મુંબઈ સર્કલમાં છેલ્લાં પાંચ વર્ષમાં ૯૫,૦૦૦ ઇન્ટરનૅશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ થયાં
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં રહેતા નાગરિકોમાં વિદેશ જવાના ટ્રેન્ડની સાથે ઇન્ટરનૅશનલ ડ્રાઇવિંગ પરમિટ (IDP)ની ડિમાન્ડમાં મોટો ઉછાળો આવ્યો છે. રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસ (RTO)ના ડેટા મુજબ છેલ્લાં પાંચ વર્ષમાં MMRમાં કુલ ૯૫,૯૩૫ ઇન્ટરનૅશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવામાં આવ્યાં છે. અધિકારીઓના મતે શિક્ષણ, નોકરી, ટૂરિઝમ અને વિદેશમાં લાંબા સમય સુધી રહેવા જનારા લોકોની સંખ્યા વધવાને કારણે આ ડિમાન્ડ વધી છે.
આંકડાઓ અનુસાર મુંબઈ સેન્ટ્રલ RTOએ સૌથી વધુ ૨૭,૬૫૭ પરમિટ ઇશ્યુ કરી છે. ત્યાર બાદ અંધેરી RTO ૨૬,૧૦૧ અને બોરીવલી RTO ૨૦,૦૧૭ લાઇસન્સ સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહી છે. આ ઉપરાંત વડાલા RTO દ્વારા ૧૩,૫૯૭ અને થાણે RTO દ્વારા ૮૫૬૩ પરમિટ આપવામાં આવી છે.
ADVERTISEMENT
ઇન્ટરનૅશનલ લાઇસન્સ ઑનલાઇન મેળવવાની પ્રક્રિયા સરળ
ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત શરૂ કરાયેલા સારથિ પોર્ટલને કારણે હવે લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા અત્યંત સરળ બની ગઈ છે. અરજદારો પોતાના દસ્તાવેજો જેવા કે વર્તમાન ડ્રાઇવિંગ લાઇસન્સ અને પાસપોર્ટ ઑનલાઇન અપલોડ કરી શકે છે. ત્યાર બાદ માત્ર એક જ વાર ઓરિજિનલ ડૉક્યુમેન્ટ્સના વેરિફિકેશન માટે RTO જવું પડે છે.’
