ઝટપટ વજન ઉતારવામાં મદદ કરતી આ દવા શું કામ કરે છે અને શું આડઅસર કરે છે એ પણ જાણી લેવું જરૂરી છે. કોણે અને કેટલી માત્રામાં એ લેવી જોઈએ એની ગાઇડલાઇન તેમ જ એનો ખર્ચ શું થઈ શકે એ બધેબધું જાણી લો
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ૧૦ કરોડથી વધુ ડાયાબિટીઝના દરદીઓ છે. એમાંથી અડધોઅડધ લોકો બ્લડ-શુગરનું લેવલ કન્ટ્રોલમાં રાખી શકતા નથી. બીજી તરફ ૨૦૨૩ના આંકડાઓ મુજબ ભારતમાં ૧૦ કરોડથી વધુ લોકો સિવિયર મેદસ્વિતા ધરાવે છે. આ બન્ને સમસ્યાઓ લાંબા ગાળાની હેલ્થની અનેક તકલીફોને આમંત્રે છે. આ સમસ્યાઓ માટે અમેરિકન ફાર્માસ્યુટિકલ કંપની એલી લિલી ઍન્ડ કંપનીના માઉન્જરો ઇન્જેક્શનને ભારતમાં વાપરવાની મંજૂરી મળી ગઈ છે.
ભારતીય ડ્રગ નિયંત્રક ધ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઑર્ગેનાઇઝેશન (CDSCO)એ અમેરિકાસ્થિત ફાર્માસ્યુટિકલ કંપની એલી લિલી ઍન્ડ કંપનીને ઓબેસિટી અને ટાઇપ-ટૂ ડાયાબિટીઝ માટેના માઉન્જરો ઇન્જેક્શનને ભારતમાં મંજૂરી આપી છે. અભ્યાસોમાં આ દવા ટાઇપ ટૂ ડાયાબિટીઝ કન્ટ્રોલમાં લેવા માટે બનાવવામાં આવી છે, પરંતુ એનાથી વજન ઘટાડવામાં મદદ થતી હોવાનું જણાયું છે.
ADVERTISEMENT
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર હેલ્થ ઍન્ડ કૅર એક્સલન્સે બહાર પાડેલા નિર્દેશ મુજબ ડાયાબિટીઝ અને ઓબેસિટીના દરદીઓ ડૉક્ટરની સલાહ લઈને માઉન્જરો ઇન્જેક્શન લઈ શકે છે. એમાં મૂળ ડ્રગ ટિર્ઝેપેટાઇડ છે. એવું જોવા મળ્યું છે કે ટિર્ઝેપેટાઇડના ઇન્જેક્શનની મદદથી ૭૨ વીકમાં શરીરનું ૨૨.૫ ટકા જેટલું વજન ઘટાડવામાં મદદ થઈ શકે છે.
કોણ લઈ શકે?
જેમનો બૉડી માસ ઇન્ડેક્સ એટલે હાઇટના પ્રમાણમાં વજનનો રેશિયો ૩૫ કે એથી વધુ છે અથવા તો જેમને ઓબેસિટીની સાથે હાર્ટ-ડિસીઝ, ટાઇપ-ટૂ ડાયાબિટીઝ, સ્લીપ ઍપ્નીયા જેવી બીજી ગંભીર બીમારીઓ પણ છે તેમને જ આ દવા આપવાનું નિર્દેશમાં જણાવાયું છે. આ દવાનો સિંગલ ડોઝ શરીરમાં બે મહત્ત્વનાં હૉર્મોન્સ ઍક્ટિવેટ કરે છે જે બ્લડ-શુગરનું લેવલ કાબૂમાં લાવવાનું અને ભૂખને નિયંત્રણમાં લેવાનું કામ કરે છે.
આ ઇન્જેક્શન વીકમાં એક વાર લેવાનું હોય છે. વધુમાં વધુ પંદર મિલીગ્રામનો ડોઝ એક વ્યક્તિ લઈ શકે છે.
આડઅસરો શું થઈ શકે?
ઇન્જેક્શન લીધા પછી ઊબકા-ઊલટી, જુલાબ, ભૂખ ઘટી જવી, કબજિયાત, અપચો કે પેટમાં દુખાવો જેવી ઝીણી ફરિયાદો થઈ શકે છે. વધુ ગંભીર આડઅસરો પણ આ દવાથી થઈ શકે છે. જેમ કે થાઇરૉઇડનું C-સેલ ટ્યુમર થવાનું જોખમ વધે, સ્વાદુપિંડ પર સોજો આવી શકે, ઇન્સ્યુલિનની સાથે વાપરવામાં આવે તો બ્લડ-શુગર ઘટી જવાને કારણે થતી તકલીફો આવી શકે, ઍક્યુટ કિડની ઇન્જરી થાય, ઍક્યુટ ગૉલબ્લેડર ડિસીઝ તેમ જ ડાયાબિટીઝને કારણે થતી રેટિનોપથીની તકલીફ વકરી શકે છે.
કિંમત કેટલી?
૨.૫ મિલીગ્રામનું ઇન્જેક્શન ૩૫૦૦ રૂપિયા
૫ મિલીગ્રામનું ઇન્જેક્શન ૪૩૭૫ રૂપિયા

