ઔરંગઝેબની કબર હટાવવા માટે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપ્યો અમેરિકાએ અપનાવેલા રસ્તાનો દાખલો: ઓસામા બિન લાદેનને પાકિસ્તાનના એબટાબાદમાં ઠાર કર્યા બાદ તેની ગૌરવગાથા ન ગવાય એ માટે અમેરિકાએ મૃતદેહ સમુદ્રમાં ફેંકી દીધો હતો
એકનાથ શિંદે (ફાઇલ તસવીર)
ઔરંગઝેબની કબરને હટાવવાનો મામલો ગરમ છે ત્યારે ગઈ કાલે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાગપુરમાં હિંસક રમખાણ થવા વિશે વિરોધીઓને જવાબ આપતાં વિધાનસભામાં કહ્યું હતું કે ‘ઔરંગઝેબ કોણ હતો? આપણે મહારાષ્ટ્રમાં તેનું ગૌરવ વધારવાને શા માટે ચલાવી લેવું જોઈએ? ઔરંગઝેબ ભારતના ઇતિહાસનો સૌથી મોટો કલંક હતો. લાખો હિન્દુઓની કતલ કરવાની સાથે અસંખ્ય મંદિરો તોડી પાડનારા ઔરંગઝેબે ઇસ્લામ ધર્મ સ્વીકારવાની ના પાડનારા મરાઠા છત્રપતિ સંભાજી મહારાજની અત્યંત ક્રૂરતાથી હત્યા કરી હતી. ઔરંગઝેબ ભારતનો નહોતો એટલે તેને ભારત સાથે કોઈ લેવાદેવા નહોતી. આવી ક્રૂર વ્યક્તિની કબર જ ન હોવી જોઈએ. અલ કાયદાના સ્થાપક ઓસામા બિન લાદેનની અમેરિકાએ પાકિસ્તાનના એબટાબાદમાં ઘૂસીને હત્યા કરી હતી. તેની ગૌરવગાથા ન ગવાય એ માટે સમુદ્રમાં તેના મૃતદેહને ફેંકી દીધો હતો. અમેરિકાને આતંકવાદીનો મહિમા યોગ્ય નથી લાગતો તો આપણે વિદેશી ઔરંગઝેબ માટે ગર્વ કેવી રીતે અનુભવી શકીએ? કેન્દ્ર સરકારની એજન્સીઓના ડરથી મેં ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવ્યા હોવાનો અનિલ પરબનો આરોપ પાયાવિહોણો છે. અનિલ પરબે ભૂલવું ન જોઈએ કે મેં જે કર્યું એ ખુલ્લેઆમ કર્યું છે. મેં શિવસેનાને બચાવવા માટે કર્યું છે. ઔરંગઝેબ પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા કૉન્ગ્રેસથી શિવસેનાને બચાવી છે. કૉન્ગ્રેસે ઔરંગઝેબની કબરને સંરક્ષણ આપ્યું છે.’
ઉલ્લેખનીય છે કે ઓસામા બિન લાદેનને અમેરિકાએ ખાસ મિશનમાં પાકિસ્તાનના એબટાબાદમાં ૨૦૧૧માં ઠાર કર્યો હતો. ઓસામાને માનનારા તેની કબર ન બનાવે એ માટે તેના મૃતદેહને કોઈ જગ્યાએ દફન કરવાને બદલે સમુદ્રમાં ફેંકી દીધો હતો.
ઔરંગઝેબની કબર પાસે ડ્રોન ઉડાડવાની મનાઈ
છત્રપતિ સંભાજી નગર જિલ્લામાં ખુલતાબાદમાં આવેલી ઔરંગઝેબની કબરનો વિરોધ થઈ રહ્યો છે અને કબર ઉખેડી નાખવાનો પ્રયાસ થઈ શકે છે એને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને ગઈ કાલે કબરની આસપાસ ડ્રોન ઉડાવવાની મનાઈ જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે ઔરંગઝેબની કબરની રક્ષા કરવા માટે ૧૦ પોલીસની ટીમ તહેનાત કરવામાં આવી છે જે ૨૪ કલાક પહેરો ભરી રહી છે.

