દશેરા પછીના દિવસે સૌથી મોટી કાર્યવાહી કરીને એક જ દિવસમાં ૧૭૫૬ બોર્ડ્સ ઉતારી લેવાયાં : ૧૪૧ ફરિયાદપત્રો બાદ પાંચ FIR નોંધાયા
તસવીર: સૈયદ સમીર અબેદી
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ૮ ઑક્ટોબરથી ૩ નવેમ્બર વચ્ચે શહેરમાંથી આશરે ૧૦,૯૨૮ જેટલાં ગેરકાયદે બૅનર્સ, બોર્ડ્સ અને પોસ્ટર્સ હટાવી લેવામાં આવ્યાં છે. એ સાથે કેટલાક ગેરકાયદે ઝંડા અને દીવાલો પર લગાવાયેલાં લખાણો-પોસ્ટર્સ પણ સાફ કરવામાં આવ્યાં હતાં. આ ગેરકાયદે હોર્ડિંગ્સમાંથી મોટા ભાગના ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનાં હતાં, જ્યારે એ પછીના ક્રમે રાજકીય અને કમર્શિયલ જાહેરાતોનાં બોર્ડ્સ હતાં.
દશેરાના તહેવાર પછીના બીજા દિવસે એટલે કે ૨૧ ઑક્ટોબરે BMCએ સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી હતી. એ દિવસે શહેરમાંથી ૬૬૫ બૅનર્સ અને ૩૯૭ જેટલાં ધાર્મિક તથા સામાજિક બોર્ડ્સ હટાવવામાં આવ્યાં હતાં. એ સિવાય ૫૦ જેટલા ઝંડા પણ ઉતારી લેવાયા હતા અને એક જ દિવસમાં કુલ ૧૭૫૬ ગેરકાયદે પ્રચાર-સામગ્રી ઉતારી લેવામાં આવી હતી. એ પછી ૨૨ અને ૨૩ ઑક્ટોબરે પણ પાલિકાની આ ઝુંબેશ પુરજોશમાં ચાલી હતી જેમાં ક્રમશઃ ૧૩૨૧ અને ૯૩૦ ગેરકાયદે બોર્ડ્સ દૂર કરવામાં આવ્યાં હતાં. ૩ નવેમ્બર સુધીમાં સંબંધિત પોલીસ-સ્ટેશનોને ૧૪૧ ફરિયાદપત્રો મોકલવામાં આવ્યા છે, જ્યારે પાંચ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યા છે. આ સિવાય BMCએ આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં સમગ્ર શહેરમાંથી કુલ ૫૨,૪૪૮ ગેરકાયદે સ્થાપનો અને બોર્ડ્સ હટાવવાની કામગીરી પૂર્ણ કરી લીધી છે.
ADVERTISEMENT
- અદિતિ અલૂરકર
