મુલુંડમાં ચૂંટણી વખતે જ ગંભીર છબરડો, લોકોમાં ભારે રોષ
પ્રતીકાત્મક તસવીર
મુલુંડ-વેસ્ટના LBS રોડ પર આવેલી પ્રતિષ્ઠિત અને ગુજરાતી બહુમતી ધરાવતી રુણવાલ ઍન્થુરિયમ સોસાયટીમાં ૬૦થી વધુ લોકોનાં નામ મતદારયાદીમાંથી અચાનક ગાયબ થઈ જતાં હોબાળો મચી ગયો હતો. વર્ષોથી મતાધિકારનો ઉપયોગ કરતા રહીશોએ અંતે ચૂંટણી-વિભાગને લેખિત ફરિયાદ કરીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. ચૂંટણીના દિવસે જ આટલી મોટી સંખ્યામાં ગુજરાતી મતદારોનાં નામ ગાયબ થવાને કારણે સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જાગી હતી. વિવિધ પક્ષોના પ્રતિનિધિઓએ આ ઘટનાને વહીવટી તંત્રની નિષ્ફળતા ગણાવી હતી, જ્યારે બીજી તરફ યાદી અપડેટ કરવાની પ્રક્રિયા દરમ્યાન ટેક્નિકલ ખામી અથવા વેરિફિકેશનના અભાવે આવું બની શકે છે એવો દાવો ચૂંટણી-અધિકારીઓએ કર્યો હતો.
રુણવાલ ઍન્થુરિયમ સોસાયટીના સભ્ય સુભાષ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સવારે અમારી સોસાયટીમાં રહેતા અનેક સિનિયર સિટિઝનો અને યુવાન મતદારો ઉત્સાહભેર મતદાનમથકે પહોંચ્યા ત્યારે તેમને આંચકો લાગ્યો હતો, કારણ કે વોટર્સ-લિસ્ટમાં તેમનાં નામ જ નહોતાં. તેઓ છેલ્લાં અનેક વર્ષોથી આ જ વિસ્તારમાં રહે છે અને અગાઉની તમામ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે. આ વખતે પણ તેમની પાસે માન્ય વોટર ID કાર્ડ હતાં છતાં યાદીમાં નામ ન હોવાને કારણે તેમને મતદાન-કેન્દ્ર પરથી નિરાશ થઈને પાછા ફરવું પડ્યું હતું. મારા જેવા આશરે ૬૦થી વધારે લોકોનાં નામ વોટર્સ-લિસ્ટમાં ન હોવાથી અમે તાત્કાલિક એકઠા થઈને આ મામલે વિરોધ નોંધાવ્યો હતો અને સંયુક્ત રીતે ચૂંટણી-વિભાગને આ બાબતે લેખિત ફરિયાદ સોંપી છે.’


