પોલીસે ૩ આરોપીને પકડીને ૭ કેસ ઉકેલ્યા, ૪૬ બાઇક રિકવર કરી, મોટું રૅકેટ હોવાની શંકા સાથે વ્યાપક તપાસ શરૂ
ધરપકડ કરવામાં આવેલા આરોપીઓ સાથે ડી. એન. નગર પોલીસ.
ડી. એન. નગર પોલીસે મોટરસાઇકલ ચોરીના રૅકેટને તોડી પાડ્યું હતું. ૬-૭ મહિના પહેલાં અંધેરી-વેસ્ટમાંથી એક બાઇક ચોરાઈ ગઈ હતી. એનો કેસ ડી. એન. નગર પોલીસ-સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો. એ કેસની તપાસમાં પોલીસે સોમવારે બાઇક ચોરી કરતી એક ગૅન્ગને પકડી પાડી હતી. ડી. એન. નગર, જુહુ, ગોરેગામ, વર્સોવા વગેરે એરિયામાં મોટરસાઇકલોની ચોરી કરતા ૩ આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. CCTV કૅમેરાનાં ફુટેજ તપાસવાથી મળેલા ઇનપુટ્સ અને ખબરીની મદદથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
આ ગૅન્ગ પાસેથી ચોરી થયેલી ૪૬ બાઇક પોલીસે રિકવર કરી હતી. મુંબઈનાં જુદાં-જુદાં પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા ૭ કેસ સાથે આ આરોપીઓ સંડોવાયેલા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું. આ ગૅન્ગના બે આરોપીઓ ચોરી કરેલી મોટરસાઇકલ બહેરામબાગની એક વર્કશૉપમાં લઈ જતા હતા અને ત્યાં બાઇકના ભાગોને જુદા કરીને વેચી દેતા હતા. આ રૅકેટ મોટું હોવાની શંકા વ્યક્ત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.


