પૅરિસ નજીક નદી પાસેથી સાધનાનો મૃતદેહ મળ્યાને ચાર મહિના થયા પછી આજે એ ભારત લવાશે ઃ હજી સુધી એનો પતિ શૈલેશ પોલીસના હાથમાં જ નથી આવી રહ્યો

સાધના પટેલનો મૃતદેહ પૅરિસના ચાર્લ્સ દ ગૉલ ઍરપોર્ટ પરથી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં ગઈ કાલે સાંજે ૮.૨૫ વાગ્યે રવાના થયો હતો.
પૅરિસની નજીક આવેલી સીન નદીમાંથી કોહવાયેલી હાલતમાં મળી આવેલો શહેરની બ્યુટિશ્યન સાધના પટેલનો મૃતદેહ આજે ભારત પહોંચશે. તેના મૃતદેહ સાથે જ તેનો ગણતરીનો સામાન પણ પહોંચાડવામાં આવશે. ‘મિડ-ડે’એ એના શ્રેણીબદ્ધ અહેવાલોમાં સાધના પટેલના મૃત્યુના રહસ્ય પર પ્રકાશ પાડવાની તેમ જ તેનો મૃતદેહ મેળવવામાં અમદાવાદમાં રહેલા તેના પરિવારને પડેલી મુશ્કેલીઓ જણાવવાની કોશિશ કરી હતી. આજે સાધનાનો મૃતદેહ તેના ઘરે પહોંચશે.
સાધના પટેલનો નશ્વર દેહ આજે સવારે ૮.૦૫ વાગ્યે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊતરશે. ત્યાર બાદ તેને સાંજ સુધી અમદાવાદ ઍરપોર્ટ પર લાવીને તેના પરિવારને સોંપવામાં આવશે.
ફ્રાન્સમાં ભારતીય એમ્બેસીને તેના મૃતદેહને ભારત લાવવાની ઔપચારિકતા પૂરી કરવા માટે તેના પરિવારને મદદ કરવા ‘મિડ-ડે’ના અહેવાલથી મળેલી મદદ બદલ તેનાં સગાંસંબંધીઓએ ‘મિડ-ડે’નો આભાર માન્યો છે. મલાડ-ઈસ્ટમાં રહેતી સાધના પટેલની બહેન મનીષા શાહે જણાવ્યું હતું કે ‘શરૂઆતમાં અમને સાધનાનો મૃતદેહ ભારત લાવવા માટે ભારે રકમ ચૂકવવાનું જણાવાયું હતું, પરંતુ ‘મિડ-ડે’માં અહેવાલ છપાયા બાદ એમ્બેસીના અધિકારીઓએ અમને ઘણી મદદ કરી હતી.’
સાધનાના ભાઈ ગૌરવ લબડેએ કહ્યું કે ‘અધિકારીઓએ ‘મિડ-ડે’નો અહેવાલ વાંચીને અમને મદદ કરી હતી તથા ફૉર્મ ભરવામાં માર્ગદર્શન પણ આપ્યું હતું. એ બદલ અમે ‘મિડ-ડે’ના તેમ જ અમને આ કટોકટીમાં મદદ કરનાર ગુજરાતના વિધાનસભ્ય પ્રદીપસિંહ જાડેજાના આભારી છીએ.’
હવે પરિવારના સભ્યો સાધના પટેલના મૃત્યુ પાછળનું રહસ્ય ઉજાગર થાય એની રાહ જોઈ રહ્યા છે. ફ્રાન્સની પોલીસે ઇન્ટરપોલની મદદથી શૈલેશની ધરપકડ કરવી જોઈએ જેથી અમે જાણી શકીએ કે હકીકતમાં શું બન્યું હતું. પરિવારને મદદ કરનાર ઍડ્વોકેટ એસ. કાણકિયાએ કહ્યું હતું કે ‘મિડ-ડે’ના અહેવાલે જ ભારતીય એમ્બેસીને પૅરિસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા પ્રેરિત કર્યા હતા.
આ પણ વાંચો : સાધના પટેલની સાથે પૅરિસમાં શું થયું હતું?
સાધના પટેલ ૨૦૧૮માં પતિ સાથે રશિયા અને જર્મની થઈને પૅરિસ ગઈ હતી, પરંતુ થોડા જ સમયમાં તેમણે બન્નેએ પૅરિસમાં જુદાં રહેવાનું શરૂ કર્યું હતું. ફ્રાન્સમાં રહેવા માટે તેમની પાસે અધિકૃત દસ્તાવેજ ન હોવાથી હરકિરત સિંહ નામની એક વ્યક્તિ કથિત રીતે પટેલને ફ્રાન્સમાં રહેવાસ કાયદેસર બનાવવા દસ્તાવેજો તૈયાર કરાવવામાં મદદ કરી રહી હતી.
સાધનાના પરિવારના સભ્યોએ કહ્યું કે તેણે છેલ્લે ચોથી માર્ચે મમ્મી સાથે વાત કરી હતી. ત્યાર બાદથી તે કોઈના સંપર્કમાં નહોતી. ચોથી એપ્રિલે તેનો મૃતદેહ સીન નદીમાંથી કોહવાયેલી હાલતમાં મળ્યો હતો. મૃતદેહ એટલી ખરાબ રીતે કોહવાઈ ગયો હતો કે એ સ્ત્રીનો છે કે પુરુષનો એ સમજવું મુશ્કેલ બની ગયું હતું. પછીથી ફૉરેન્સિક નિષ્ણાતોની મદદથી ફ્રાન્સ પોલીસે તેની ઓળખ પાકી કરી હતી. જોકે ત્યાં સુધી શૈલેશ ટ્રકમાં બેસીને પૅરિસ છોડીને લંડન જવા રવાના થઈ ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પૅરિસમાં તપાસકર્તાઓએ રહસ્યમય મૃત્યુ સંબંધે સિંહની ધરપકડ કરી હતી, જેમાં શૈલેશને મુખ્ય શંકાસ્પદ જાહેર કરવામાં આવ્યો હતો.
લબડે-પરિવારના એક સભ્યએ જણાવ્યું હતું કે ‘સાધનાનો સંપર્ક ન થતાં અમે તરત શૈલેશનો સંપર્ક કર્યો હતો, પરંતુ તે હંમેશાં એમ જ કહેતો રહ્યો કે સાધના અમારી સાથે વાત કરવા નથી માગતી. અમને ચોક્કસ ખાતરી છે કે સાધના સાથે શું બન્યું એના વિશે તેને ખબર છે અને એટલે જ તે તરત દેશ છોડીને પલાયન થઈ ગયો હતો.’
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ‘પરિવારે શૈલેશના ભાઈ અને લંડનમાં રહેતાં માતા-પિતાને પટેલના પાર્થિવ દેહના આગમન વિશે જાણ કરી છે. અમે તેમને કહ્યું છે કે તેઓ ઇચ્છે તો ધાર્મિકવિધિમાં અમારી સાથે જોડાય, પરંતુ શૈલેશના ભાઈએ મને એક સંદેશ મોકલ્યો હતો જેમાં ‘ઓમ શાંતિ’ લખ્યું હતું અને ત્યાર બાદ અમારી સાથે વાતચીત બંધ કરી દીધી છે.