શનિવારે એના ટ્રૅક પરથી પહેલી ટ્રેન દોડાવવામાં આવી હતી.
કર્જતથી ન્યુ પનવેલ
કર્જતથી ન્યુ પનવેલનો ૨૮.૨૭ કિલોમીટરનો સબર્બન કૉરિડોર તૈયાર થઈ રહ્યો છે. શનિવારે એના ટ્રૅક પરથી પહેલી ટ્રેન દોડાવવામાં આવી હતી. આમ એક મહત્ત્વનો તબક્કો પાર કરવામાં આવ્યો હતો. હાલ કામ ચાલી રહ્યું હોવાથી ડીઝલ એન્જિનની મદદથી એક ગુડ્સ ટ્રેનમાં આ જ કામને લગતી મોટી-મોટી પૅનલ ટ્રાન્સપોર્ટ કરીને અનલોડ કરવામાં આવી હતી. પહેલી વાર એ સબર્બન ટ્રૅક પર ટ્રેન દોડાવવામાં આવી હતી.
મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP-III) હેઠળ આકાર લઈ રહેલા મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશનના ૨૭૮૨ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટ હેઠળ ૩ ટનલ બનવાની છે. કુલ ૪૭ બ્રિજ પણ બનવાના છે. આ રૂટ પર મુખ્ય પાંચ સ્ટેશન પનવેલ, ચિખલે, મોહાપે, ચૌક અને કર્જતમાં સ્ટેશન અને સર્વિસ બિલ્ડિંગનું કામ ઝડપભેર ચાલી રહ્યું છે.
ADVERTISEMENT
એક વાર આ કૉરિડોર ચાલુ થઈ જશે એટલે કર્જત અને પનેવલ વચ્ચેની કનેક્ટિવિટી વધી જશે અને લોકો આસાનીથી અવરજવર કરી શકશે. હાલ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR)માં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સનાં અનેક મેજર કામ થઈ રહ્યાં છે. MMRના વિકાસમાં આ કૉરિડોરથી પણ અનેકને ફાયદો થશે એમ મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશનના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર સુભાષ ચંદ ગુપ્તાએ જણાવ્યું હતું.

