દેશભરમાંથી પસંદ થયેલાં બાવીસ ગુજરાતી નાટકો આજથી બાવીસ દિવસ સુધી મુંબઈનાં જુદાં-જુદાં સ્થળોએ ભજવાશે, આ તક ગુમાવવા જેવી નથી...
એક અનોખો નાટ્યયજ્ઞ
ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા યોજાતી નાટ્યસ્પર્ધાનું આ વખતે અઢારમું વર્ષ છે. પહેલી વાર આ કાૅમ્પિટિશનનો સેમી-ફાઇનલ રાઉન્ડ મુંબઈમાં યોજાઈ રહ્યો છે ત્યારે સલામ કરવા જેવા આ પ્રયોજનના કસબીઓને મળીએ.
ગુજરાતી ભાષાને બચાવવાની વાતો કરવી એક વાત થઈ પરંતુ ખરેખર એને બચાવવા રચનાત્મક અને પ્રયોગાત્મક રીતે મેદાનમાં ઊતરવું એ કાચાપોચાઓનું કામ નથી. જોકે ગુજરાતી ભાષાનું સૌભાગ્ય કે એને આવા ભડવીરો મળ્યા છે જેમણે ભાષા અને ભાષા સાથે સંકળાયેલી કળાને જીવંત રાખવા માટે પોતાના તન, મન અને ધન એમ બધું જ ન્યોછાવર કરી દીધું. આવું જ એક પ્રેરણાદાયી ઇનિશ્યેટિવ એટલે આજથી ૧૭ વર્ષ પહેલાં શરૂ થયેલી એક નાટ્યસ્પર્ધા. અંધેરીના ભવન્સ કલ્ચરલ સેન્ટરના લલિત શાહ, સ્વર્ગીય કમલેશ દરુ અને ગુજરાતી નાટ્યલેખનના ભીષ્મ પિતામહ પ્રવીણ સોલંકી દ્વારા એક અનોખી નાટ્યસ્પર્ધાના આયોજનની રૂપરેખા નિર્માણ થઈ. અફકોર્સ, એ પહેલાં પણ ગુજરાતી રંગભૂમિનાં રત્નોની શોધ માટે સ્પર્ધાઓ યોજાઈ રહી હતી જેમાં પણ આ બન્ને મહારથીઓનો મહત્ત્વનો રોલ હતો; પરંતુ પૂર્ણ કદનાં એટલે કે ઇન્ટરવલ સાથેનાં લગભગ બેથી અઢી કલાકનાં નાટકોની આ પ્રકારની પ્રથમ સ્પર્ધા હતી. આ સ્પર્ધાની શરૂઆતથી લઈને એની ખાસિયતો અને એણે કરેલા પ્રદાનની વાતો આજે આપણે વિગતવાર જાણવાના છીએ. એનું એક સજ્જડ કારણ છે કે ૧૭ સત્તર વર્ષથી જે નાટ્યસ્પર્ધાની સેમીફાઇનલ ગુજરાતમાં યોજાતી હતી એ આ વર્ષે મુંબઈમાં યોજાવાની છે અને પહેલી વાર મુંબઈકરોને બાવીસ નવા-જૂના અને વિવિધ વિષયો સાથેનાં પ્રયોગાત્મક નાટકોની લહાણી માણવા મળશે, એ પણ નિઃશુલ્ક. આજથી આવતા બાવીસ દિવસ સુધી ચાલનારી આ નાટ્યયાત્રાના સાક્ષી બનવાના હો તો પહેલાં એની શરૂઆતથી લઈને આજ સુધીની જર્નીને જાણી લો.
શરૂઆતથી શરૂઆત
મુંબઈ અને નાટ્યસ્પર્ધાની વાત કરવી હોય તો આપણે ૧૯૫૦માં જવું પડે, જ્યારે લીલાવતીબહેન મુનશીએ ભારતીય વિદ્યા ભવનમાં પહેલવહેલી વાર એકાંકી નાટ્યસ્પર્ધાનું આયોજન કરેલું અને એમાં ૧૪ ભાષાઓને સામેલ કરવામાં આવી હતી. ઇતિહાસનાં એ સોનેરી પૃષ્ઠો ઊથલાવતાં ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીના વ્યવસ્થાપક લલિત શાહ કહે છે, ‘ભારતમાં નાટ્યજગત માટે થયેલું એ ખૂબ ઊંચા ગજાનું કાર્ય તમે કહી શકો જે લીલાવતીબહેને શરૂ કરેલું. ૧૪ ભાષામાં ઇન્ટર-કૉલેજિયેટ નાટ્યસ્પર્ધા ૧૯૫૦થી ૧૯૬૬ સુધી ચાલી જેમાં રાજેશ ખન્ના, સંજીવ કુમાર, અમજદ ખાન, કાન્તિ મડિયા, ભરત દવે, શૈલેશ દવે, આશુતોષ, મરાઠીના ટૉપનાં ડિરેક્ટર વિજયાબાઈ જેવાં ઉત્કૃષ્ટ કલાકારો આપણી સામે આવ્યાં. ગુજરાતી રંગભૂમિની એક આખી પેઢી એ નાટ્યસ્પર્ધા થકી આપણને મળી છે. આ એ સમય હતો જ્યારે હું પણ શોખથી બાળકલાકાર તરીકે કામ કરતો. મને આ સ્પર્ધાઓનો અને એનાથી રંગભૂમિની થઈ રહેલી સેવાનો પરચો દેખાઈ જ રહ્યો હતો. એમાંથી જ આઇડિયા આવ્યો કોપવુડ નાટ્યસ્પર્ધાનો. મને યાદ છે કે બિરલા માતુશ્રીમાં નાટ્યજગતના કેટલાક ધુરંધરો બેઠા હતા જેમાં કાન્તિ મડિયાના સાળા ગિરેશ દેસાઈ, જેને અમે પ્રેમથી ભાઉસાહેબ કહેતા તેઓ હતા. પ્રબોધ જોશી, નિરંજન મહેતા, કાન્તિ મડિયા અને ભારતીય વિદ્યા ભવન કલા કેન્દ્ર-ચોપાટીના ડિરેક્ટર રમેશ જમીનદાર પણ હતા જે એશિયાટિક સોસાયટીમાં ઉચ્ચ હોદ્દા પર હતા. હું એ સમયે નાટકોમાં ઍક્ટિવ નહોતો, પરંતુ નાટકો પ્રત્યેના પ્રેમને કારણે જોડાયેલો હતો. મારી પોતાની કંપની હતી. એક સફળ બિઝનેસમૅન હતો. એવામાં મેં એક વિચાર મૂક્યો કે આપણે ફરી નાટ્યસ્પર્ધા કરવી જોઈએ. જો ભવન્સ ચોપાટી લીડ કરે તો હું ડોનેશન આપવા તૈયાર છું. મારી આ વાત રમેશ જમીનદારે સાંભળી, પરંતુ તેમણે કહ્યું કે તમે તો એક વર્ષ ડોનેશન આપીને સાચવી લો પણ પછી બીજા વર્ષે અમે એને નિભાવી ન શકીએ તો? તેમની વાતમાં દમ હતો. કોઈ પણ કામ શરૂ કરો તો કમ સે કમ પાંચ વર્ષના બૅકઅપ પ્લાન સાથે કરવું જોઈએ. એટલે