આ મામલે ભિવંડીના નારપોલી પોલીસે અજાણ્યા વાહન સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
મૃત્યુ પામેલો આદર્શ કર્ણ
ભિવંડીના ઓવળીગાવ વિસ્તારમાં રહેતો ૧૭ વર્ષનો આદર્શ કર્ણ બે મિત્રો સાથે રવિવારે રાતે બાઇક પર જમવા જઈ રહ્યો હતો ત્યારે અંજુર ફાટા નજીક પૂરપાટ વેગે આવી રહેલી એક ટ્રક સાથે બાઇક અથડાતાં આદર્શનું મૃત્યુ થયું હતું. આ મામલે ભિવંડીના નારપોલી પોલીસે અજાણ્યા વાહન સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આદર્શ કૉલેજના તેના બે મિત્રો સાથે જમવા માટે બાઇક પર ટ્રિપલ સીટ જઈ રહ્યો હતો ત્યારે ટ્રકે બાઇકને ઉડાડી હતી એવું પોલીસે જણાવ્યું હતું.
રવિવારે સાંજે આદર્શ તેના મિત્ર ગુડ્ડુ અને વિવેક સાથે ડિનર માટે ગયો હતો એમ જણાવતાં આદર્શના મોટા ભાઈ આદિત્ય કર્ણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ત્રણે કૉલેજ-ફ્રેન્ડ હતા. રવિવારે રાતે ૧૧ વાગ્યે આદર્શ બાઇક પર ટ્રિપલ સીટ તેના બે મિત્રોને લઈને જમવા જઈ રહ્યો હતો ત્યારે અંજુર ફાટા નજીક પાછળથી આવી રહેલી ટ્રકે આદર્શની બાઇકને ઓવરટેક કરી હતી. એ સમયે આદર્શે બાઇક પરથી કન્ટ્રોલ ગુમાવ્યો હતો. ઘટના બાદ ત્રણેય ઘાયલોને સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં ડૉક્ટરોએ આદર્શ મૃત્યુ પામ્યો હોવાનું કહ્યું હતું.’