Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિરારથી નીકળ્યો હતો મસ્જિદ બંદર જવા, ડેડબૉડી મળી છેક વડોદરા પાસે

વિરારથી નીકળ્યો હતો મસ્જિદ બંદર જવા, ડેડબૉડી મળી છેક વડોદરા પાસે

Published : 01 April, 2026 07:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કટલરીના યુવાન વેપારી નીર છાડવાનો મૃતદેહ વિશ્વામિત્રી સ્ટેશન પાસે બે ટુકડામાં મળ્યો : પોલીસને આત્મહત્યા લાગે છે, પરિવાર કહે છે કે હત્યા થઈ છે

નીર છાડવા.

નીર છાડવા.


વિરારથી સોમવારે સવારે ૮.૩૦ વાગ્યે ઘરેથી મસ્જિદ બંદરની દુકાને જવા નીકળેલા ૨૬ વર્ષના કટલરીના વેપારી નીર છાડવાની ડેડ-બૉડી સોમવારે મોડી રાતે વડોદરા પાસેના વિશ્વામિત્રી રેલવે-સ્ટેશન પાસેથી મળતાં છાડવા અને ગાલા પરિવારમાં ખળભળાટ મચી ગયો છે. વડોદરા ગવર્નમેન્ટ રેલવે-પોલીસને આ કેસ આત્મહત્યાનો લાગે છે, પરંતુ નીરના પરિવારજનોને શંકા છે કે તેની હત્યા થઈ હશે.

મૂળ સામ‌ખિયારીનાં ચંદ્રિકા છાડવાનો એકનો એક દીકરો નીર કટલરી બજારમાં શેઠ સાથે કટલરીનો બિઝનેસ કરતો હતો. સોમવારે સવારે નીર તેની પત્ની ધાર્મી અને મમ્મી ચંદ્રિકાબહેનને ઑફિસ જાઉં છું કહીને ઘરેથી નીકળ્યો હતો. સામાન્ય રીતે બપોરે એક વાગ્યા સુધીમાં તે મસ્જિદ બંદરની દુકાને પહોંચી જાય છે, પણ બપોર સુધી દુકાને ન પહોંચતાં શેઠે તેની મમ્મીને ફોન કરીને નીર કેમ દુકાને આવ્યો નથી એવું પૂછવા માટે ફોન કર્યો હતો. એ પછી તેના પરિવારે નીરની શોધખોળ શરૂ કરી હતી. 



આ બાબતે નીરના મામા રસિક ગાલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૦ વર્ષના સંઘર્ષ પછી ધાર્મી સાથે ત્રણ મહિના પહેલાં જ નીરનાં લગ્ન થયાં હતાં. સોમવારે નીર દુકાને ન પહોંચતાં અમે પહેલાં તેના મોબાઇલ પર ફોન કર્યા હતા, પણ તેનો ફોન સ્વિચ્ડ-ઑફ આવ્યો હતો. અમે વિરાર સ્ટેશનના CCTV કૅમેરાનાં ફુટેજમાં તપાસ કરતાં અમને તે સવારે ૮.૩૦ વાગ્યે વિરાર સ્ટેશને દેખાયો હતો, પણ ટ્રેન પકડતો દેખાયો નહોતો. ત્યાર પછી અચાનક તેનો ફોન બપોરે ૧.૧૫ વાગ્યે શરૂ થઈને બંધ થઈ ગયો હતો. એના પરથી અમને લોકેશન બાંદરાનું બહેરામપાડા બતાવ્યું હતું. એ પછી પણ અમે ફોન કરવાનું સતત ચાલુ રાખ્યું હતું. અચાનક તેનો ફોન રાતે ૮ વાગ્યે ચાલુ થયો હતો, પણ પાછો બંધ થઈ ગયો હતો. એ પછી રાતે ૧૨.૧૫ વાગ્યે ફોન પાછો ચાલુ થયો હતો અને વડોદરાની રેલવે-પોલીસે ફોન ઉપાડીને અમને નીરનો રેલવે-ઍક્સિડન્ટ થયો છે એવી માહિતી આપી હતી. એ સમાચાર અમારા માટે શૉકિંગ હતા. અમે વડોદરા પહોંચીને તેની ડેડ-બૉડી જોઈ ત્યારે એ બે ટુકડામાં હતી. પોલીસને એ સુસાઇડ-કેસ લાગ્યો છે અને તેમણે ઍક્સિડન્ટનો કેસ નોંધીને અમને નીરની ડેડ-બૉડી સોંપી હતી.’


રસિક ગાલાએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમને ડેડ-બૉડી જોઈને આત્મહત્યા કે રેલવે-ઍક્સિડન્ટનો કેસ લાગતો નથી. અમને આખા મામલામાં નીર સાથે કોઈકે અણછાજતું કૃત્ય આચર્યું હોવાની શંકા છે. નીર આત્મહત્યા કરે એવું કોઈ કારણ અમને દેખાતું નથી. નીરના પપ્પા મુકેશભાઈ વસઈમાં નોકરી કરે છે. તેમનો આ એકનો એક દીકરો હતો. નીરનાં અમારા સમાજની દીકરી સાથે તેનાં સાસરિયાંના લાંબા સમયના વિરોધ પછી ત્રણ મહિના પહેલાં જ લવ-મૅરેજ થયાં હતાં. અમે પોલીસ સામે પણ શંકા વ્યક્ત કરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 April, 2026 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK