ભારતમાં જમાઈ જ્યારે ઘરે આવે ત્યારે છોકરીનાં માબાપ ખૂબ આવભગત કરે. જોકે ઝારખંડના સિરસિયા નામના ગામમાં પિન્ટુ મંડલ નામના યુવકની પત્ની ઊર્મિલા વારંવાર પિયર જતી રહેતી હતી.
વારંવાર પત્ની પિયર જતી, કંટાળીને પતિ બુલડોઝર લઈને સાસરે ગયો ને ઘર તોડી નાખ્યું
ભારતમાં જમાઈ જ્યારે ઘરે આવે ત્યારે છોકરીનાં માબાપ ખૂબ આવભગત કરે. જોકે ઝારખંડના સિરસિયા નામના ગામમાં પિન્ટુ મંડલ નામના યુવકની પત્ની ઊર્મિલા વારંવાર પિયર જતી રહેતી હતી. પિન્ટુ અવારનવાર દારૂ પીને આવતો અને પછી પત્નીની મારપીટ કરતો અને તેની સાથે અભદ્ર વ્યવહાર કરતો હતો. પતિના ત્રાસથી કંટાળેલી ઊર્મિલા ઘર છોડીને પિયર જતી રહેતી. થોડા દિવસ પછી પિન્ટુ માફી માગીને ફરી તેને લઈ આવતો. જોકે થોડા દિવસ ઠીક રહ્યા પછી ફરી એનું એ જ. આખરે ઊર્મિલા બે બાળકોને લઈને પિયર રહેવા જતી રહી. વારંવાર પત્નીને મનાવીને પાછી લાવવાથી કંટાળેલા પિન્ટુએ આ વખતે કંઈક જુદું જ કરવાનું વિચાર્યું. તે બુલડોઝર લઈને પોતાના સાસરે પહોંચી ગયો. તેણે કોઈ વાતચીત કર્યા વિના જ બુલડોઝરથી સાસરિયાના ઘરની બહાર બનેલી બાઉન્ડરી-વૉલ તોડવાનું શરૂ કરી દીધું. તોડફોડ શરૂ થતાં ગામલોકો ભેગા થઈ ગયા. પહેલાં તો લોકોને લાગ્યું કે સરકારી માણસો આ કામ કરી રહ્યા હશે, પણ પછી ખબર પડી કે આ તો ઊર્મિલાનો પતિ છે. ગામનો જમાઈ ઓળખાઈ જતાં લોકોએ પોલીસને જાણ કરી. જોકે પિન્ટુને એની ખબર પડતાં પોલીસ પહોંચે એ પહેલાં જ તે બુલડોઝર લઈને ફરાર થઈ ગયો.


