાભઈ પાસે આવેલી સ્મશાનભૂમિની બહાર ગેટ પર લગાવેલું બોર્ડ
બોરીવલી-વેસ્ટમાં બાભઈ નાકા પાસે આવેલી જૂની સ્મશાનભૂમિનું સ્ટ્રક્ચર ઑડિટ કરતાં એ સી-ટૂ-એ કૅટેગરીમાં આવતાં એને બંધ કરી દેવાઈ છે. અચાનક આ સ્મશાનભૂમિ બંધ કરી દેવાઈ હોવાથી જ્યાં સુધી એનું રિપેરિંગ નહીં થાય ત્યાં સુધી એના વિકલ્પરૂપે બાભઈ (પીએનજી), ગોરાઈ (પારંપરિક) અથવા દૌલતનગરમાં આવેલી સ્મશાનભૂમિનો લોકોએ ઉપયોગ કરવો પડશે.
બોરીવલીમાં રહેતા ભરત મહેતાએ આ બાબતે ફરિયાદ કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કેટલાક દિવસથી બાભઈ નાકા પર આવેલી સ્મશાનભૂમિ બંધ કરી નાખી છે. હિન્દુ ધર્મમાં લાકડાંથી જ બૉડીને બાળવામાં આવે છે. તો જ સદગતિ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે અને એ માટે દોલતનગર કે ગોરાઈની સ્મશાનભૂમિમાં લોકોએ હવે જવું પડશે જે દૂર પણ પડશે અને હાલાકી પણ થશે. અચાનક જૂની સ્મશાનભૂમિને બંધ કરી દેવા કરતાં બેથી ત્રણ ચીમની ચાલુ રાખી હોત અને થોડું-થોડું રિપેરિંગ કરતા ગયા હોત તો લોકોને ડેડબૉડીના અંતિમ સંસ્કાર કરવા દૂર જવું પડત નહીં અને અસુવિધા પણ થાત નહીં.’
બોરીવલીના અન્ય એક રહેવાસી સતીશ વ્યાસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ નોટિસ કે જાહેરાત આપ્યા વગર બીએમસીએ જૂની હિન્દુ સ્મશાનભૂમિ બંધ કરી નાખી છે. ઇલેક્ટ્રિક સ્મશાનભૂમિ કોઈ કામની નથી. આપણી હિન્દુ સંસ્કૃતિ મુજબ લાડકાંથી જ ડેડબૉડીને બાળવામાં આવે છે. બાભઈ નાકા પાસેની સ્મશાનભૂમિ બંધ થઈ જવાને કારણે લોકોએ હવે દૂર જવું પડશે. એને કારણે પબ્લિકની હેરાનગતિ વધી જશે. આ સ્મશાનભૂમિને ફરી શરૂ કરવા માટે અમે વિધાનસભ્ય, સંસદસભ્ય, બોરીવલીની વૉર્ડ ઑફિસ વગેરે જગ્યાએ લેટર આપવાનું વિચારી રહ્યા છીએ.’
ADVERTISEMENT
બોરીવલીનાં વૉર્ડ ઑફિસર સંધ્યા નાંદેડકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલીના બાભઈ નાકા પાસે આવેલી જૂની હિન્દુ સ્મશાનભૂમિમાં મેજર રિપેરવર્ક કરવાનું છે. હિન્દુ સ્મશાનભૂમિનું સ્ટ્રક્ચર ઑડિટ કરાવતાં એનો રિપોર્ટ સી-ટૂ-એ કૅટેગરીનો આવ્યો હતો. કોઈ દુર્ઘટના ન બને એ માટે અમે સ્મશાનભૂમિને બંધ કરી છે અને ટેન્ડર પ્રોસેસમાં છે જે થઈ ગયા પછી બે મહિનામાં કામ ચાલુ થઈ જશે અને છ મહિનામાં એ બની જશે. આખી સ્મશાનભૂમિને અપગ્રેડ કરવામાં આવશે જેમાં ઍડ્વાન્સ ટેક્નૉલૉજી હશે.’
બોરીવલીના કૉર્પોરેટર પ્રવીણ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બોરીવલીની જૂની સ્મશાનભૂમિ પડી જાય એવી હાલતમાં હોવાથી એને બંધ કરી દેવાઈ છે. સ્મશાનભૂમિનું રિપેરિંગ કરવામાં આવશે. અહીં પાસે જ પીએનજી સ્મશાનભૂમિ છે એનો ઉપયોગ કરી શકાશે. આસપાસના લોકોની એવી ફરિયાદ પણ મળી હતી કે સ્મશાનભૂમિને કારણે પ્રદૂષણ વધી ગયું છે એટલે વીસ ફુટની દીવાલ પણ ઊભી કરી દીધી હતી.’