Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઑર્ગન ડોનેશનને પણ નડ્યો કોરોના

ઑર્ગન ડોનેશનને પણ નડ્યો કોરોના

28 November, 2021 03:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોવિડને લીધે ડોનેટ કરાયેલાં સ્કિન-આંખ ન મેળવી શકાયાં : મહારાષ્ટ્રમાં વિવિધ અવયવોની ૬૭૪૮ જરૂરિયાત સામે જૂજ ડોનર હોવાથી નૅશનલ ઑર્ગન ડોનેટ ડેએ લોકોને મુંબઈની સુધરાઈએ કરી અપીલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બ્રેઇન-ડેડ વ્યક્તિના શરીરના અવયવો દાન કરવાથી અનેકને નવું જીવન આપી શકાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઑર્ગન ડોનેશનને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ૨૭ નવેમ્બરે નૅશનલ ઑર્ગન ડોનેટ ડેની ઉજવણી કરવામાં આવે છે. દોઢ વર્ષથી કોવિડને લીધે અનેક લોકોએ અવયવ દાન કરવાની નોંધણી કરાવી હોવા છતાં એ સમયસર સંબંધિત દરદી સુધી પહોંચાડી ન શકાતાં નકામા ગયા હોવાનું જાણવા મળ્યું છે. કિડની, હૃદય કે લિવર જેવા મહત્ત્વના અવયવોને સંબંધિત દરદી સુધી પહોંચાડવામાં થોડી ઘણી સફળતા મળી છે, પરંતુ સ્કિન અને આંખ મોટા ભાગે વેસ્ટ ગયાં હતાં. બ્રેઇન-ડેડ વ્યક્તિના અવયવો વધુ ને વધુ લોકો સુધી પહોંચાડી શકાય એ માટે ગઈ કાલે મુંબઈ સુધરાઈએ ઑર્ગન ડોનેશનની સહયોગી સંસ્થા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ આ દિવસે આને માટેના શપથ લે અને એની ઇમેજ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરે.
રીજનલ-કમ-સ્ટેટ ઑર્ગન ઍન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન (રોટ્ટો-સોટ્ટો) સેન્ટરના અધ્યક્ષ તથા કેઈએમ હૉસ્પિટલના ડીન ડૉ. હેમંત દેશમુખે આ વિશે કહ્યું હતું કે ‘કોવિડને લીધે અવયવદાનની પ્રક્રિયામાં મુશ્કેલી આવી હતી. ત્વચા અને આંખ ડોનેટ કર્યાં હોવા છતાં કોવિડના નિયમોને લીધે એનો ઉપયોગ નહોતો કરી શકાયો. જોકે હવે સ્થિતિ સામાન્ય બની રહી છે એટલે કામ ચાલી રહ્યું છે. જોકે જેટલા અવયવની જરૂરિયાત છે એની સામે જૂજ ઑર્ગન જ મળી રહ્યાં હોવાથી અમે મુંબઈ મહાનગરપાલિકા સાથે મળીને લોકોને ઑર્ગન ડોનેટ કરવા માટે અપીલ કરી છે. અવયવદાનની નોંધણી કર્યા બાદનું ડોનર-કાર્ડ પોતાના નજીકના મિત્રો કે સંબંધીઓને શૅર કરવાની સાથે ડોનર-કાર્ડ ઇન્સ્ટાગ્રામ, ટ્‌વિટર, ફેસબુક કે વૉટ્સઍપ જેવા સોશ્યલ મીડિયામાં અપલોડ કરીને શક્ય હોય એટલા વધુ લોકો સુધી પહોંચાડવાની વિનંતી છે.’


પરેલમાં આવેલી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત કેઈએમ હૉસ્પિટલમાં ભારતના પશ્ચિમ વિભાગ અને મહારાષ્ટ્ર સરકારના ‘રીજનલ-કમ-સ્ટેટ ઑર્ગન ઍન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઑર્ગેનાઇઝેશન સેન્ટરનાં ડિરેક્ટર ડૉ. સુજાતા પટવર્ધને માહિતી આપી હતી કે ૨૦૧૭થી અત્યાર સુધીમાં રાજ્યમાં ૨૦,૦૦૦ લોકોએ અવયવ દાન કરવાની નોંધણી કરાવી છે. ૫૮૦ બ્રેઇન-ડેડ વ્યક્તિના શરીરમાંથી ૭૮૦ લોકોને કિડની, ૪૮૦ લોકોને લિવર, ૧૩૦ લોકોને હૃદય, ૪૩ વ્યક્તિને ફેફસાં, ૬ લોકોને પૅન્ક્રિયાસ, ૩ વ્યક્તિને આંતરડાં અને ૪ લોકોને હાથ ડોનેટ કરાયાં છે. બીજા શબ્દોમાં કહીએ તો ૫૮૦ બ્રેઇન-ડેડ વ્યક્તિ દ્વારા ૧૪૭૫ લોકોને અવયવ મળતાં તેમને જીવનદાન મળ્યાં છે. ૫૮૦માંથી ૨૪૨ ડોનર મુંબઈના છે. અત્યારે રાજ્યભરમાં ૬૭૪૮ દરદી વિવિધ ઑર્ગનની રાહ જોઈ રહ્યા છે. 

કોવિડની કપરી પરિસ્થિતિ હોવા છતાં આ સેન્ટર દ્વારા ૨૦૨૦-’૨૧માં ૮૮ મૃત્યુ પામેલાઓના અવયવ દ્વારા ૨૪૪ લોકોને ઑર્ગન ડોનેટ કરવામાં આવ્યાં હતાં. આથી આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે આ સેન્ટરને નૅશનલ અવૉર્ડ જાહેર કર્યો હતો. 

242
૨૦૧૭થી અત્યાર સુધી અવયવદાન કરનાર કુલ ૫૮૦ બ્રેઇન ડેડ પેશન્ટ્સમાંથી આટલા મુંબઈના છે


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2021 03:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK