સિડકોએ એક પ્લૉટ માટે વેપારીઓની એક કંપની સાથે વર્ષો પહેલાં કરેલો કરાર રદ કરી દેતાં વેપારીઓમાં ફફડાટ
અમરીશ બારોટ, મોહન ગુરનાણી
નવી મુંબઈના કોપરી ગાંવ પાસે અંદાજે ૩૩ વર્ષ પહેલાં સિટી ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન ઑફ મહારાષ્ટ્ર લિમિટેડ (CIDCO-સિડકો) તરફથી વેપારીઓની બનેલી ન્યુ બૉમ્બે મર્ચન્ટ્સ કૉમન વેરહાઉસ લિમિટેડ કંપનીને વેપારીઓની ઑફિસો અને ગોડાઉનો માટે આપેલો હજારો સ્ક્વેર ફીટનો એક પ્લૉટ અચાનક બે દિવસ પહેલાં કંપની સાથેનો કરાર રદ કરીને સિડકોએ પોતાના કબજામાં લીધો છે. સિડકોએ અચાનક લીધેલા આ નિર્ણયથી સેંકડો વેપારીઓએ જે-તે કંપની સાથે બુક કરેલી તેમની ઑફિસો અને ગોડાઉનો અને એના માટે રોકાણ કરેલા તેમના પૈસા અત્યારે તો ઘોંચમાં પડી ગયા છે. એને પગલે વાશીની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીની મસાલાબજારના અનેક વેપારીઓ અને દલાલોમાં ઊહાપોહ મચી ગયો છે.
આ બાબતની માહિતી આપતાં મૂડીબજારના એક અગ્રણી અને વેપારી નેતા અમરીશ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિડકોએ ૧૯૯૨ની આસપાસ ન્યુ બૉમ્બે મર્ચન્ટ્સ કૉમન વેરહાઉસ લિમિટેડ કંપનીને એક પ્લૉટ અલૉટ કર્યો હતો, જેની ઉપર આ કંપની ૩૮૦થી વધુ ગોડાઉનો અને ૪૮૨ ઑફિસોનું બાંધકામ કરીને APMCના વેપારીઓને વેચવાની હતી. એની સામે આ કંપનીને ૭૫૦૦૦થી ૨,૫૦,૦૦૦ રૂપિયા સુધીની રકમ બુકિંગપેટે આપી હતી. જોકે સિડકો અને આ કંપની વચ્ચે જગ્યાના ભાવની બાબતમાં વર્ષોથી ચાલી રહેલા વિવાદને પગલે સંબંધિત કંપની આજ સુધી કોઈ જ બાંધકામ કરી શકી નહોતી, જેને કારણે વેપારીઓના બુકિંગના કરોડો રૂપિયા આજ સુધી ફસાયેલા રહ્યા છે. આ સંજાગોમાં અચાનક સિડકોએ આ કંપની સાથેનો કરાર રદ કરવાનો નિર્ણય લઈને નવું ટેન્ડર પ્રસિદ્ધ કરવાનો નિર્ણય લેતાં જગ્યા મળશે કે નહીં અને જગ્યા ન મળે તો પૈસા પાછા મળશે કે નહીં એ પ્રાણ-પ્રશ્ન બની ગયો છે. જે વેપારીઓ આ મામલામાં ફસાયા છે તેમણે તેમના દસ્તાવેજો લઈને આગળ કેવી રીતે કાયદાકીય લડત લડવી એની રણનીતિ બનાવવા કાયદાકીય નિષ્ણાતો, વેપારી-નેતાઓ અને રાજકીય નેતાઓ પાસે દોડાદોડી શરૂ કરી છે.’
ADVERTISEMENT
આખા મામલા માટે સિડકોની બેજવાબદાર નીતિ જવાબદાર છે એમ જણાવતાં આ કંપનીના એક ડિરેક્ટર મોહન ગુરનાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સિડકો જ્યારે નવી મુંબઈના વિકાસ માટે અનેક પ્રોજેક્ટો તૈયાર કરી રહી હતી ત્યારે ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રના એક અગ્રણી તરીકે મારા નેતૃત્વ હેઠળ અમે નવી મુંબઈમાં વિવિધ પ્રોજેક્ટોને આકાર આપવા સિડકો સાથે કરાર કર્યા હતા, જેમાંથી આ એક પ્રોજેક્ટ સિવાયના બધા જ પ્રોજેક્ટમાં અમને સફળતા મળી હતી. જોકે આ પ્રોજેક્ટમાં જેનો અમે એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે સિડકો સાથે કરાર કર્યો હતો એના ભાવમાં સિડકો ૨૦૧૨થી હંમેશાં વધારો માગતી રહી હતી. અમારી સાથે ઓરિજિનલ ૧૧ કરોડ રૂપિયામાં પ્લૉટ આપવાનો જે નિર્ણય લીધો હતો એનો ભાવ સિડકોએ ૨૦૧૨માં ૨૬ કરોડ રૂપિયા કરી દીધો હતો. એ સમયે મામલો કોર્ટમાં હતો અને અમે સિડકોમાં આ વિવાદનો અંત લાવવા માટે ૨૬ કરોડ રૂપિયા પણ ભરી દીધા હતા. ત્યાર પછી હાઈ કોર્ટે સિડકોને અમને હિયરિંગ આપવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે સિડકોએ અમને હિયરિંગ છેક કોવિડકાળમાં આપી હતી જેમાં તેઓ અમારી સાથે સહમત પણ થયા હતા, પરંતુ એનું અમલીકરણ કર્યું નહોતું. ત્યાર પછી સરકારે ઍમનેસ્ટી સ્કીમ જાહેર કરતાં અમે એમાં પણ જોડાયા હતા. જોકે પછી તો અમને સિડકો તરફથી ન્યાય મળવાને બદલે ઝટકા મળવાના શરૂ થયા હતા. તેમણે અમારા જૂના સરનામે અમને નોટિસો મોકલવાની શરૂઆત કરી હતી. અમને જ્યારે જાણકારી મળી કે તેઓ નોટિસો મોકલી રહ્યા છે ત્યારે અમે તેમને અમારા નવા સરનામે નોટિસો મોકલવાની વિનંતી કરી હતી, પણ એના બદલે અમને થોડા દિવસ પહેલાં ખબર પડી કે તેમણે અમારી સાથેના કરાર રદ કરી નાખ્યા છે. પ્લૉટ સિડકોની માલિકીનો છે એવું બોર્ડ તેમણે લગાવી દીધું છે અને પ્લૉટ માટે નવું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દીધું છે. આ અમારા માટે મોટો ઝટકો છે. અમે ગઈ કાલથી અમારા હકના પ્લૉટને બચાવવા માટે સંબંધિત વિભાગો અને નેતાઓને મળવા માટેની દોડધામ શરૂ કરી દીધી છે. અમે ગમે એ ભોગે અમારા રોકાણકારોના પૈસા બચાવવા કટિબદ્ધ છીએ.’
જે વેપારીઓ આ મામલામાં ફસાયા છે તેમણે તેમના દસ્તાવેજો લઈને આગળ કેવી રીતે કાયદાકીય લડત લડવી એની રણનીતિ બનાવવા કાયદાકીય નિષ્ણાતો, વેપારી-નેતાઓ અને રાજકીય નેતાઓ પાસે દોડાદોડી શરૂ કરી છે. - અમરીશ બારોટ
આ અમારા માટે મોટો ઝટકો છે. અમે ગઈ કાલથી અમારા હકના પ્લૉટને બચાવવા માટે સંબંધિત વિભાગો અને નેતાઓને મળવા માટેની દોડધામ શરૂ કરી દીધી છે. અમે ગમે એ ભોગે અમારા રોકાણકારોના પૈસા બચાવવા કટિબદ્ધ છીએ. - મોહન ગુરનાણી

