Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સવાર સવારમાં બસ-ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું કે પછી બસ પરથી કન્ટ્રોલ ગુમાવ્યો?

સવાર સવારમાં બસ-ડ્રાઇવરને ઝોકું આવી ગયું હતું કે પછી બસ પરથી કન્ટ્રોલ ગુમાવ્યો?

28 October, 2021 10:27 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે સવારે દાદર ટીટી પાસેના સિગ્નલ પર ઊભેલી કચરો-કાટમાળ ભરવાની ટ્રક સાથે પાછળથી જોશભેર અથડાતાં બસનો આગળથી કચ્ચરઘાણ નીકળી ગયો : આ અકસ્માતમાં ડ્રાઇવર-કન્ડક્ટર અને અન્ય પ્રવાસીઓ સહિત ૮થી ૧૦ જણ ઘાયલ થયા

બેસ્ટની બસના ડ્રાઇવરે આગળની ટ્રક સાથે બસ અથડાવી દેતાં બસનો આગળથી કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

બેસ્ટની બસના ડ્રાઇવરે આગળની ટ્રક સાથે બસ અથડાવી દેતાં બસનો આગળથી કચ્ચરઘાણ નીકળી ગયો હતો.


અંધેરીના મરોલથી પાયધુની જઈ રહેલી બેસ્ટની બસ-નંબર ૨૨ની તેજસ્વિની બસ ગઈ કાલે સવારે દાદર ટીટી પાસેના સિગ્નલ પર ઊભેલી કચરો-કાટમાળ ભરવાની ટ્રક સાથે પાછળથી જોશભેર અથડાઈ હતી જેમાં બસનો આગળથી કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં ડ્રાઇવર-કન્ડક્ટર અને અન્ય પ્રવાસીઓ એમ કુલ ૮થી ૧૦ જણ ઘાયલ થયા છે. તેમને સાયન હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. 
માટુંગા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન બોબડેએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અકસ્માતની આ ઘટના સવારે ૭ વાગ્યે બની હતી. બસના ડ્રાઇવરે કન્ટ્રોલ ગુમાવીને રેડ સિગ્નલ પર ઊભેલી ટ્રકને પાછળથી જોશમાં બસ ઠોકી દીધી હતી.’ 
શું તેને ઝોકું આવી ગયું હતું કે અન્ય કોઈ કારણ હતું એ વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ‘શા કારણે તેણે બસ પરથી કન્ટ્રોલ ગુમાવ્યો એ જાણી શકાયું નથી. હાલ તે પણ ગંભીર રીતે ઘવાયેલો હોવાથી સાયન હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમે આ સંદર્ભે કેસ લઈને ગુનો નોંધવાના છીએ. હાલ અમે પૅસેન્જરોનાં સ્ટેટમેન્ટ લઈ રહ્યા છીએ.’  
આ ઘટનાનો જે વિડિયો બહાર આવ્યો છે એમાં દેખાઈ રહ્યું છે કે સિગ્નલ પર કચરાની ટ્રક ઊભી હતી અને એક લાલ રંગની કાર પણ બસની આગળ હતી. જોકે એમ છતાં બસ-ડ્રાઇવરે આગળ વાહનો હોવા છતાં બસની સ્પીડ ઓછી કરી નહોતી અને ટ્રકને ઠોકી દીધી હતી. ડ્રાઇવરની સાઇડનો જ ભાગ મુખ્યત્વે ઠોકાયો હતો. અકસ્માત થતાં જ બસ ઊભી રહી ગઈ હતી અને એમાંથી કેટલાક પૅસેન્જરો બહાર દોડી આવ્યા હતા જેમાં કેટલાક પુરુષો અને મહિલાઓ દેખાઈ રહ્યાં છે. કચરાની ટ્રકનો ડ્રાઇવર પણ બહાર દોડી આવ્યો હતો અને શું થયું એ જોવા માંડ્યો હતો.  સાયન હૉસ્પિટલના ડૉક્ટરે કહ્યું હતું ‘આ અકસ્માતમાં રાજેન્દ્ર સુદામ કાળે (૫૩ વર્ષ), કાશીરામ રાઘો ધુરી (૫૭ વર્ષ) તાહિર હુસેન (૫૨ વર્ષ), રૂપાલી ગાયકવાડ (૩૬ વર્ષ), મોહમ્મદ સુલતાન અન્સારી (૫૦ વર્ષ), મન્સુર અલી (૫૨ વર્ષ), શરવણી મ્હસ્કે (૧૬ વર્ષ) અને વૈદેહી બામને (૧૭ વર્ષ)ને ઘવાયેલી અવસ્થામાં હૉસ્પિટલ લાવવામાં આવ્યાં હતાં. આ આઠ જણને ઍડ્મિટ કરીને સારવાર અપાઈ રહી છે. એમાંથી પાંચ જણની હાલત ક્રિટિકલ છે, જ્યારે ત્રણ જણને નાની-મોટી ઈજાઓ થઈ છે. ડ્રાઇવર અને કન્ડક્ટર ગંભીર રીતે ઘાયલ થયા છે. ડ્રાઇવરને લિવરમાં ગંભીર ઈજા થતાં તેના પર ઑપરેશન હાથ કરાયું હતું, જ્યારે કન્ડક્ટરની પાંસળીમાં ફ્રૅક્ચર આવ્યું છે. અન્ય એક વ્યક્તિને ડોક અને માથામાં ફ્રૅક્ચર થયું છે. બસને જોરથી ધક્કો લાગ્યો હોવાથી મોટા ભાગના પૅસેન્જરોને માથામાં અને છાતીમાં માર લાગ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2021 10:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK