ભક્તોને પારંપરિક અને સભ્ય કપડાં પહેરીને જ મંદિરમાં પ્રવેશવાની સૂચના મંદિરના સંચાલકોએ જાહેર કરી
શ્રી અંબામાઈ મંદિર
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલા મહાલક્ષ્મી તરીકે જાણીતા શ્રી અંબાબાઈ મંદિરમાં અને રત્નાગિરિ જિલ્લાના પન્હાળ તાલુકાના વાડી ખાતેના શ્રી કેદારલિંગ (જોતિબા) મંદિરમાં છેલ્લા કેટલાક સમયમાં દર્શન કરવા ભક્તો ટૂંકાં કે અપારંપરિક કપડાં પહેરીને આવતા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ દેવસ્થાન વ્યવસ્થાપન સમિતિ પશ્ચિમ મહારાષ્ટ્ર કોલ્હાપુરે ડ્રેસ-કોડ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
દેવસ્થાન વ્યવસ્થાપન સમિતિએ ડ્રેસ-કોડ બાબતે સૂચના જાહેર કરી છે જેમાં લખવામાં આવ્યું હતું કે મંદિરોમાં ભગવાનનાં દર્શન કરવા આવતી વખતે પુરુષ ભક્તોએ ફુલ પૅન્ટ, શર્ટ અથવા પારંપરિક પોશાક પહેરવો; જ્યારે મહિલા ભક્તોએ સાડી, ચૂડીદાર, સલવાર-કુરતા જેવાં સભ્ય અને પારંપરિક કપડાં પહેરવાં. ટૂંકાં કે અંગપ્રદર્શન થતું હોય એવાં કપડાં ન પહેરવાં. મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, એ ભારતની સંસ્કૃતિનો ભાગ છે. આથી મંદિરમાં આવનારા ભાવિકોએ સભ્ય કપડાં પહેરીને ભગવાન પ્રત્યે આદર વ્યક્ત કરવો જોઈએ.

