બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાયની BMCનાં કમિશનર સાથેની મીટિંગમાં ચેતવણી
BMCનાં કમિશનર અશ્વિની ભિડે સાથે બેઠક દરમ્યાન સંજય ઉપાધ્યાય.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના બોરીવલીના વિધાનસભ્ય સંજય ઉપાધ્યાય અતિક્રમણ હટાવવાના મુદ્દે ચર્ચા કરવા માટે બુધવારે BMCના કમિશનર અશ્વિની ભિડેને મળ્યા હતા. સંજય ઉપાધ્યાયે આ ચર્ચા દરમ્યાન ચેતવણી આપી હતી કે ૭ જૂન સુધીમાં બોરીવલીમાં મેટ્રો સ્ટેશન અને લિન્ક રોડ નજીકનાં અતિક્રમણો દૂર નહીં થાય તો ૮ જૂનથી તેઓ સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને ભૂખહડતાળ પર બેસશે.
સંજય ઉપાધ્યાયે ગુંદવલી અને ડી. એન. નગર વચ્ચે ડાયરેક્ટ મેટ્રો સર્વિસ ફરી શરૂ કરવાની પણ માગણી કરી હતી. દહિસર-કાશીગાવ વચ્ચે મેટ્રો 9 શરૂ થયા બાદ મેટ્રો 7નો સર્ક્યુલર રૂટ બંધ થતાં સ્ટુડન્ટ્સ અને ઑફિસ જનારા લોકોનો વધુ સમય બરબાદ થાય છે. તેથી ફરી અગાઉ મુજબ આ રૂટ શરૂ થાય એવી માગણી તેમણે કરી હતી. આ ઉપરાંત બંગલાદેશી અને રોહિંગ્યા કામદારોને ગેરકાયદે રીતે રોજગારી આપતા કૉન્ટ્રૅક્ટરો સામે કાર્યવાહી કરવાનો મુદ્દો પણ તેમણે આગળ કર્યો હતો.
