મુંબઈમાં નવરાત્રિનાં પ્રતિષ્ઠિત આયોજનોમાં ગરબા ઍકૅડેમીઓનાં ગ્રુપ ખૂબબધી જગ્યા રોકી લઈને બીજા ખેલૈયાઓને અન્યાય કરતાં હોવાની ચર્ચા સોશ્યલ મીડિયા પર ઊપડી છે ત્યારે મિડ-ડેએ બન્ને પક્ષો સાથે વાત કરી
પ્રતીકાત્મક તસવીર (એઆઈ)
છેલ્લા થોડા દિવસથી સોશ્યલ મીડિયા પર મુંબઈમાં મોટા પાયે રમાતી નવરાત્રિઓમાં ગરબા ક્લાસિસનાં ગ્રુપ્સ દ્વારા ઑક્યુપાય કરી લેવામાં આવતી જગ્યા બાબતે ખૂબ ઉગ્ર ચર્ચા ચાલી રહી છે. આમ તો આ મુદ્દા પર ઘણા સમયથી અંદરોઅંદર ચર્ચા ચાલતી હતી, પરંતુ ક્યારેય આ ચર્ચા ઓપન મંચ પર કરવામાં આવી નથી. જોકે હમણાં અમદાવાદની એક યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા વિડિયોએ આ ચર્ચાને વેગ આપ્યો હતો. મોટા ગ્રુપને લીધે અન્ય ખેલૈયાઓને રમવામાં પડતી તકલીફ અને ગ્રુપમાં બહારના લોકોને એમાં સામેલ ન કરવાની બાબતને લઈને તેણે પોતાની આપવીતી વ્યક્ત કરતો એક વિડિયો અપલોડ કર્યો હતો. જોતજોતાંમાં આ વિડિયો વાઇરલ થઈ ગયો, સેંકડો લોકોની કમેન્ટ્સ પણ મળી જેમાં લોકોએ પણ પોતાની સમાન આપવીતી વ્યક્ત કરી હતી. એના જવાબમાં સામે પક્ષેથી પણ અનેક કમેન્ટ્સ આવી રહી છે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મોટાં ગ્રુપ્સમાં ખેલૈયાઓની સંખ્યા ઘણી વધુ હોવાથી સ્વાભાવિક રીતે રાઉન્ડ મોટું થઈ જતું હોય છે તેમ જ ક્લાસિસનાં ગરબાનાં સ્ટેપ્સ એવાં હોય છે જેના માટે ખેલૈયાઓને એની પ્રૉપર પ્રૅક્ટિસ હોવી જરૂરી છે, પ્રૅક્ટિસ વિના અન્ય લોકો ગ્રુપની અંદર બે મિનિટથી વધારે રમી શકે એમ હોતું નથી એટલે તેઓ બહારના કોઈને રમવા માટે ગ્રુપમાં સામેલ કરતા નથી. બસ, આવી જ વાતોને લઈને સોશ્યલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી શાબ્દિક ચર્ચા ચાલી રહી છે જેને વધુ ઊંડાણપૂર્વક સમજવા માટે ‘મિડ-ડે’એ બન્ને પક્ષ સાથે વાત કરીને તેમનાં આ બાબતે મંતવ્યો લીધાં હતાં.