મેં મારી કંપનીમાં વાત મૂકી અને કહ્યું કે આવી એક નાટકસ્પર્ધામાં આપણે ડોનેશન આપવું જોઈએ અને એના માટે તેઓ ૧૧ વર્ષની બાંહેધરીની અપેક્ષા રાખે છે, એ માટે આપણે એકસાથે જ ૧૧ લાખનું ડોનેશન કરવું જોઈએ. એ વખતે કંપનીના બધા જ હોદ્દેદારો જેઓ મારા ભાઈઓ અને મિત્રો હતા તેમણે મારી વાતને સ્વીકારી લીધી. આજથી લગભગ ૪૦ વર્ષ પહેલાં અમારી કંપની કૉપવુડે નાટ્યસ્પર્ધા માટે ૧૧ લાખનું ડોનેશન આપ્યું અને ૧૯૮૬થી કૉપવુડ નાટ્યસ્પર્ધાની શરૂઆત થઈ અને જ્યાં સુધી ભાઉસાહેબ જીવ્યા ત્યાં સુધી એટલે ૨૦૦૦ની સાલ સુધી એટલે કે કુલ ૧૪ વર્ષ એ નાટ્યસ્પર્ધા ચાલી. એ સમયે કેટલાકે અમને ગાંડા ગણેલા અને આવું ન કરવા સમજાવેલા, પણ નાટ્યકલા પ્રત્યેના પ્રેમને કારણે અમે કોઈનું ન સાંભળ્યું. એ જ સ્પર્ધામાં આપણને મળી વિપુલ અમૃતલાલ શાહ, અસિત મોદી, દેવેન ભોજાણી, જે.ડી. મજીઠિયા, રાજુ જોશી, વિપુલ મહેતા જેવા અઢળક કલાકારોની ફોજ. એ સમયે આપણે એ સ્પર્ધા ૬ ભાષામાં કરતા.’
આ દરમ્યાન સરકાર દ્વારા બદલાયેલી નીતિને કારણે કૉપવુડ કંપની હેઠળ બનતી ઘડિયાળની ઇલેક્ટ્રિક ક્લૉક મૂવમેન્ટનો લલિતભાઈનો બિઝનેસ પડી ભાંગ્યો. ભારતની આ આખી ઇન્ડસ્ટ્રી ચીનને કારણે બંધ પડી ગઈ અને તેમને ભયંકર નુકસાન થયું. આર્થિક પડકારો વચ્ચે પણ નાટ્ય પ્રત્યેની નિષ્ઠા અકબંધ રહી અને ફરી તેમના જીવનમાં નાટ્ય સાથે જોડાવાનો અને એની સેવા કરવાનો અવસર આવ્યો જ્યારે ભારતીય વિદ્યાભવન દ્વારા લલિત શાહને અંધેરીમાં ભવન્સ કલ્ચરલ સેન્ટરની શરૂઆત કરવાનું આમંત્રણ મળ્યું. એમાંથી જ આજે જે નવા ઇતિહાસ સર્જી રહી છે એવી ૧૮મા વર્ષમાં પ્રવેશેલી નાટ્યસ્પર્ધાનું અંકુરણ થયું.
ફરી શરૂ થઈ યાત્રા
ભવન્સ કલ્ચરલ સેન્ટરમાં કામ કરતી વખતે ૨૦૦૭માં નાટ્યસ્પર્ધાનાં નવેસરથી બીજ રોપાયાં એની વાત કરતાં લલિતભાઈ કહે છે, ‘નાટક પ્રત્યેનો પહેલો પ્રેમ કાયમ માટે મારી સાથે રહ્યો. મારી પત્ની ભૈરવી નાટ્યજગત સાથે સંકળાયેલી હતી એટલે મારા બીજા પ્રેમનો પહેલો પ્રેમ પણ નાટક જ હતો. મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા યોજાતી પૂર્ણ કદનાં મરાઠી અને ગુજરાતી નાટકોની સ્પર્ધા ગુજરાતીઓ માટે બંધ થઈ ગઈ ત્યાર પછી પચાસેક વર્ષથી આ સ્પર્ધા બંધ જ હતી. લગભગ ૨૦૦૬ની વાત છે જ્યારે સ્વર્ગીય કમલેશ દરુ અને મને વિચાર આવ્યો કે ફરી થંભી ગયેલી નાટ્યસ્પર્ધા શરૂ કરીએ અને આ વખતે એકાંકી નહીં પણ પૂર્ણ કદનાં નાટકોની. સામાન્ય રીતે ઇન્ટરવલ વિનાનાં ચાલીસ-પિસ્તાલીસ મિનિટનાં નાટકોને એકાંકી કહેવાય છે, પરંતુ ફુલ લેન્ગ્થનાં એટલે કે પૂર્ણ કદનાં નાટકો બેથી અઢી કલાકના ઇન્ટરવલ સાથેનાં હોય છે. કોઈ સંસ્થા દ્વારા આવી નાટ્યસ્પર્ધા આ પહેલાં ક્યારેય યોજાઈ નહોતી એટલે બહુ જ નવતર પ્રયોગ હતો અને એમાં રિસ્પૉન્સ કેવો અને શું મળશે એની કોઈ કલ્પના નહોતી. શરૂઆતમાં જ આમાં કેમ આગળ વધવું અને શું-શું કરવું એ માટે અમે એ સમયે પણ નાટ્યજગતમાં લેખક તરીકે શહેનશાહનો દરજ્જો ભોગવતા પ્રવીણભાઈ સોલંકીનો સંપર્ક કર્યો અને તેમને પણ આ વિચાર ગમી ગયો. એ પછી અમે ચિત્રલેખા સાપ્તાહિકના મૌલિક કોટકને મળ્યા અને તેમણે પણ હામી ભરી અને એક જૂનાં મૂળિયાં ધરાવતી નવી સફરની શરૂઆત થઈ. ૧૮ વર્ષ પહેલાં શરૂ થયેલી આ યાત્રામાં બેશક, ખૂબ મહેનત પડી છે અને એના ગ્રોથમાં પારાવાર ધ્યાન આપવું પડ્યું છે; પરંતુ સાચું કહું તો એ ક્ષણેક્ષણ સોનેરી બની ગઈ એવો રિસ્પૉન્સ અમને મળ્યો છે.’
કલ્પનાતીત પરિણામ
પ્રયોગાત્મક અને મૌલિક નાટકોના વિષયો સાથે અઢળક નવા કલાકાર, ડિરેક્ટર, સેટઅપ વગેરેને કારણે દેશભરમાં એક જુદો જ રોમાંચ અને જિજ્ઞાસા જન્માવવાનું આ સ્પર્ધાએ કામ કર્યું છે. કેટલાક ચોંકાવનારા આંકડાઓ પર નજર કરીએ. ૨૦૦૭થી શરૂ થયેલી આ નાટ્યયાત્રામાં હજારો કલાકારોને મંચ મળ્યો, જેમાંથી લગભગ ૭૦ જેટલા દિગ્ગજ કલાકારો મળ્યા. આજે પણ લગભગ ૬ મહિના પહેલાં ભારતભરમાંથી ગુજરાતીઓ દ્વારા મોકલાતાં નાટકોની એન્ટ્રીને ચકાસવાનું અને સિલેક્શનનું કામ શરૂ થઈ જાય છે. લલિતભાઈ અને પ્રવીણભાઈ સાથે નાટ્યપ્રેમી રમાકાન્ત ભગત અને જિજ્ઞેશ મકવાણા મહેનત કરે છે. આ વર્ષે આવેલાં કુલ ૪૫ નાટકોમાંથી બાવીસ નાટકો સેમીફાઇનલ સ્પર્ધા માટે જજ દ્વારા સિલેક્ટ થયાં છે. આ બાવીસેબાવીસ નાટકો આજથી બાવીસ દિવસ સુધી મુંબઈનાં પાંચ જુદાં-જુદાં સ્થળોએ ભજવાશે. એમાંથી ૧૧ નાટકોની પસંદગી થશે અને પછી એમાંથી વિજેતા જાહેર થશે. ખૂબ બધો સમય, ઇચ્છાશક્તિ અને સારા પ્રમાણમાં ફન્ડ માગી લેતી આ નાટ્યસ્પર્ધાની યાત્રાને સફળ બનાવવામાં બધી જ રીતે સમર્પિત પ્રવીણ સોલંકી કહે છે, ‘આ સ્પર્ધાએ અમને જે સંતોષ આપ્યો છે એની કલ્પના ન કરી શકાય. આજે પણ કેટલાય કલાકારો અમને ફોન કરી-કરીને અનુગ્રહ વ્યક્ત કરતા હોય છે. કેટલાય માટે આ મંચ આશાનું નવું કિરણ બની ગયું. આનાથી વધારે શું જોઈએ? આજે આટલાં વર્ષોમાં આર્થિક રીતે પહોંચવાનું હોય કે શારીરિક રીતે દોડવાનું હોય, સામેથી લોકો મદદ કરવા માટે તત્પર હોય છે. આ જ દર્શાવે છે કે લોકોના જીવનમાં આ સ્પર્ધાએ કેવો પ્રભાવ પાડ્યો છે. આ વર્ષે તો મુંબઈમાં સ્પર્ધા યોજાઈ રહી છે એનો વિશેષ આનંદ છે કારણ કે મુંબઈથી નાટકો બહાર જાય પરંતુ બહારનાં નાટકોને ઝડપથી મુંબઈમાં મંચ નથી મળતો, જે આ વખતે થશે. ખરેખર પારાવાર આત્મસંતોષ છે કે ઈશ્વરે આ પ્રકારનું કામ કરી શકવાની તક આપી.’
હવે મુંબઈ શું કામ?
નાટકના વિષયોને લઈને મુંબઈના પ્રેક્ષકોને સીમિત કરી દેવાયા છે અને પ્રયોગાત્મક નાટકો કમર્શિયલ કારણોને લીધે ઓછાં બને છે ત્યારે આ સ્પર્ધા થકી જે મંચ મળશે એમાં નવા વિષયો પ્રેક્ષકો સુધી પહોંચાડવાની સવલત મળવાની છે એમ જણાવીને લલિતભાઈ કહે છે, ‘નાટક સ્ટૅન્ડઅપ કૉમેડી નથી એ વાત મુંબઈના પ્રેક્ષકોના દૃષ્ટિકોણમાં ઉમેરવાનો આ ઉમદા પ્રયાસ છે એમ તમે કહી શકો. આ નાટકો પ્રેક્ષકો માટે નિઃશુલ્ક છે અને ૨૦ મૌલિક નાટકો છે જે ભજવાશે. હવે મનોરંજનનાં માધ્યમો ભલે વધ્યાં હોય પણ નાટકો માટેની એક ઑડિયન્સ છે જ. એ પ્રેક્ષકો જેઓ આજે પણ લાઇવ પર્ફોર્મન્સને માણે છે, એના પડકારોને જાણે છે અને કલાકારોની આવડતને દિલથી સરાહે છે. બીજું, પહેલી વાર ગુજરાતના ખૂણેખાંચરે રહેલા કલાકારો દ્વારા તૈયાર થયેલી વિષયવસ્તુ મુંબઈના પ્રેક્ષકો માણી શકશે એ પણ એક ભાગ્યે જ મળતો અવસર છે.’
