અમિતાભ બચ્ચનની સુરક્ષાને લઈને તાજેતરનાં અઠવાડિયાંઓમાં આ બીજી વખત ખતરો ઊભો થયો છે.
અમિતાભ બચ્ચન
બૉમ્બે હાઈ કોર્ટ, બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE), મહાલક્ષ્મી રેસકોર્સ અને બૉલીવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના જુહુ પરના બંગલા જલસાને બૉમ્બબ્લાસ્ટ કરીને ઉડાવી દેવાની ધમકી મળતાં શુક્રવારે પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું. જોકે ઝીણવટભરી તપાસ બાદ આ ધમકી માત્ર અફવા સાબિત થઈ હતી.
આ ધમકીભરી ઈ-મેઇલ મળતાં જ પોલીસ, બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ (BDDS) અને અન્ય સુરક્ષા-એજન્સીઓએ તાબડતોબ આ તમામ સંવેદનશીલ સ્થળોએ પહોંચીને વ્યાપક સર્ચ-ઑપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ કલાકોની તપાસ બાદ આ સ્થળો પરથી કોઈ પણ પ્રકારની વિસ્ફોટક કે શંકાસ્પદ સામગ્રી મળી આવી નહોતી. સાઇબર પોલીસ હાલ એ ઈ-મેઇલ મોકલનારનું ઇન્ટરનેટ પ્રોટોકૉલ (IP) ઍડ્રેસ ટ્રેસ કરી રહી છે જેથી જવાબદાર વ્યક્તિ સુધી પહોંચી શકાય.
અમિતાભ બચ્ચનની સુરક્ષાને લઈને તાજેતરનાં અઠવાડિયાંઓમાં આ બીજી વખત ખતરો ઊભો થયો છે. અગાઉ ૨૩ ઑક્ટોબરે મુંબઈનાં મેયર રિતુ તાવડે અને ડેપ્યુટી મેયર સંજય ઘાડીને મળેલી એક ઈ-મેઇલમાં સ્કૂલ પર ગ્રેનેડ હુમલો કરવાની તેમ જ ૩૧ ઑક્ટોબરથી ૨૭ નવેમ્બર દરમ્યાન અમિતાભ બચ્ચનના નિવાસસ્થાન પર હુમલો કરવાની ધમકી આપવામાં આવી હતી. એ ઈ-મેઇલમાં ૨૭ નવેમ્બરે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે યોજાનારી ગાયક દિલજિત દોસાંઝની કૉન્સર્ટ દરમ્યાન પણ હુમલો કરવાની ચેતવણી અપાઈ હતી.
આ સુરક્ષા-ચિંતાઓને પગલે અમિતાભ બચ્ચન તાજેતરમાં પોતાના બંગલાની બહાર એકઠા થયેલા પ્રશંસકોનું અભિવાદન પારદર્શક બુલેટપ્રૂફ કવચ પાછળ ઊભા રહીને ઝીલતા જોવા મળ્યા હતા.
