BMCમાં મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો દાવો કરીને આરોપીએ ૩ લાખ રૂપિયા પડાવી લીધા, બોગસ લાઇસન્સ આપીને ફરાર થઈ ગયો
સિદ્ધિવિનાયક મંદિર
દાદરના સિદ્ધિવિનાયક મંદિરની બહાર ફૂલહાર વેચતા બાવન વર્ષના ગોવિંદ યાદવ પાસેથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું હૉકર્સ લાઇસન્સ આપવાના નામે ૩ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે દાદર પોલીસે આસિફ શેખ નામના આરોપી સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. BMCના મોટા અધિકારીઓ સાથે ઓળખાણ હોવાનો દાવો કરીને આસિફે પૈસા લીધા હતા એટલું જ નહીં, તેણે બોગસ લાઇસન્સ બનાવીને ગોવિંદને આપ્યું હતું. જોકે ગોવિંદને શંકા જતાં તેણે લાઇસન્સની તપાસ કરાવી હતી જેમાં લાઇસન્સ બોગસ હોવાનું જણાયું હતું.
ગોવિંદ યાદવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૫ વર્ષથી સિદ્ધિવિનાયક મંદિરની બહાર હું ફૂલહાર વેચી મારું ગુજરાન ચલાવું છું. મારી પાસે BMCનું હૉકર્સ લાઇસન્સ ન હોવાથી અનેક વાર BMCના અધિકારીઓ મારો માલ જપ્ત કરી જતા હોવાથી મારે ઘણું નુકસાન ભોગવવું પડે છે. એમાંથી બચવા મેં લાઇસન્સ બનાવવાનું નક્કી કર્યું હતું. ૨૦૨૪ની શરૂઆતમાં સિદ્ધિવિનાયક મંદિરમાં નોકરી કરતા સુનીલ પાટીલે મને આસિફ શેખ સાથે મુલાકાત કરાવી હતી. હું કંટાળી ગયો હતો એટલે આસિફના કહેવા પ્રમાણે લાઇસન્સ લેવા માટે મેં ૩ લાખ રૂપિયા તેના બૅન્ક-અકાઉન્ટમાં ટાન્સફર કર્યા હતા. છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં મેં પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
દાદરના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આસિફ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં સુનીલનું કોઈ ઇન્વૉલ્વમેન્ટ છે કે નહીં એની તપાસ કરવામાં આવી રહી છે.’


