Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગજબ ધમાલ: મીરા રોડની સોસાયટીમાં બકરી ઈદના બકરા લાવવાના મુદ્દે થયો ભારે હોબાળો

ગજબ ધમાલ: મીરા રોડની સોસાયટીમાં બકરી ઈદના બકરા લાવવાના મુદ્દે થયો ભારે હોબાળો

Published : 27 May, 2026 07:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મીરા રોડની સોસાયટીમાં બકરી ઈદના બકરા લાવવાના મુદ્દે થયો ભારે હોબાળો, બજરંગ દળ દ્વારા ભૂંડ લાવવામાં આવતાં મામલો વણસ્યો ઃ સોસાયટીના ગેટની બહાર થયા હનુમાનચાલીસાના પાઠ અને જય શ્રીરામના નારા લાગ્યા

ભારે વિરોધને પગલે મીરા રોડની પૂનમ એસ્ટેટ કલસ્ટર 1 સોસાયટીમાંથી મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ બકરા હટાવી લીધા હતા. સોસાયટીની બહાર બજરંગ દળના કાર્યકરો ભૂંડ લઈને આવ્યા હતા. સોસાયટીના ગેટની બહાર હનુમાનચાલીસાના પાઠ.

ભારે વિરોધને પગલે મીરા રોડની પૂનમ એસ્ટેટ કલસ્ટર 1 સોસાયટીમાંથી મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ બકરા હટાવી લીધા હતા. સોસાયટીની બહાર બજરંગ દળના કાર્યકરો ભૂંડ લઈને આવ્યા હતા. સોસાયટીના ગેટની બહાર હનુમાનચાલીસાના પાઠ.


મીરા રોડ-ઈસ્ટમાં આવેલી પૂનમ એસ્ટેટ ક્લસ્ટર 1 સોસાયટીમાં આજની બકરી ઈદ નિમિત્તે કુરબાની માટે લાવવામાં આવેલા બકરાના મુદ્દે ગઈ કાલે સવારે જબરદસ્ત ડ્રામા અને ભારે હોબાળો જોવા મળ્યો હતો. આ સામાન્ય વિવાદે જોતજોતાંમાં રાજકીય અને કોમી રંગ પકડ્યો હતો. સોમવારથી શરૂ થયેલો આ તનાવ મંગળવારે ત્યારે વધુ વણસ્યો જ્યારે બજરંગ દળના કેટલાક કાર્યકરો વિરોધ-પ્રદર્શનના ભાગરૂપે એ જ સ્થળે એક ભૂંડ લઈને આવ્યા હતા. આ ઘટનાને કારણે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ અને ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયાં હતાં. પરિસ્થિતિ વણસતી જોઈને સ્થાનિક મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC)એ તાત્કાલિક દખલગીરી કરીને સોસાયટીના કમ્પાઉન્ડમાંથી તમામ પ્રાણીઓ હટાવી લીધાં હતાં અને એ વિસ્તારમાં શાંતિ જાળવવા માટે કાશીમીરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. બીજી તરફ MBMCના અધિકારીઓએ કડક કાર્યવાહી કરીને કૅમ્પસમાંથી ૪૨ બકરાને નજીકના શેલ્ટર હોમમાં ખસેડ્યા હતા.

કાશીમીરા પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોસાયટીમાં રહેતા મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોએ કુરબાનીના બકરા રાખવા માટે સોસાયટીના પરિસરમાં એક શેડનું નિર્માણ કરતાં વિવાદની શરૂઆત સોમવારે થઈ હતી. સોસાયટીના હિન્દુ સમુદાયના રહેવાસીઓએ આ શેડનો સખત વિરોધ કર્યો હતો. ત્યાર બાદ MBMCએ ફરિયાદ મળતાં જ આ શેડને તોડી પાડ્યો હતો. જોકે હિન્દુ પક્ષનો આક્ષેપ છે કે મોડી રાત્રે કેટલાક લોકોએ ફરી એ શેડ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે બન્ને ગ્રુપ વચ્ચે સામસામે ઉગ્ર દલીલો અને ઘર્ષણ થયું હતું. આ મોડી રાતના હંગામા દરમ્યાન હર્ષ સિંહ નામના એક યુવક પર બ્લેડથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેના હાથ પર ઈજા થઈ હતી. આ મામલે ફરિયાદ નોંધાઈ છે.’



દરમ્યાન ગઈ કાલે સવારથી જ આ વિવાદે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું અને વિવિધ હિન્દુ સંગઠનોના કાર્યકરો સોસાયટીના મુખ્ય ગેટની બહાર એકઠા થઈ ગયા હતા. તેમણે ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને જય શ્રીરામના જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા જેનાથી સમગ્ર વિસ્તારમાં તનાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. આ દરમ્યાન હિન્દુ સંગઠનો સાથે જોડાયેલા કેટલાક યુવકોએ સોસાયટીના ગેટની બહાર એક યુવકનો પીછો કરીને તેની મારપીટ પણ કરી હતી. મારપીટ કરનારાઓનો દાવો હતો કે આ યુવક સોમવારે સાંજે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનારા લોકો સાથે સંકળાયેલો હતો. જોકે ઘટનાસ્થળે હાજર પોલીસે તરત જ હસ્તક્ષેપ કરીને તે યુવકને ભીડમાંથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.
આ વિવાદમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે બજરંગ દળના કાર્યકરો વિરોધના સ્થળે એક ભૂંડ લઈને પહોંચ્યા હતા. પોલીસે જ્યારે એ પ્રાણીને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. 


બજરંગ દળના સભ્યોએ આ પગલાનો બચાવ કરતાં પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ‘મુસ્લિમ સમુદાય માટે એ ભલે ભૂંડ હોય, પરંતુ અમારા માટે એ વરાહ દેવ (ભગવાન વિષ્ણુનો અવતાર) છે. અમે એને અહીં પૂજાવિધિ માટે લાવ્યા છીએ.’ 

આ દરમ્યાન BJPના નેતા કિરીટ સોમૈયાએ પણ સોસાયટીની મુલાકાત લીધી હતી અને રહેવાસીઓ સાથે મુલાકાત કરીને જણાવ્યું હતું કે ‘હિન્દુઓને ડરાવવાનું આ ષડયંત્ર સફળ નહીં થવા દેવાય. સોસાયટીની અંદર પશુઓની કુરબાનીને મંજૂરી આપી શકાય નહીં.’


Whatsapp-channel Whatsapp-channel

27 May, 2026 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK