Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીમાં બર્થડેના જોશમાં હવામાં ફાયરિંગનો વીડિયો વાયરલ, 10 લોકો સામે એફઆઈઆર

બોરીવલીમાં બર્થડેના જોશમાં હવામાં ફાયરિંગનો વીડિયો વાયરલ, 10 લોકો સામે એફઆઈઆર

Published : 07 August, 2026 06:15 PM | IST | Mumbai
Samiullah Khan

મુંબઈના બોરીવલી વેસ્ટમાં રસ્તો રોકી જન્મદિવસની ઉજવણી અને એરગનથી હવામાં ફાયરિંગ કરાયું. વાયરલ વિડિયો બાદ પોલીસે 10 લોકોની અટકાયત કરી.

આરોપીએ જન્મદિવસની ઉજવણી દરમિયાન કથિત રીતે સાઉન્ડ-એમિટિંગ ડિવાઇસ (અવાજ ઉત્પન્ન કરતા ઉપકરણ) સાથે જોડવામાં આવેલી એરગન વડે ફાયરિંગ કર્યું હતું. તસવીરો/ખાસ વ્યવસ્થા દ્વારા

આરોપીએ જન્મદિવસની ઉજવણી દરમિયાન કથિત રીતે સાઉન્ડ-એમિટિંગ ડિવાઇસ (અવાજ ઉત્પન્ન કરતા ઉપકરણ) સાથે જોડવામાં આવેલી એરગન વડે ફાયરિંગ કર્યું હતું. તસવીરો/ખાસ વ્યવસ્થા દ્વારા


દેશની આર્થિક રાજધાની મુંબઈના બોરીવલી વેસ્ટ વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતો એક કિસ્સો સામે આવ્યો છે. જાહેર રસ્તા વચ્ચે ટ્રાફિક અવરોધીને કેક કાપવા અને હવામાં ફાયરિંગ કરીને દહેશત ફેલાવવા બદલ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડિયો ઝડપથી વાયરલ થયા બાદ, બોરીવલી પોલીસે મામલાની ગંભીરતા સમજીને જાતે નોંધ (Suo Motu) લીધી છે અને બર્થડે બોય સહિત કુલ 10 લોકો સામે એફઆઈઆર (FIR) નોંધી તેમની અટકાયત કરી છે.

જાહેર રસ્તા પર હંગામો અને ઈનોવા કાર પર કેક કટિંગ



મળતી માહિતી મુજબ, આ ઘટના 4 ઓગસ્ટના રોજ બોરીવલી વેસ્ટના ગોરાઈ-2 વિસ્તારમાં આવેલા ઘરકુલ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી નજીક બની હતી. મુખ્ય આરોપી આકાશ રામકૃપાલ ગુપ્તાના જન્મદિવસ નિમિત્તે તેના મિત્રોએ જાહેર રસ્તા પર જ ગેરકાયદેસર રીતે મંડળી જમાવી હતી. આ જૂથે રસ્તા વચ્ચે જ પોતાની ઈનોવા એસયુવી (SUV) કાર પાર્ક કરી દીધી હતી. બોનેટ પર કેક મૂકીને ઉજવણી કરતી વખતે આરોપીઓએ મોટેથી બૂમો પાડીને જાહેર શાંતિનો ભંગ કર્યો હતો અને વાહનવ્યવહારને પણ સંપૂર્ણપણે ખોરવી નાખ્યો હતો.


એરગન વડે ફાયરિંગ અને સ્થાનિકોમાં દહેશત


તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ઉજવણીમાં રોમાંચ ઉમેરવાના ચક્કરમાં આરોપી જતીન નવીન શર્મા ખાસ પ્રકારની સાઉન્ડ-એમિટિંગ ડિવાઇસ અને ફ્લેશલાઇટ ધરાવતી એરગન સાથે લાવ્યો હતો. અન્ય આરોપી વિજયેશ વિજયપ્રકાશ ઉપાધ્યાયે આ એરગન હાથમાં લઈને જાહેર રસ્તા પર બેદરકારીપૂર્વક અને જોખમી રીતે હવામાં અવાજ સાથે ફાયરિંગ કર્યું હતું. એરગનમાંથી નીકળેલા તીવ્ર અવાજને કારણે આસપાસની સોસાયટીના રહીશોમાં ગોળીબાર થયો હોવાની દહેશત અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોઈએ આ સમગ્ર ઘટનાનો વિડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

પોલીસ કાર્યવાહી અને વિવિધ કલમો હેઠળ ગુનો

બોરીવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પુષ્પલતા મંડલેના જણાવ્યા અનુસાર, જાહેર સલામતીને જોખમમાં મૂકનારા તમામ 10 આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે. પોલીસે નવી ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત જોગવાઈઓ, મોટર વાહન અધિનિયમ (1988) ની કલમ 201, 122 અને 177, મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 37(1)(e) અને 135 તથા ક્રિમિનલ લો અમેન્ડમેન્ટ એક્ટની કલમ 7 હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.

ઉજવણીમાં સામેલ આરોપીઓની યાદી:


આ કેસમાં પોલીસે 26 વર્ષીય બર્થડે બોય આકાશ રામકૃપાલ ગુપ્તા, જતીન નવીન શર્મા (26), વિજયેશ વિજયપ્રકાશ ઉપાધ્યાય (26), વિક્રમ માંગીલાલ ચૌધરી ઉર્ફે ટોમ (29), ઐશ્વર્યા મધુકર ગોમાને (26), અજિંક્ય જયંત આધવ (24), જય ધર્મેન્દ્ર કાપડિયા (27), રોહન જગદીશ પાટીલ (27), મુકુંદ આસારામ થોરવે (25) અને પ્રશાંત સુભાષ હરિજન (25) ની અટકાયત કરી છે.

આ કેસની તપાસ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સંદીપ ઘુગે અને આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સંતોષ ધનવટેના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ ડિટેક્શન સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર દિગ્વિજય પાટીલ, આનંદ ભગત તથા પીએસઆઈ રાજુ કોર્ડે અને પીએસઆઈ નિર્મલ કુમાર ભોસલેની ટીમ કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2026 06:15 PM IST | Mumbai | Samiullah Khan

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK