નરેન્દ્ર પવારે બધાં જ પદો પરથી રાજીનામું આપ્યું, આકાશ પાટીલ નામના બરતરફ પોલીસ વિરુદ્ધ FIR નોંધવાનો આદેશ સીધો DGPએ આપ્યો
રાજીનામું આપનારા BJPના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર પવાર.
કલ્યાણની એક મહિલાએ તેના પતિ સાથે ચાલતા વિવાદ અને ઘરેલુ કંકાસનો નિવેડો લાવવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કલ્યાણના ભૂતપૂર્વ વિધાનસભ્ય નરેન્દ્ર પવારની મદદ માગ્યા બાદ નરેન્દ્ર પવાર તથા બરતરફ કરાયેલા શૈલેષ પાટીલ નામના પોલીસ દ્વારા મહિલા પર બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પછી પોલીસે ગુનો નોંધ્યો છે. મહારાષ્ટ્રના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) સદાનંદ દાતેએ આપેલા આદેશ બાદ આ મામલે પોલીસે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યો છે.
મળેલી માહિતી મુજબ ૧૩ સપ્ટેમ્બરે નરેન્દ્ર પવારે ફરિયાદી મહિલાને તેના વિવાદનો ઉકેલ લાવવાના બહાને કલ્યાણમાં આવેલી તેની ઑફિસમાં બોલાવી હતી. જોકે ત્યાંથી મહિલાને ભિવંડી તાલુકાના બાપગાવમાં આવેલા એક ફાર્મહાઉસમાં લઈ જવામાં આવી હતી.
ADVERTISEMENT
બંદૂકની અણીએ દારૂ પીવડાવ્યો
મહિલાએ ફરિયાદમાં કરેલા આરોપો મુજબ તેને બંદૂકની અણીએ સૌપ્રથમ દારૂ પીવાની ફરજ પાડવામાં આવી હતી. ત્યાર બાદ નરેન્દ્ર પવારે તેના પર બળાત્કાર કર્યો હતો અને નરેન્દ્ર પવાર ત્યાંથી રવાના થયા બાદ શૈલેષ પાટીલે તેની આબરૂ લૂંટી હતી. વહેલી સવારે ૪ વાગ્યે ફાર્મહાઉસના કૅરટેકરે મહિલાને તેના ઘરે પહોંચાડી હતી.
કૉન્ગ્રેસનાં નગરસેવિકા આવ્યાં વહારે
પોતાની સાથે જે વીત્યું એની વાત સોશ્યલ મીડિયા દ્વારા કૉન્ગ્રેસનાં કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)નાં કૉન્ગ્રેસનાં નગરસેવિકા કંચન કુલકર્ણીને મહિલાએ કરી હતી. ત્યાર બાદ કંચન કુલકર્ણીએ પડઘા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ૪૮ કલાકમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવે એવી માગણી પણ કંચન કુલકર્ણીએ કરી હતી. કંચન કુલકર્ણીએ શૈલેષ પાટીલ વિરુદ્ધ આ પહેલાં પણ ક્રિમિનલ કેસ નોંધાયેલા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો.
નરેન્દ્ર પવારે આપ્યું રાજીનામું
પોતાની વિરુદ્ધ FIR નોંધાયો હોવાનું જાણ્યા બાદ નરેન્દ્ર પવારે મહારાષ્ટ્ર BJP યુનિટના અધ્યક્ષ રવીન્દ્ર ચવાણને પોતાનું રાજીનામું મોકલ્યું છે. પોતાના પદ તથા પક્ષમાં બધાં જ પદેથી રાજીનામું આપીને એને સ્વીકારવાની વિનંતી નરેન્દ્ર પવારે કરી છે. આ વિવાદના કારણે BJPની છબિ ન ખરડાય એ માટે રાજીનામું મોકલાવ્યું હોવાનું જણાવતાં નરેન્દ્ર પવારે કહ્યું હતું કે મારી વિરુદ્ધ મુકાયેલા આરોપો ખોટા છે અને મને બદનામ કરવા માટે આ કાવતરું રચવામાં આવ્યું છે.
