ગાર્બેજ હૉટ સ્પૉટ્સ પર CCTV કૅમેરાથી નજર રાખવાનો આદેશ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈમાં ઠેર-ઠેર કચરાના ઢગલા અને અસ્વચ્છતાના મુદ્દે બૉમ્બે હાઈ કોર્ટે પ્રશાસનની આકરી ઝાટકણી કાઢ્યા બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) હરકતમાં આવ્યું છે. તંત્રે અધિકારીઓને સમગ્ર મુંબઈમાં કચરો જમા થતો હોય એવાં તમામ હૉટ સ્પૉટ્સની ઓળખ કરવા, ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા દ્વારા એમનું મૉનિટરિંગ સઘન બનાવવા તેમ જ કચરાના નિકાલની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા કડક આદેશ આપ્યો છે.
વરલી ખાતે આવેલા BMCના કમાન્ડ સેન્ટરમાં શુક્રવારે યોજાયેલી સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટની રિવ્યુ મીટિંગ દરમ્યાન ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (વેસ્ટર્ન સબર્બ્સ) વિપિન શર્માએ આ નિર્દેશો આપ્યા હતા.
આ બેઠકમાં વિપિન શર્માએ અધિકારીઓને શહેરભરમાં જ્યાં વારંવાર કચરો ફેંકવામાં આવે છે એવા સંભવિત વિસ્તારો એટલે કે ગાર્બેજ વલ્નરેબલ પૉઇન્ટ્સ (GVP)ની ઓળખ કરીને એમનું સચોટ મૅપિંગ કરવાની સૂચના આપી હતી. તેમણે સંબંધિત વિભાગોને આવાં તમામ સ્પૉટ્સ પર CCTV કૅમેરા મારફત સતત નજર રાખવાની તાકીદ કરી હતી. આ ઉપરાંત વધુ સારી સ્વચ્છતા જાળવી રાખવા માટે જાહેર શૌચાલયોની સુવિધાઓમાં તાત્કાલિક સુધારો કરવાની માગણી પણ તેમણે અધિકારીઓ સમક્ષ મૂકી હતી.
કોર્ટે શું કહ્યું હતું?
ADVERTISEMENT
ચાલુ સપ્તાહની શરૂઆતમાં જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ખંડપીઠે શહેરમાં કચરાના ગંજ ખડકાવા અને અપૂરતી સફાઈ-વ્યવસ્થા વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ખંડપીઠે ટકોર કરી હતી કે માત્ર વરલી, નરીમાન પૉઇન્ટ કે દક્ષિણ મુંબઈ સ્વચ્છ હોવાનો અર્થ એવો નથી થતો કે આખું મુંબઈ સ્વચ્છ છે.
