ખેડૂતો સાથે વિરોધ-પ્રદર્શનમાં જોડાયેલા રોહિત પવારની માગણી: લાસલગાવમાં કાંદાનો પાક લેનારા ખેડૂતોએ ટ્રૅક્ટર-રૅલી પણ કાઢી
નાશિકના લાસલગાવમાં ખેડૂતોએ ટ્રૅક્ટર-રૅલી કાઢીને વિરોધ-પ્રદર્શન કર્યું એમાં રોહિત પવારે પણ ભાગ લીધો હતો.
કાંદાના ઓછા ભાવને કારણે અસંતોષ અનુભવતા ખેડૂતોએ નાશિકના લાસલગાવમાં વિરોધ-પ્રદર્શન કરીને ટ્રૅક્ટર રૅલી કાઢી હતી, જેમાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય રોહિત પવાર પણ જોડાયા હતા. રોહિત પવારે ખેડૂતો પાસેથી સરકાર પચીસ રૂપિયે પ્રતિ કિલોના ભાવે કાંદા ખરીદે અને ઓછા ભાવે પાક વેચનારા ખેડૂતોને વળતર ચૂકવે એવી માગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે કેન્દ્રીય કૃષિપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતો પાસેથી સરકાર ૧૨.૩૫ રૂપિયે પ્રતિ કિલોના ભાવે કાંદા ખરીદશે એવી જાહેરાત કરી હતી. જોકે રોહિત પવારનું કહેવું છે કે કાંદાનો પાક લેવા પાછળ ખેડૂતોને પ્રતિ કિલો ૧૭થી ૨૦ રૂપિયાનો ખર્ચ આવે છે ત્યારે તેમને પ્રતિ કિલો કાંદાના ૧૨.૩૫ રૂપિયા ચૂકવવા એ અન્યાય છે.
આ ઉપરાંત જે ખેડૂતો પહેલાં જ ઓછી કિંમતે પોતાનો પાક વેચી ચૂક્યા છે તેમને સરકાર ૧૫થી ૨૦ રૂપિયા પ્રતિ કિલો સબસિડી ચૂકવે એવી માગણી પણ રોહિત પવારે કરી હતી. લાસલગાવ ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC) ખાતે યોજાયેલા આ વિરોધ-પ્રદર્શનમાં ખેડૂતોએ ભાખરી અને કાંદા ખાઈને વિરોધ દર્શાવ્યો હતો.
