નાયબ મુખ્ય પ્રધાને મુંબઈમાં રસ્તાના કામની ચકાસણી કર્યા બાદ કહ્યું... : રસ્તાના કામની ક્વૉલિટીમાં ગરબડ કરવામાં આવશે તો સંબંધિતો સામે કઠોર કાર્યવાહી કરવાની ચેતવણી પણ ઉચ્ચારી
BMCના કમિશનર ભૂષણ ગગરાણી સાથે ગઈ કાલે બૉમ્બે હૉસ્પિટલ પાસેના અન્ડર-કન્સ્ટ્રક્શન કૉન્ક્રીટ રોડનું નિરીક્ષણ કરતા એકનાથ શિંદે. તસવીર : શાદાબ ખાન
મુંબઈને ખાડામુક્ત કરવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા ૪૦૦ કિલોમીટરના સિમેન્ટના રસ્તા બનાવવામાં આવી રહ્યા છે એની ચકાસણી નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેના-પ્રમુખ એકનાથ શિંદેએ ગઈ કાલે કરી હતી. એકનાથ શિંદેએ મુંબઈ ટાઉન અને ઈસ્ટર્ન સબર્બ્સમાં કેટલાંક સ્થળે મુલાકાત કરીને કામ જોયા બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘રસ્તાનું કૉન્ક્રીટીકરણનું કામ ૩૧ મે સુધીમાં પૂરું કરવાનો લક્ષ્યાંક BMCએ રાખ્યો છે એ મુજબ કામ પૂરાં થવાં જોઈએ. રસ્તાના કામમાં બાંધછોડ કરવામાં આવી હોવાનું જણાશે તો સંબંધિતો સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. ચોમાસા પહેલાં ચોકથી ચોક (જંક્શન ટુ જંક્શન) કામ પૂરાં થઈ જવાં જોઈએ. વાહનો ચાલી શકે એવા રસ્તા તૈયાર થવા જોઈએ. મૅનહોલ અને ગટરના પાણીનું વહન કરનારી પાઇપલાઇનના સફાઈકામને પ્રાથમિકતા આપવાનું સંબંધિત અધિકારીઓને કહ્યું છે.’