ગરબા ઇવેન્ટ નહીં, ઉત્સવ બનવા જોઈએ - જિગર સોની, સોનીઝ સ્કૂલ ઑફ ગરબા ડાન્સ
ADVERTISEMENT
હું અને મારો ભાઈ સુહૃદ સોની છેલ્લાં ૨૮ વર્ષથી ગરબાના ડાન્સ-ક્લાસ ચલાવીએ છીએ એમ જણાવીને સોનીઝ સ્કૂલ ઑફ ગરબા ડાન્સના જિગર સોની કહે છે, ‘અમને ઘણાં વર્ષ પહેલાં જ વર્તમાન સ્થિતિ કેવી બનશે એનો અંદાજ આવી ગયો હતો. જે રીતે ઍકૅડેમીની વચ્ચે કૉમ્પિટિશનનું કલ્ચર વધી રહ્યું હતું અને જે તરફ ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી હતી એ જોતાં અમને વિચાર આવ્યો હતો કે ભવિષ્યમાં આ બાબત ઇશ્યુ ઊભો કરશે જે હવે જોવા મળી રહ્યું છે. એટલે જ મેં મારા સ્ટુડન્ટ્સ માટે બે વર્ષથી નવરાત્રિમાં પ્રાઇવેટ ઇવેન્ટ રાખીને તેમને ગરબા રમાડવાનું શરૂ કર્યું હતું. ખરું પૂછો તો આ વિચાર ખરેખર ખૂબ જ યોગ્ય હતો. મારા સ્ટુડન્ટ્સ તો એમાં એન્જૉય કરે છે. મારે નવરાત્રિ એક ઇવેન્ટની જેમ નહીં પણ ઉત્સવની જેમ મનાવવી છે. મારે કોઈ દેખાડો કરવો નથી કે કૉમ્પિટિશનમાં ઊતરવું નથી. મેં મારા સ્ટુડન્ટ્સને પણ એવી જ ટ્રેઇનિંગ આપી છે કે આપણે આપણા માટે, આપણી ખુશી માટે રમવાનું છે; કોઈને બતાવવા માટે રમવું નથી. અમે એકદમ પરંપરાગત રીતે ગરબા રમાડીએ છીએ. વચ્ચે માતાજીનો મંડપ અને ફરતે એક જ સર્કલમાં અમારા વિદ્યાર્થીઓ ગરબા રમે. કોઈએ અંદર ગ્રુપ બનાવવાનું નહીં. મારે અન્ય કોઈની ટીકા કરવી નથી, પરંતુ હું એક જ વિનંતી કરવા માગું છું કે આપણી સંસ્કૃતિને જીવંત રાખવાની જવાબદારી આપણી જ છે એટલે મહેરબાની કરીને નવરાત્રિને એક ઇવેન્ટ ન બનાવતાં ઉત્સવની જેમ ઊજવો અને બધા સંપીને અને મર્યાદા રાખીને રમો.’
દુપટ્ટા ગૅન્ગ, બાઉન્સર એવુંબધું નવરાત્રિમાં ન શોભે - મંથન ગટ્ટાણી, ખેલૈયા
મોટા ગ્રુપને લઈને સોશ્યલ મીડિયા પર મુદ્દો ઊંચકનારી યુવતીની રીલને જાણીતા ઇફ્લુઅન્સર મંથન ગટ્ટાણીએ રીશૅર કરીને એમાં પોતાના અનુભવો જણાવ્યા હતા. એ રીલ પણ ઘણી વાઇરલ થઈ રહી છે. આ વિશે મંથન ગટ્ટાણી સાથે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘સૌથી પહેલાં તો જેમ ટ્રેનમાં બેસવા માટે લોકો રૂમાલ મૂકીને જગ્યા રોકતા હોય છે એમ મુંબઈની મોટી નવરાત્રિઓમાં
મોટા-મોટા ગરબા ક્લાસિસના ખેલૈયા પોતાની જગ્યા પકડવા માટે ગેટ ખૂલતાંની સાથે દોડાદોડી મચાવી મૂકે છે અને તેમની રોજની ફિક્સ જગ્યા ઘેરી લે છે અને ત્યાં બીજાને આવવા પણ નથી દેતા. પહેલાં તેમના ગ્રુપમાં પંદરથી ૨૦ જણ હોય છે. પછી ધીરે-ધીરે તેમના માણસો વધતા જાય છે અને સંખ્યા ૧૦૦ સુધી પણ પહોંચી જાય છે જેને લીધે તેમનું સર્કલ એટલું મોટું બની જાય છે કે આસપાસ રમતાં નાનાં-નાનાં ગ્રુપો તો સાવ નામશેષ જેવાં થઈ જાય છે. મુંબઈની દરેક મોટી નવરાત્રિમાં આવાં ત્રણ-ચાર ગ્રુપ તો હોય જ છે. આવામાં અમારા જેવા નાના ગ્રુપ સાથે આવ્યા હોય તેઓ જાય તો ક્યાં જાય? અમુક નવરાત્રિના સ્થળે તો દુપટ્ટા ગૅન્ગ પણ હોય છે જેઓ પોતાના ગ્રુપના સર્કલની ફરતે દુપટ્ટા લઈને ઊભા રહી જતા હોય છે જે વધારે પ્રૉબ્લેમ ક્રીએટ કરે છે. બીજું, મને એ પણ સમજ નથી પડતી કે લોકો હજારો રૂપિયાની ટિકિટ લઈને આર્ટિસ્ટને જોવા સ્ટેજની પાસે જઈને કેમ ઊભા રહે છે? એને લીધે ગ્રાઉન્ડની દસથી ૨૦ ટકા જેટલી જગ્યા વેસ્ટ થઈ જતી હોય છે. એવામાં રમવા માટે જગ્યા જ કેટલી બચી? મોટી નવરાત્રિ માટે લોકો ૧૦૦૦ રૂપિયા કરતાં પણ વધુ કિંમતની ટિકિટ ખરીદે છે. જો આટલા રૂપિયા ખર્ચીને ખૂણામાં અને દબાઈને રમવું પડે તો એનો અર્થ શું?’
ગરબા રમવા જ્યારે તમારે ઍકૅડેમીમાં ઍડ્મિશન લેવું પડશે એ દિવસો હવે દૂર નથી- ડૉ. નિકેશ ચાંદ્રા, ખેલૈયા
ખરેખર તો નવરાત્રિમાં ગરબા ઍકૅડેમીનું જે ગ્રુપ-કલ્ચર ચાલે છે એ બંધ કરવું જોઈએ એમ જણાવતાં ઘાટકોપરમાં રહેતા ડૉ. નિકેશ ચાંદ્રા કહે છે, ‘ગરબા ઍકૅડેમીનું ઘણા સમયથી ગ્રુપ બનાવીને રમવાનું કલ્ચર સતત વધી રહ્યું છે. એને લીધે વીસથી ૩૦ ટકા જગ્યા આવી ઍકૅડેમીઓ જ ઘેરી લે છે. આવતાં બે-ત્રણ વર્ષમાં એવું થશે કે પચાસ ટકા કરતાં પણ વધુ જગ્યા આવી ઍકૅડેમીના સ્ટુડન્ટ્સ લઈ લેશે. તો પછી બાકીના લોકો રમશે ક્યાં? જો આ બાબતે ઇવેન્ટ-ઑર્ગેનાઇઝર ધ્યાન નહીં આપે તો એક દિવસ એવો આવશે કે મોટી નવરાત્રિમાં માત્ર ઍકૅડેમીના લોકો જ રમશે અને તમારે ગરબા રમવા હોય તો આવી કોઈ ઍકૅડેમીમાં જૉઇન થવું પડશે. આ વાત હું સ્પેસિફિક એક-બે જગ્યાએ થતી નવરાત્રિ ઇવેન્ટ માટે નથી કરતો. આખા મુંબઈમાં જ્યાં પણ મોટા પાયે નવરાત્રિ થાય છે ત્યાં અત્યારે આવા જ હાલ છે. મારે આ વિશે ઘણા સમયથી કંઈક કહેવું હતું. મેં હાલમાં એક યુવતીની આ સંદર્ભે રીલ જોઈ ત્યારે મારાથી રહેવાયું નહીં અને મેં પણ મારા વિચારો રજૂ કરતી રીલ સોશ્યલ મીડિયા પર મૂકી. મને ખબર નહોતી કે મારી જેમ ઘણા લોકોને રમવાની જગ્યા બાબતે સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હશે. એને લીધે મારી રીલ પણ વાઇરલ થઈ ગઈ છે. હું મુંબઈમાં રહું છું અને મુંબઈની મોટી-મોટી નવરાત્રિ અગાઉ ઘણી રમી ચૂક્યો છું, પણ જ્યારથી અહીં નવરાત્રિનું રીતસરનું કમર્શિયલાઇઝેશન જેવું શરૂ થઈ ગયું છે ત્યારથી મને અહીં રમવાનું ગમતું નથી એટલે હું ગુજરાતમાં નવરાત્રિ રમવા જાઉં છું. ત્યાં મને શાંતિથી રમવા મળે છે. નથી ત્યાં કોઈ ગ્રુપ-સિસ્ટમ જેવું કે નથી ત્યાં કોઈ ઇનામો મેળવવા માટે ભાગાદોડી. માત્ર એક જ સર્કલમાં બધા લોકો રમે છે. દરેક જણ એન્જૉય કરીને રમે છે. હું પણ ગુજરાતી કમ્યુનિટીનો છું. મારે