Bombay Stock Exchange receives bomb threat email: મંગળવારે સવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જને બૉમ્બની ધમકી આપતો ઈમેલ મોકલવામાં આવ્યો હતો જેનાથી દક્ષિણ મુંબઈમાં ભયનો માહોલ ફેલાયો હતો; મુંબઈ પોલીસે શરુ કરી તપાસ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મંગળવારે ૧૫ જુલાઈના રોજ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (Bombay Stock Exchange - BSE)માં બૉમ્બની ધમકી મળ્યા બાદ મુંબઈ (Mumbai)માં ખળભળાટ મચી ગયો હતો. BSEને ઈમેલ દ્વારા મળેલી બૉમ્બ ધમકી (Bombay Stock Exchange receives bomb threat email)માં કહેવામાં આવ્યું હતું કે, બોમ્બે સ્ટોક એક્સચેન્જની ટાવર ઈમારતમાં RDX અને IEDs પ્લાન્ટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, કોમરેડ પિનરાઈ વિજયન (Comrade Pinarayi Vijayan)ના નામના એક આઈડી પરથી BSEને એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ઈમારતમાં ચાર IEDs અને RDX પ્લાન્ટ કરવામાં આવ્યા છે, જે ત્રણ વાગ્યે વિસ્ફોટ થશે એમ આ ધમકીભર્યા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું.
બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બૉમ્બની માહિતી મળતા જ, મુંબઈ પોલીસ (Mumbai Police) અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (Bomb Disposal Squad) દલાલ સ્ટ્રીટ (Dalal Street), ફોર્ટ (Fort)માં આવેલી બોમ્બે સ્ટોક એક્સચેન્જ બિલ્ડિંગમાં પહોંચી ગયા અને તપાસ કરી. પરંતુ પોલીસને હજી સુધી કંઈ શંકાસ્પદ મળ્યું નથી. હાલમાં, પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, આ ધમકી BSEની સત્તાવાર વેબસાઇટ પર એક ઈમેલ દ્વારા આપવામાં આવી હતી. રવિવારે BSE બંધ હતું, તેથી ફરિયાદીને સોમવારે આ વિશે માહિતી મળી. પછી તેણે સાંજે પોલીસનો સંપર્ક કર્યો. ઈમેલમાં લખ્યું હતું કે, ‘બોમ્બે સ્ટોક એક્સચેન્જના ફિરોઝ ટાવર બિલ્ડિંગમાં ૪માં RDX અને IED બોમ્બ મૂકવામાં આવ્યા છે. આ બપોરે 3 વાગ્યે ફૂટશે.’
મુંબઈ પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘બોમ્બે સ્ટોક એક્સચેન્જને બૉમ્બ ધમકીનો ઈમેલ મળ્યો હતો. પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. બૉમ્બ સ્ક્વોડ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ ધમકીભર્યો ઈમેલ કોમરેડ પિનરાઈ વિજયન નામના ઈમેલ આઈડી પરથી આવ્યો હતો.’ આ અંગે માતા રમાબાઈ આંબેડકર માર્ગ પોલીસ સ્ટેશન (Mata Ramabai Ambedkar Marg Police Station)માં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ BNSની કલમ 351(1)(B), 353(2), 351(3), 351(4) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. મુંબઈ પોલીસ ધમકીને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને ઈમેલના મૂળ અને સત્યતા શોધવા માટે તપાસ શરૂ કરી છે.
તમને જણાવી દઈએ કે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ એશિયા (Asia)નું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ છે. આ એક એવું સ્ટોક એક્સચેન્જ છે, જ્યાં કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ (Mutual Funds), શેર (Shares), બોન્ડ (Bonds) અને ડેરિવેટિવ્ઝ (Derivatives)માં વેપાર કરે છે.
નોંધનીય છે કે, અગાઉ પણ વિવિધ શહેરોમાં આવી ઘણી ખોટી ધમકીઓ મળી છે. સોમવારે, અમૃતસર (Amritsar)ના ગોલ્ડન ટેમ્પલ (Golden Temple) અંગે પણ આવી જ ધમકી મળી હતી. ઈમેલ દ્વારા આપવામાં આવેલી તે ધમકીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સુવર્ણ મંદિરના લંગર હોલને RDXનો ઉપયોગ કરીને ઉડાવી દેવામાં આવશે. તે પહેલા ગઈકાલે રાજધાની દિલ્હી (Delhi)ની ત્રણ સ્કુલોને બૉમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી.

