Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતી સિનિયર સિટિઝને રેલવે સામે કર્યો ૧૧ વર્ષ સંઘર્ષ

ગુજરાતી સિનિયર સિટિઝને રેલવે સામે કર્યો ૧૧ વર્ષ સંઘર્ષ

02 May, 2022 12:05 PM IST | Mumbai
Prakash Bambhrolia

દહિસરમાં રહેતા ૭૦ વર્ષના વૈષ્ણવ ગૃહસ્થ ૨૦૧૧માં દાદર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતી વખતે પડી ગયા હતા : રેલવેએ વળતરની અરજી ફગાવતાં બૉમ્બે હાઈ કોર્ટમાં રેલવેના નિર્ણયને પડકારીને ત્રણ લાખનું વળતર મેળવ્યું

નીતિન હુંડીવાલા

નીતિન હુંડીવાલા


મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનમાં ધસારાના સમયે દરરોજ અનેક લોકો ચાલુ ટ્રેનમાંથી પડી જતા હોય છે કે અકસ્માતના ભોગ બને છે. મોટા ભાગના લોકો આવી રીતે ઘાયલ થયા બાદ રેલવે પાસેથી વળતર મેળવવા માટેની માથાકૂટ નથી કરતા. જોકે કેટલાક જાગૃત લોકો ન્યાય મેળવવા માટે તંત્ર સામે લડે છે. દહિસરમાં રહેતા ૮૦ વર્ષના ગુજરાતી સિનિયર સિટિઝને દાદર રેલવે સ્ટેશન પર વિરારની લોકલ પકડતી વખતે પ્લૅટફૉર્મ અને ટ્રેનના ડબા વચ્ચે પડીને ઘાયલ થયા બાદ વળતર મેળવવા માટે ૧૧ વર્ષ લડત ચલાવીને વિજય મેળવ્યો છે. બે દિવસ પહેલાં બૉમ્બે હાઈ કોર્ટે વેસ્ટર્ન રેલવેને ત્રણ લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
દહિસરમાં રહેતા નીતિન હુંડીવાલા રિટાયર થયા બાદ વિક્રોલીમાં આવેલી એક કંપનીમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા. ૨૩ નવેમ્બર ૨૦૧૧ના રોજ સાંજે દાદરના પ્લૅટફૉર્મ-નંબર પાંચ પરથી વિરાર માટેની ૫.૨૬ વાગ્યાની ટ્રેન પકડવા તેઓ સ્ટેશને પહોંચ્યા હતા. જોકે એ સમયે ટ્રેન થોડી ચાલુ થઈ ગઈ હતી અને ભીડને લીધે તેઓ ટ્રેનની અંદર ન જઈ શકતાં ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચેની જગ્યામાં પડી ગયા હતા. સદ્ નસીબે તેઓ બાલબાલ બચી ગયા હતા. તેમના માથામાં ૧૦ ટાંકા આવ્યા હતા અને પગમાં ફ્રૅક્ચર આવવાથી તેઓ પંદર દિવસ હૉસ્પિટલમાં રહ્યા હતા અને ત્રણેક મહિના સુધી તેમની બાદમાં સારવાર ચાલી હતી. 

કેવી રીતે બચ્યા?
વૈષ્ણવ ધર્મ પાળતા નીતિન હુંડીવાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાદર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાંથી ભીડને લીધે હું પ્લૅટફૉર્મ અને ટ્રેનની વચ્ચેના ભાગમાં પડી ગયો હતો. પાંચથી છ ડબા પસાર થઈ ગયા બાદ કોઈકે મને નીચે પડેલો જોયા પછી ઊંચકીને પ્લૅટફૉર્મ પર મૂક્યો હતો. સદ્ નસીબે હું બેભાન નહોતો થયો એટલે મારા મોબાઇલમાં આવેલા છેલ્લા કૉલમાં તેમણે ફોન કરીને મારી પત્નીને જાણ કરી હતી. પોલીસ કૉન્સ્ટેબલે મને સ્ટ્રેચરમાં મૂકીને સાયન હૉસ્પિટલમાં પહોંચાડ્યો હતો. દોઢેક મહિનો હું હૉસ્પિટલમાં રહ્યો હતો.’



