જામનગરનો પ્રથમેશ મણિયાર પકડાયો; ૫૦,૦૦૦થી બે લાખ રૂપિયા લઈને સ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટીનાં બનાવટી સર્ટિફિકેટ બનાવી આપતો હતો
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઇમિગ્રેશન ચેકિંગ વખતે બનાવટી એજ્યુકેશન સર્ટિફિકેટ મળી આવતાં જામનગરના ૩૯ વર્ષના પ્રથમેશ મણિયારને ઝડપી લેવાયો હતો. તે બૅન્ગકૉકથી મુંબઈ આવ્યો હતો. સહાર પોલીસે જ્યારે આ કેસની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે બનાવટી સર્ટિફિકેટ બનાવવા માટે શિરીષ મણિયાર ૫૦,૦૦૦થી લઈને બે લાખ રૂપિયા ચાર્જ કરતો હતો.
આ કેસની વિગતો આપતાં ઇમિગ્રેશન કાઉન્ટર ઑફિસર રોહિતાશ કુમારે કહ્યું હતું કે ‘નાઇટ શિફ્ટમાં પ્રથમેશ મણિયાર તેના ઇમિગ્રેશન ક્લિયરન્સ માટે આવ્યો હતો. તેણે તેનો ભારતીય પાસપોર્ટ આપ્યો હતો. જોકે તેને જ્યારે તેના પ્રોફેશન વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોઈ સંતોષકારક જવાબ નહોતો આપી શક્યો. એથી તેને વધુ ઇન્કવાયરી માટે વિંગ ઑફિસર પાસે મોકલવામાં આવ્યો હતો.’
ADVERTISEMENT
સહાર પોલીસ-સ્ટેશનના ઑફિસરે આ બાબતે વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘તે છેલ્લાં ૧૦ વર્ષથી એજન્ટ તરીકે કામ કરે છે અને જેમને અમેરિકા અને UKમાં જૉબ કરવી હોય તેમને સ્કૂલ, કૉલેજ અને યુનિવર્સિટીનાં બનાવટી સર્ટિફિકેટ બનાવી આપે છે અને એ માટે તે ૫૦,૦૦૦થી લઈને બે લાખ રૂપિયા ચાર્જ કરે છે. તેનો મોબાઇલ ચેક કરતાં એમાંથી અલગ-અલગ યુનિવર્સિટીના દસ્તાવેજો અને બનાવટી એજ્યુકેશન સર્ટિફિકેટો મળી આવ્યાં હતાં. પ્રથમેશ મણિયારે કબૂલ કર્યું હતું કે બીજા એજન્ટની મદદથી તે આ બનાવટી સર્ટિફિકેટ તૈયાર કરાવતો હતો. તપાસમાં એવું પણ જણાઈ આવ્યું હતું કે આ રૅકેટના ફાઇનૅન્શિયલ ટ્રાન્ઝૅક્શન માટે તે ઘણીબધી બૅન્કોમાં અકાઉન્ટ્સ ધરાવતો હતો. તેણે બીજા એજન્ટ્સનાં નામ પણ આપ્યાં છે. હાલ તેની ધરપકડ કરવામાં આવી છે અને તેના અન્ય સાગરીતોની શોધ ચાલુ છે.’