ખરેખર કહું છું કે આ સ્પર્ધાનાં જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં છે: સિદ્ધાર્થ રાંદેરિયા, પીઢ અભિનેતા
ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીની નાટ્યસ્પર્ધાની યાત્રાને નજીકથી જોનારા અને એના પ્રભાવને હૃદયથી સન્માન આપતા ગુજરાતી રંગભૂમિના અમિતાભ બચ્ચન તરીકે ઓળખાતા પીઢ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા કહે છે, ‘મેં પણ મારી શરૂઆત આવી જ નાટ્યસ્પર્ધાઓ થકી કરી છે. મને યાદ છે કે ગુજરાત સરકાર દ્વારા યોજાયેલી એ નાટ્યસ્પર્ધામાં મારું પહેલું નાટક હતું ‘વૈરી’. સિતાંશુ યશશ્ચંદ્ર એના લેખક હતા અને અરવિંદ ઠક્કર દિગ્દર્શક હતા. બહુ જ ગર્વની વાત છે દરેક મુંબઈકર માટે કે પહેલી વાર બાવીસ ગુજરાતી નાટકો મુંબઈમાં ભજવાશે. આવી સ્પર્ધાઓ ખૂબ જ જરૂરી છે. હકીકતમાં તો આ સ્પર્ધાઓ જ નવા કલાકારો માટે એક પ્રયોગશાળા છે. આખી પેઢીઓનું સર્જન આવી સ્પર્ધાઓ થકી થાય છે. હું, પરેશ રાવલ જેવા મોટા ભાગના કલાકારોનું સર્જન કરવામાં આવી નાટ્યસ્પર્ધાઓ જ નિમિત્ત બની છે અને ભવન્સ કલ્ચરલ સેન્ટર થકી યોજાતી આ સ્પર્ધાની યાત્રાને તો મેં નજીકથી જોઈ છે. ભવન્સની ઑફિસમાં પ્રવીણભાઈ સાથે હું બેઠો હોઉં ત્યારે મારાં નાટકોની ચર્ચા વચ્ચે આ સ્પર્ધા માટે એ આખી ટીમ દ્વારા થતી મહેનતને મેં નજરોનજર જોઈ છે. ખરેખર હૅટ્સ ઑફ છે તેમને. તમને કહું કે આવાં કામ પૈસાથી જ થાય એવું નથી, પૈસા તો જોઈએ જ પણ સાથે સમય અને સૌથી વધુ એ ભાવ, નાટકો માટે એ લાગણી જોઈએ કારણ કે આમાં વ્યક્તિગત કોઈ વળતર નથી, પરંતુ તેમની રંગભૂમિ માટેની લાગણીનું આ પરિણામ છે. તેમનું આ કાર્ય ખરેખર અભિનંદનને પાત્ર છે.’
મુંબઈમાં યોજાતી અન્ય નાટ્યસ્પર્ધાઓ વિશે પણ જાણી લો
નાટ્યક્ષેત્રના દિગ્ગજો ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીની નાટ્યસ્પર્ધાને ગુજરાતી રંગભૂમિની પ્રયોગશાળા અને નવી-નવી પ્રતિભાઓનું પારણાઘર ગણાવે છે. જોકે આ વાત અહીં અટકતી નથી. ગુજરાતી રંગભૂમિના સિનિયરમોસ્ટ નિર્માતા અને ૭૦ વર્ષથી રંગભૂમિ સાથે જોડાયેલા નિરંજન મહેતા કહે છે, ‘મુંબઈમાં આ ગજાની અને એ પણ કોઈ ખાનગી સંસ્થાન દ્વારા યોજાતી આવી એકમાત્ર સ્પર્ધા છે. એ સિવાય કેટલીક એકાંકી સ્પર્ધાઓ ચાલે છે. જેમ કે થિયેટર લેજન્ડ અદી મર્ઝબાનની સ્મૃતિમાં ભવન્સ ચોપાટી દ્વારા છેલ્લાં નવ વર્ષથી એકાંકી સ્પર્ધા યોજાય છે. એ સિવાય મુંબઈના શ્રી કપોળ આનંદ મંગળ ટ્રસ્ટે એક એકાંકી નાટ્યસ્પર્ધા એકાદ વર્ષ પહેલાં જ શરૂ કરી છે. અત્યારનો સિનારિયો જોતાં એવું લાગે છે કે આવનારા સમયમાં આવી નાટ્યસ્પર્ધાઓ હજી વધશે. ભલે OTT, ફિલ્મો અને ટીવીનો દબદબો હોય; પરંતુ નાટકોનું આકર્ષણ ક્યારેય જવાનું નથી. એના કદરદાન દર્શકો હંમેશાં રહેવાના. હા, થોડોક સમય એનો નબળો ફેઝ હતો પરંતુ એ બહુ લાંબો નહીં ચાલે. એક સમયે ગુજરાતી ફિલ્મો પર પણ પસ્તાળ પડ્યા જેવી સ્થિતિ હતી પરંતુ આજે જુઓ, હાઇએસ્ટ બિઝનેસ કરનારી ગુજરાતી ફિલ્મો રેકૉર્ડ બનાવી રહી છે. સમય સાથે બદલાવ આવે પણ મનોરંજનનાં માધ્યમો બંધ ક્યારેય ન થાય. એમાંય રંગભૂમિનાં મૂળિયાં તો ખૂબ ઊંડાં છે.’
