ઑક્સિજનના બાટલા સાથે મુલુંડના ૭૫ વર્ષના પુરુષોત્તમ ભાનુશાલી પહોંચ્યા મતદાન કરવા
ગઈ કાલે વોટિંગ-સેન્ટર પર ઑક્સિજનના બાટલા સાથે આવેલા પુરુષોત્તમભાઈ.
નિષ્ઠા અને કર્તવ્યની વાત આવે ત્યારે શારીરિક લાચારી પણ ઓછી સાબિત થાય છે. મુલુંડ-વેસ્ટના તિરુમલા હૅબિટેટમાં રહેતા પુરુષોત્તમ ભાનુશાલીએ ગઈ કાલે આ વાત સાર્થક કરી બતાવી હતી. ૭૫ વર્ષની વયે ગંભીર બીમારી સામે ઝઝૂમતા હોવા છતાં તેઓ ઑક્સિજનના બાટલા સાથે મતદાનમથકે પહોંચ્યા હતા અને પોતાનો મતાધિકાર વાપર્યો હતો. પુરુષોત્તમભાઈ છેલ્લા એક-દોઢ વર્ષથી ફેફસાંની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. ડૉક્ટરોની સલાહ મુજબ તેમને સતત ઑક્સિજન આપવો પડે છે. શ્વાસ લેવામાં પડતી તકલીફને કારણે તેઓ હરી-ફરી શકતા નથી છતાં મતદાનના દિવસે ઘરે રહેવાને બદલે મતદાનમથક સુધી જવાનો તેમણે મક્કમ નિર્ધાર કર્યો હતો.
ગઈ કાલે તેઓ હાથમાં ઑક્સિજનનો બાટલો અને નાક પર નળીઓ લગાવીને મતદાન-કેન્દ્રમાં પ્રવેશ્યા ત્યારે ત્યાં હાજર મતદારો અને ચૂંટણી-સ્ટાફ સ્તબ્ધ થઈ ગયા હતા એમ જણાવીને પુરુષોત્તમ ભાનુશાલીની દીકરી જિનલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પાને શ્વાસ લેવામાં તકલીફ છે, પણ લોકશાહીમાં તેમનો મત પહોંચાડવો એ તેમની ફરજ છે. જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી હું મારો વોટ આપવાનું ચૂકવા માગતો નથી એમ કહીને ઑક્સિજનનું સિલિન્ડર લઈને તેમણે મતદાનની પ્રક્રિયા પૂરી કરી હતી. તેમની આ નિષ્ઠા જોઈને મતદાન-કેન્દ્ર પરનું વાતાવરણ ભાવુક થઈ ગયું હતું. બીમારી અને શારીરિક કષ્ટ વચ્ચે પણ તેમનો ઉત્સાહ જરાય ઓછો થયો નહોતો. તેમણે સાબિત કર્યું કે લોકશાહીમાં એક વોટ મહત્ત્વનો છે.’


