ઘર છોડીને ગયેલી દીકરીનો મૃતદેહ ઘરની નજીકથી મળ્યો
PA અજિત દશાવતારે અને તેમના પરિવારને ગઈ કાલે સાંત્વન આપવા પહોંચેલા રોહિત પવાર.
મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતી ખાતે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય રોહિત પવારના પર્સનલ અસિસ્ટન્ટ (PA) અજિત દશાવતારેની ૧૨ વર્ષની પુત્રી શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
શનિવારે કોઈ બાબતે મમ્મી સાથે બોલાચાલી થયા બાદ પુત્રી ગુસ્સામાં ઘર છોડીને નીકળી ગઈ હતી. તે મોડે સુધી પાછી ન ફરતાં પરિવારજનોએ બારામતી પોલીસ-સ્ટેશનમાં તે ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. દરમ્યાન રવિવારે સવારે સાઈનગર વિસ્તારમાં આવેલા અજિત દશાવતારેના ઘર નજીકથી જ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ-કાફલો તરત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. એક વરિષ્ઠ પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે અને પોસ્ટમૉર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.
