ભાંડુપ-વેસ્ટસ્થિત સ્ટેશન નજીક આવેલા ડ્રીમ્સ મૉલના ગ્રાઉન્ડ ફ્લોર પર મંગળવારે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી
ભાંડુપના ડ્રીમ્સ મૉલમાં લાગેલી આગ.
ભાંડુપના ડ્રીમ્સ મૉલમાં ભીષણ આગ: સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નહીં
ભાંડુપ-વેસ્ટસ્થિત સ્ટેશન નજીક આવેલા ડ્રીમ્સ મૉલના ગ્રાઉન્ડ ફ્લોર પર મંગળવારે સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. દિવાળીના તહેવાર દરમ્યાન ફટાકડા અથવા શૉર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. માર્ચ ૨૦૨૧માં થયેલા અગ્નિકાંડ બાદ આ મૉલ બંધ હોવાથી આ દુર્ઘટનામાં સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે ૨૦૨૧ની એ કરુણ ઘટનામાં મૉલના ત્રીજા માળે આવેલી હૉસ્પિટલના કોવિડ દરદીઓ સહિત ૧૧ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ નવી ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં ફરી એક વાર ગભરાટ અને ચિંતાનો માહોલ સર્જાયો હતો.
ADVERTISEMENT
બોરીવલીના અન્ડરકન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં આગ
બોરીવલીના અન્ડરકન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મંગળવારે મોડી રાતે ડિવાઇન ઇટર્નિટી બિલ્ડિંગમાં લાગેલી આગનું કારણ ફટાકડા હોવાનું માનવામાં આવે છે. એક સ્કાય-રૉકેટ બિલ્ડિંગમાં ઘૂસી ગયું હતું અને બાંધકામ ચાલુ હોવાથી બાંધેલા બામ્બુને કારણે આખા બિલ્ડિંગમાં તરત જ આગ ફેલાઈ ગઈ હતી. જોકે આ બિલ્ડિંગ હજી બાંધકામ હેઠળ હોવાથી સદ્ભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી.
જાહેર રસ્તા પર ફટાકડા ફોડીને હાઈ કોર્ટના આદેશનો ભંગ કરનારા ૪૦ લોકો સામે મુંબઈ પોલીસે નોંધ્યા ૨૯ FIR
મુંબઈમાં જાહેર રસ્તાઓ પર વિસ્ફોટક ફટાકડા ફોડવા અને રૉકેટ્સ છોડવા પર બૉમ્બે હાઈ કોર્ટે મૂકેલા પ્રતિબંધનો ભંગ કરવા બદલ પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પાંચથી ૧૦ નવેમ્બર દરમ્યાન શહેરનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં ૪૦થી વધુ લોકો સામે ૨૯થી વધારે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ્સ (FIR) નોંધાયા છે. પોલીસે આ કેસોમાં સંડોવાયેલા લોકોને નોટિસ પાઠવીને આગળની તજવીજ હાથ ધરી હતી. ગામદેવી અને માહિમ પોલીસે ૬-૬, કુરાર પોલીસે ૪ તેમ જ પવઈ અને વિક્રોલી પોલીસે ૩-૩ FIR નોંધ્યા હતા. આ તમામ લોકોને નોટિસ આપીને જવા દેવાયા હતા. આ ઉપરાંત મુંબઈ પોલીસ કમિશનરેટની પરવાનગી વિના ફટાકડાના સ્ટૉલ્સ અને દુકાનો ચલાવવા બદલ બેથી ૧૦ નવેમ્બર દરમ્યાન ૬૦થી વધુ FIR દાખલ કરવામાં આવ્યા હતા.
