નવી મશીનરી ખરીદવા ભેગા કરેલા ૧૦ લાખ રૂપિયા સેરવી લેવાના આરોપસર પોલીસે બન્નેની ધરપકડ કરી
પ્રતીકાત્મક તસવીર
ચેમ્બુરના શેલ કૉલોની રોડ પર રૂટ્સ ક્લિનિક ચલાવતાં ૩૮ વર્ષનાં ચામડીનાં ડૉક્ટર સૌમ્યા હેગડેના ક્લિનિકમાંથી કૅશ ૧૦ લાખ રૂપિયા સેરવી જનાર સરોજ કાંબળે અને રૂપાલી ગાયકવાડની ચેમ્બુર પોલીસે શુક્રવારે ધરપકડ કરી હતી. બન્ને મહિલાએ અનંત ચતુર્દશીના દિવસે ક્લિનિક બંધ હતું એ સમયે ડુપ્લિકેટ ચાવીથી ક્લિનિકમાં પ્રવેશીને અને ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV)નું કનેક્શન બંધ કરીને ચોરી કરી હોવાનું ધ્યાનમાં આવતાં ડૉક્ટરે બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પ્રાથમિક તપાસમાં બન્ને મહિલા કો-ઑપરેટ કરતી ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.
ચેમ્બુરના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર રાજેશ કેવલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ક્લિનિકમાં લાગેલા CCTV કૅમેરાનો ઍક્સેસ ડૉક્ટર મહિલાના મોબાઇલમાં છે એટલે તેઓ સમય મળે ત્યારે ક્લિનિકમાં શું ચાલી રહ્યું છે એની નોંધ લેતાં હોય છે. અનંત ચતુર્દશીના બીજા દિવસે રવિવાર હોવાથી ક્લિનિક બંધ હતું. એ વખતે સાંજે તેમણે ક્લિનિકના CCTV કૅમેરા જોવાની કોશિશ કરી હતી, પણ ત્યારે એ બંધ હોવાનું જોવા મળ્યું હતું. ત્યાર બાદ સોમવારે સવારે ક્લિનિક પર આવીને CCTV કૅમેરા તપાસતાં એનું કનેક્શન બંધ કરવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું હતું એટલું જ નહીં, તેમના ડ્રૉઅરમાં રાખેલા કૅશ ૧૦ લાખ રૂપિયા પણ ચોરાઈ ગયા હોવાની ખાતરી થઈ હતી. અંતે CCTV કૅમેરાનું એક દિવસ પહેલાંનું ફુટેજ તપાસતાં અનંત ચતુર્દશીના દિવસે ક્લિનિક બંધ હોવા છતાં સાંજે સાડાઆઠ વાગ્યે બન્ને અસિસ્ટન્ટ મહિલા ક્લિનિકમાં પ્રવેશતી જોવા મળી હતી જેમાંની એકે ડૉક્ટરના કૅબિનમાં આવીને CCTVનું કનેક્શન બંધ કર્યું હોવાનું જોવા મળ્યું હતું. અંતે બન્નેએ ચોરી કરી હોવાની ખાતરી થતાં ઘટનાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અમે બન્ને મહિલાની ધરપકડ કરી છે. જોકે બન્ને તપાસમાં કો-ઑપરેટ કરતી ન હોવાથી તેઓ પાસેથી અત્યારે કશું રિકવર કરવામાં આવ્યું નથી. એ રૂપિયા ડૉક્ટર મહિલાએ નવી મશીનરી ખરીદવા માટે ભેગા કર્યા હતા.’