રેલવેએ વળતરની અરજી ફગાવી
નીતિનભાઈએ કહ્યું હતું કે ‘ઍક્સિડન્ટના ત્રણ મહિના બાદ હું હરતો-ફરતો થયો હતો. એ પછી મેં વેસ્ટર્ન રેલવેમાં ભીડને લીધે હું ચાલુ ટ્રેનમાંથી પડી ગયો હોવાથી આ ઍક્સિડન્ટ માટે રેલવે જવાબદાર ગણાવીને વળતરનો દાવો કર્યો હતો. રેલવે ટ્રિબ્યુનલે ૨૦૧૭માં આ અકસ્માત માટે રેલવે જવાબદાર ન હોવાથી મારી ચાર લાખ રૂપિયાની વળતરની અરજી ફગાવી દીધી હતી. મારા એક સંબંધી કાયદાકીય નૉલેજ ધરાવતા હોવાથી તેમને મેં બાદમાં કન્સલ્ટ કર્યા હતા. તેમની સલાહ લીધા બાદ મેં રેલવે ટ્રિબ્યુનલના ચુકાદાને હાઈ કોર્ટમાં ૨૦૧૭માં પડકાર્યો હતો.’


૧૧ વર્ષે ન્યાય મળ્યો
નીતિનભાઈ ૨૩ નવેમ્બર ૨૦૧૧ના રોજ દાદર રેલવે સ્ટેશનમાં ભીડને લીધે ચાલુ ટ્રેનમાંથી પડી ગયા હતા અને ૨૦૨૨માં એટલે કે ૧૧ વર્ષે ન્યાય મળ્યો હતો. આ વિશે નીતિનભાઈએ કહ્યું હતું કે ‘સિનિયર સિટિઝન હોવાની સાથે આ અકસ્માતને લીધે શારીરિક પરેશાની હતી. આમ છતાં દરરોજ અસંખ્ય લોકો રેલવેની બેદરકારીને લીધે અકસ્માતનો ભોગ બનતા હોય છે. અનેક લોકો જીવ ગુમાવે છે તો કેટલાક કાયમી રીતે અક્ષમ થઈ જતા હોય છે. લોકલ કે બહારગામની ટ્રેનમાં પ્રવાસ કરતા દરેક વ્યક્તિની સુરક્ષાની જવાબદારી રેલવેની છે. ભીડને લીધે કોઈ પડી જાય તો પણ એના માટે તંત્ર જ જવાબદાર હોવા છતાં તે પીડિતોને મદદ નથી કરતી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મેં લડત કરવાનો નિર્ણય લીધો હતો અને ન્યાય મેળવ્યો છે. આ ચુકાદાથી અનેક લોકોને ખ્યાલ આવશે કે યોગ્ય દિશામાં મક્કમતાથી લડત લડવામાં આવે તો વિજય મળે જ છે.’

કોર્ટનો ચુકાદો
નીતિનભાઈએ ચાર લાખ રૂપિયાના વળતરની અરજી કરી હતી જે રેલવે ટ્રિબ્યુનલે ફગાવી દીધા બાદ તેમણે ઍડ્ વોકેટ ચૈત્રાલી દેશમુખના માધ્યમથી બૉમ્બે હાઈ કોર્ટમાં રેલવેના નિર્ણયને પડકાર્યો હતો. ઍડ્વોકેટ ચૈત્રાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવેએ કહ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલા નીતિન હુંડીવાલાના ખિસ્સામાંથી રેલવેની કોઈ ટિકિટ નહોતી મળી એટલે તેઓ રેલવેના અધિકૃત પ્રવાસી નહોતા. આથી તેમને વળતર ન આપી શકાય. જોકે બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ ભારતી ડાંગરેએ ચુકાદો આપ્યો હતો કે કોઈ પ્રવાસી પાસે ટિકિટ ન હોય અને તે રેલવે પરિસરમાં અકસ્માતનો ભોગ બને તો તે વળતર મેળવવા યોગ્ય નથી એ બરાબર નથી. આ મામલામાં રેલવેએ અરજી કરનારા નીતિન હુંડીવાલાને ત્રણ લાખ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે.’


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2022 12:05 PM IST | Mumbai | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK