Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > BKCના હીરાના વેપારીએ પૅરિસની મહિલાને ૯૮ લાખમાં આર્ટિફિશ્યલ ડાયમન્ડ પધરાવ્યો

BKCના હીરાના વેપારીએ પૅરિસની મહિલાને ૯૮ લાખમાં આર્ટિફિશ્યલ ડાયમન્ડ પધરાવ્યો

Published : 24 August, 2026 07:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫.૦૫ કૅરૅટના હીરાનું પૂરું પેમેન્ટ લઈને ટૂરિસ્ટને ૭ મહિના લટકાવી, અંતે ભારત ડાયમન્ડ બુર્સના ગુજરાતી વેપારી સામે ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પૅરિસમાં રહેતી મહિલા ટૂરિસ્ટ સાથે ૯૮ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપસર બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) પોલીસે ભારત ડાયમન્ડ બુર્સના હીરાના ગુજરાતી વેપારી સામે ફરિયાદ નોંધી છે. ફરિયાદી મહિલા મુંબઈ ફરવા આવી હતી. એ સમયે તેણે BKCની ડાયમન્ડ માર્કેટની મુલાકાત લઈને વેપારી પાસેથી હીરો ખરીદ્યો હતો. જોકે વેપારીએ પૈસા લીધા બાદ ખોટો હીરો મોકલ્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આ મામલે મહિલાના કાયદાકીય પ્રતિનિધિ અને મુંબઈના વકીલ મંગેશ ભોસલેએ વિધિવત્ ફરિયાદ નોંધાવી છે.

BKC પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પૅરિસની રહેવાસી મહિલા ઑગસ્ટ 2025માં ભારતના પ્રવાસે આવી હતી. એ સમયે તેણે ૧૧ ઑગસ્ટે BKCસ્થિત ડાયમન્ડ માર્કેટની મુલાકાત લીધી હતી. તેણે આરોપીની ઑફિસમાંથી ૫.૦૫ કૅરૅટનો ઇન્ટરનૅશનલ જેમોલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ (IGI) સર્ટિફાઇડ રાઉન્ડ કટ ડાયમન્ડ પસંદ કર્યો હતો. આ હીરાની પૂરી રકમ તેણે ઑનલાઇન બૅન્ક-ટ્રાન્સફર દ્વારા ચૂકવી આપી હતી અને વેપારીએ એક અઠવાડિયામાં આ હીરો પૅરિસના સરનામે પહોંચાડવાનું વચન આપ્યું હતું. જોકે મહિનાઓ વીતી જવા છતાં હીરાની ડિલિવરી આપવામાં આવી નહોતી અને ટૅક્સ તેમ જ શિપમેન્ટ ચાર્જિસના નામે વધારાના પૈસા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તમામ પ્રકારનાં બહાનાં અને વિલંબ બાદ આખરે આ વર્ષની ૧૯ ફેબ્રુઆરીએ એટલે કે ખરીદીના લગભગ ૭ મહિના પછી વેપારીના પ્રતિનિધિ મારફત એક કુરિયર પાર્સલ પૅરિસ મોકલવામાં આવ્યું હતું.’



ફરિયાદી મહિલાએ આ હીરાની ચકાસણી ફ્રાન્સની માન્ય ફૉરેન્સિક લૅબ ખાતે કરાવી ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. લૅબોરેટરીના રિપોર્ટ મુજબ મહિલાને મોકલવામાં આવેલો હીરો કુદરતી નહીં પરંતુ કેમિકલ વેપર ડિપોઝિશન (CVD) પદ્ધતિથી બનાવેલો કૃત્રિમ અને બનાવટી હતો. અસલી હીરાને બદલે આર્ટિફિશ્યલ હીરો મોકલીને આચરવામાં આવેલી આ મોટી છેતરપિંડી બાદ ફરિયાદીના પાવર ઑફ ઍટર્ની ઍડ્વોકેટ મંગેશ ભોસલેએ આરોપી અને તેની કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK