આ ગેરકાયદે સ્ટ્રક્ચર્સને લીધે ૧૮.૩૦ મીટરની પહોળાઈનો રોડ માત્ર ત્રણ મીટરનો થઈ ગયો હતો આ ગેરકાયદે સ્ટ્રક્ચર્સને લીધે ૧૮.૩૦ મીટરની પહોળાઈનો રોડ માત્ર ત્રણ મીટરનો થઈ ગયો હતો
BMC દ્વારા ગઈ કાલે ભાંડુપમાં ૭૫ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ‘એસ’ વૉર્ડમાં આવેલા ભાંડુપ-વેસ્ટ પરિસરમાં કે. શેટ્ટી માર્ગમાં ૬૨ ઘર અને ૧૩ દુકાન મળીને કુલ ૭૫ ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી કરીને તોડી પાડવામાં આવ્યાં હતાં. આ ગેરકાયદે બાંધકામોને લીધે હિન્દુ રેક્ટિફાયર કંપનીથી કે. શેટ્ટી માર્ગનો ૧૮.૩૦ મીટર પહોળો રસ્તો માત્ર ત્રણ મીટરનો થઈ ગયો હતો. એને લીધે રસ્તો બ્લૉક થવાથી સ્થાનિક રહેવાસીઓએ પચાસ મીટરનું અંતર કાપીને લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર પહોંચવા માટે બે કિલોમીટરનો ફેરો લગાવવો પડતો હતો જે ગઈ કાલના તોડકામ બાદ દૂર થઈ ગયો છે તેમ જ ગામદેવી અને તુળશેતપાડા જવા માટેના સમયમાં પણ ઘટાડો થઈ ગયો દાવો BMCએ કર્યો છે.
BMCના અધિકારીના જણાવ્યા મુજબ ભાંડુપ-વેસ્ટમાં ૭૫ ગેરકાયદે બાંધકામો તોડી પાડવા માટે સવારથી જ બે બુલડોઝર, બે JCB, બે બીજાં વાહનો સાથે ૮૦ કર્મચારીઓ, ૩૦ એન્જિનિયરો અને ૧૫ પોલીસનો કાફલો પહોંચ્યો હતો. ગેરકાયદે જાહેર કરવામાં આવેલાં મકાનો અને દુકાનો પહેલેથી ખાલી કરાવી દેવામાં આવ્યાં હતાં. આથી ગણતરીના કલાકમાં આ તમામ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યાં હતાં.