મને આશા છે કે આ સ્પર્ધાને કારણે ગુજરાતી રંગભૂમિને આવતાં ૨૦ વર્ષ સુધી કલાકાર-કસબીઓની ખોટ નહીં રહે : પ્રવીણ સોલંકી
ગુજરાતી રંગભૂમિને ધબકતી રાખવામાં લેખક પ્રવીણ સોલંકીનો બહુ મોટો ફાળો છે. છેલ્લાં ૬0 વર્ષમાં પૂર્ણ કદનાં ૨૧૭ નાટકો તેમણે લખ્યાં છે અને બધાં જ નાટકો ભજવાયાં છે એ ગુજરાતી રંગભૂમિનો વિક્રમ છે. આનો અર્થ એ કે દર વર્ષે તેમણે લખેલાં ત્રણથી ચાર નાટકો સતત સ્ટેજ પર ભજવાયાં છે, રજૂ થયાં છે. તેમણે ૩૨ દિગ્દર્શકો માટે નાટકો લખ્યાં છે અને આમાંથી અઢળક કલાકારો સ્ટેજ પર ચમક્યા છે. કાન્તિ મડિયા માટે તેમણે ૨૬ નાટકો લખ્યાં તો થ્રિલર સ્પેશ્યલિસ્ટ ફિરોજ ભગત માટે ૧૧૨ નાટકો લખ્યાં છે. સિદ્ધાર્થ રાંદેરિયા માટે તેમણે લખેલી ગુજ્જુભાઈની સિરીઝ સુપરડુપર હિટ નીવડી છે. તેમણે ૨૧૭ નાટકો ઉપરાંત ૧૦૦થી વધુ એકાંકીઓ અને બે ગઝલસંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત તેમણે ગુજરાતી ટીવી-સિરિયલો અને ગુજરાતી ફિલ્મો પણ લખી છે. છેલ્લાં ૧૭ વર્ષથી ચાલી રહેલી ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીની નાટ્યસ્પર્ધાના પાયારૂપ પ્રવીણભાઈ બની રહ્યા છે. અહીં તેમની સાથે નાટ્યસ્પર્ધાના સંદર્ભે કરેલી વાતચીતના અંશો રજૂ કર્યા છે.
આ નાટ્યસ્પર્ધા નવી ટૅલન્ટને આગળ લાવવા અને નવો પ્રેક્ષક વર્ગ કેળવવાના હેતુથી જ શરૂ થઈ હતીને? શું લાગે છે, એ સિદ્ધ થયો છે?
પ્રવીણભાઈ : ચોક્કસ અમારું ધ્યેય સિદ્ધ થયું છે અને સારું પરિણામ આવી રહ્યું છે. દર વર્ષે એન્ટ્રીઓ વધતી રહી છે અને પ્રશંસનીય કામ થઈ રહ્યું છે. ગુણવત્તા પણ વધતી રહી છે. અમે ધાર્યું નહોતું કે આટલા વ્યાપક પ્રમાણમાં પ્રસિદ્ધિ મળશે, પણ આજે ૧૮મા વર્ષે પણ નાટ્યસ્પર્ધા એટલા જ ઉત્સાહપૂર્વક ઊજવાઈ રહી છે. આ વર્ષથી પ્રારંભિક સ્પર્ધા પણ મુંબઈ અને પરાંમાં ભજવાઈ રહી છે.
