ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સ્કૂટરના અકસ્માતમાં જીવ ગુમાવનારા મુલુંડના વેપારીના પરિવારની પોલીસ સમક્ષ માગણી, ઘટનાસ્થળનું નિરીક્ષણ કરીને તારવ્યું કે અૅક્સિડન્ટ માટે રસ્તાનું કામ કરનાર એજન્સીનો વાંક છે
નયન જૈનનો જ્યાં અકસ્માત થયો હતો એ પૅચ (ડાબે) અને નયન જૈનની પત્ની અંકિતા સાથે બીજા સંબંધી પોલીસને ફરિયાદ-પત્ર આપી રહ્યા છે.
મુલુંડ-ઈસ્ટમાં રહેતા ૪૨ વર્ષના નયન જૈન (ખોના)નું ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (EEH) પર અકસ્માત થવાથી ૧૭ નવેમ્બરે મૃત્યુ થયું હતું. અકસ્માત કઈ રીતે થયો અને એ માટે કોણ જવાબદાર છે એની પોલીસ પાસેથી માહિતી ન મળતાં પરિવારે પોતે તપાસ શરૂ કરી હતી. એ સમયે EEH પર રસ્તાની વચ્ચોવચ એક પૅચને કારણે નયન જૈનનો અકસ્માત થયો હોવાની ખાતરી થતાં નયનભાઈની પત્ની અંકિતા અને તેમના પરિવારના સભ્યોએ નવઘર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરને ફરિયાદ-પત્ર આપીને નયનભાઈના મૃત્યુ માટે જવાબદાર અધિકારીઓ સામે ફસ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની માગણી કરી છે. નયનભાઈના પરિવારે દાવો કર્યો છે કે EEH પર રાતના સમયે અંધારામાં પૅચ પર ધ્યાન ન જતાં અકસ્માત થયો હતો.
શું હતી ઘટના?
નયનભાઈના મામા મુકેશ મૈશેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૫ નવેમ્બરે રાત્રે નયન તેના બનેવીને દાદર ટ્રેનમાં બેસાડીને ૧૧ વાગ્યાની આસપાસ સ્કૂટર પર ઘરે પાછો આવી રહ્યો હતો ત્યારે EEH પર તાતા કૉલોની નજીક તેનો અકસ્માત થયો હતો. ત્યાં ભેગા થયેલા લોકો તેને સાવરકર હૉસ્પિટલમાં ઇલાજ માટે લઈ ગયા હતા. પછી તેને ઇલાજ માટે ભાંડુપની નવકાર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૧૭ નવેમ્બરે સવારે ઇલાજ દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું. આ મામલે નવઘર પોલીસે પ્રાથમિક તપાસ કરીને દાવો કર્યો હતો કે નયને સ્કૂટર પરથી સંતુલન ગુમાવતાં તેનો અકસ્માત થયો હતો.’
ADVERTISEMENT
સરકારી અધિકારીઓ જવાબદાર
મુકેશ મૈશેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નયન છેલ્લાં ૨૦ વર્ષથી સ્કૂટર ચલાવતો હતો. તેનો એક વાર પણ અકસ્માત થયો નથી એટલું જ નહીં, તેનું ડ્રાઇવિંગ પણ એકદમ સેફ હતું એટલે અકસ્માત કઈ રીતે થયો એ જાણવા પોલીસ પાસે અનેક વાર અમે માહિતી માગી હતી. જોકે અધિકારીએ ચોક્કસ ધ્યાન આપ્યું નહોતું એટલે અમે ડ્રોન કૅમેરા સાથે જ્યાં નયનનો અકસ્માત થયો હતો એ વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારે નયનનો અકસ્માત જ્યાં થયો હતો ત્યાં રસ્તાની વચ્ચોવચ મોટો પૅચ જોવા મળ્યો હતો. એ પૅચને કારણે અમારી સામે એકથી બે બાઇકચાલકોનો અકસ્માત થયો હતો એટલું જ નહીં, ત્યાં હાજર એક ટ્રાફિક-કૉન્સ્ટેબલે પણ અમને કહ્યું હતું કે આ પૅચ પર રોજ એકથી બે અકસ્માત થાય છે. તેથી અમને ખાતરી થઈ હતી કે એ પૅચને કારણે જ નયને સ્કૂટર પરથી સંતુલન ગુમાવ્યું હશે અને તેનો અકસ્માત થયો હશે. એટલે રસ્તાનું કામ કરનાર જે પણ એજન્સી હોય તેના અધિકારીઓ નયનના મૃત્યુ માટે જવાબદાર છે.’
FIR નોંધવાની માગણી
મુકેશ મૈશેરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નયનની બારમાની વિધિ પછી અમે બધાં સગાંસંબંધીઓએ નવઘર પોલીસ-સ્ટેશનની મુલાકાત લઈને સિનિયર ઇન્સ્પેક્ટરને એક ફરિયાદ-પત્ર આપ્યો છે જેમાં નયનના મૃત્યુ માટે જવાબદાર સરકારી અધિકારીઓ સામે ફરિયાદ નોંધવાની માગણી કરી છે. એટલું જ નહીં, પોલીસને અમે પુરાવા પણ આપ્યા છે તેમ જ આ કેસમાં ચોક્કસ ધ્યાન આપવા માટે પણ માગણી કરી છે.’