આ સ્પર્ધામાં રજૂ થતાં નાટકોના સ્તર વિશે તમે શું માનો છો?
પ્રવીણભાઈ : અફકોર્સ, નાટકનું સ્તર સુધર્યું છે. નવા કલાકાર-કસબીઓ નવા-નવા પ્રયોગો કરે છે. ૧૭ વર્ષમાં હજારો કલાકારોએ ભાગ લીધો એ એક ઘટના છે.
આ સ્પર્ધામાં રજૂ થતાં નાટકોના લેખન વિશે તમારું શું કહેવું છે? તમે પોતે આજીવન નાટ્યલેખક રહ્યા છો, તમારું શું નિરીક્ષણ છે?
પ્રવીણભાઈ : વર્ષોથી જે ધારાધોરણ ચાલતાં આવ્યાં છે એ સચવાયાં છે. એમાં સુધારા પણ થયા છે. કેટલાંક નાટકો માટે ગૌરવ લઈ શકાય એવું પણ બન્યું છે.
સ્પર્ધામાં રજૂ થતાં નાટકોના અભિનય વિશે શું કહેવું છે?
પ્રવીણભાઈ : અભિનયનું સ્તર સુધરતું જાય છે. કલાકારો વિચાર કરતા થયા છે એ સારી વાત છે. હજી વધારે સારો અભિનય નાટ્યસ્પર્ધાઓમાં થશે અને એ આપણે જોઈશું એવો મારો વિશ્વાસ છે.
મુંબઈનાં નાટકો ઓછાં આવે છે એ વિશે તમે શું કહેવા માગો છો?
પ્રવીણભાઈ : મુંબઈનાં નાટકો ઓછાં આવે છે કારણ કે મુંબઈની વ્યવસાયિક રંગભૂમિને આ સ્પર્ધામાં બહુ રસ પડતો નથી, પણ બહારગામવાળા ઉત્સાહથી ભાગ લે છે. એ લોકો વિવિધ વિષય પર નાટકો લઈને આવે છે, વિવિધ સમસ્યા પર નાટકો લઈને આવે છે. એટલે એમ લાગે છે કે તેઓ પણ વિચારે છે ખરા. હા, મુંબઈ આ સ્પર્ધાના કલાકારોને વ્યવસાયિક રંગભૂમિમાં સમાવી લે છે એ આ સ્પર્ધાનું જમા પાસું છે.
અત્યારની રંગભૂમિના સ્તરમાં આ નાટ્યસ્પર્ધાથી ફરક પડશે? તમને શું લાગે છે? પ્રવીણભાઈ : બધા જ કંઈક નવું, નોખું કરવા સભાન પ્રયત્ન કરે છે. દર વખતનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે એ જ મહત્ત્વની વાત છે. કોઈ પણ સ્પર્ધાથી સંપૂર્ણ સંતોષ થાય એવું તો બનતું જ નથી. જો સંતોષ થઈ જાય તો સ્પર્ધાનું પૂર્ણવિરામ આવી જાય. એટલે થોડોઘણો અસંતોષ રહે એ જ સારું છે અને તો જ દર વર્ષે સુધારાને અવકાશ રહે. સ્પર્ધા થાય એ જ ખૂબ મહત્ત્વની વાત છે. આ સ્પર્ધામાંથી અનેક લેખકો, કલાકારો, દિગ્દર્શકો બહાર આવ્યા છે એ આ સ્પર્ધાનું જમા પાસું છે. અને મને આશા છે કે આ સ્પર્ધાને કારણે ગુજરાતી રંગભૂમિને આવતાં ૨૦ વર્ષ સુધી કલાકાર-કસબીઓની ખોટ નહીં રહે.