કોઈની ટીકા કરવી નથી અને મને કોઈ ગરબા ક્લાસિસ કે એના સ્ટુડન્ટ્સ સામે વિરોધ પણ નથી. હું તો ઇચ્છું છું કે આપણા સમાજનો સામૂહિક વિકાસ થાય. એટલે નવરાત્રિની મોટી ઇવેન્ટમાં ઘણા સુધારા લાવવાની અપીલ કરું છું. ખાસ કરીને ઑર્ગેનાઇઝરે આ બાબતમાં હસ્તક્ષેપ કરીને સુધારા લાવવા જોઈએ. નહીંતર આગામી બે-ચાર વર્ષમાં મોટી-મોટી નવરાત્રિમાં માત્ર આવાં ગ્રુપ્સ જ રમતાં દેખાશે અને નાનાં ગ્રુપો આવી નવરાત્રિથી દૂર થઈ જશે. જો આ પ્રકારે રમવું જ હોય તો મોટા ક્લાસિસે પોતાની પ્રાઇવેટ ઇવેન્ટ રાખવી જોઈએ જેથી તેમના સ્ટુડન્ટ્સ અને મેમ્બર એમાં છૂટથી ગરબા રમી શકે અને પોતાની ટૅલન્ટ પણ બતાવી શકે. જેમને રમવું નથી અને માત્ર ઊભા રહીને જ જોવું છે તેઓ પણ આવી ઇવેન્ટમાં જઈને ઍકૅડેમીના સ્ટુડન્ટ્સનો પર્ફોર્મન્સ જોઈ શકશે.’
અમારું ગ્રુપ હંમેશાં બધા માટે ઓપન જ હોય છે - અલ્પેશ રાવલ, નવરંગ ગરબા ઍકૅડેમી
અમે અમારા ગ્રુપમાં બહારના લોકોને આવવા માટે ક્યારેય ના પાડી નથી એમ જણાવતાં નવરંગ ગરબા ઍકૅડેમીના અલ્પેશ રાવલ કહે છે, ‘ગરબા આપણી સંસ્કૃતિનો ભાગ છે. છેલ્લા દોઢ દાયકામાં કપડાંથી લઈને રમવાની ઢબમાં ઘણા ફેરફાર થયા છે. ગરબા રમવાનો ક્રેઝ પણ વધ્યો છે. દર વર્ષે ગરબા શીખનારાઓની સંખ્યા પણ વધી રહી છે એટલે સ્વાભાવિક છે કે ગ્રુપ પણ મોટું થતું રહેશે. જોકે અમારા ગ્રુપનો હંમેશાંથી એવો જ નિયમ રહ્યો છે કે બહારની કોઈ પણ વ્યક્તિ ગ્રુપમાં જૉઇન થઈને રમવા માટે ઇચ્છા દર્શાવે તો અમે તેને ના નથી પાડતા. અમારું ગ્રુપ રમવા માટે હંમેશાં ખુલ્લું રહે છે. લગભગ ૧૦૦ જણ અમારા ગ્રુપમાં હોય છે એટલે સર્કલ તો મોટું થઈ જ જાય છે, પણ એને લીધે અમે કોઈના માટે પ્રૉબ્લેમ ક્રીએટ કર્યો નથી. લેટેસ્ટ ઉદાહરણ આપું તો એક સરદાર કપલે અમારી સાથે રમવા માટે રિક્વેસ્ટ કરી તો અમે તેમને ના પાડી નહોતી. અમે લોકોને એટલું જ કહીએ છીએ કે તમે અમારાં સ્ટેપ સાથે મૅચ થાય એવાં જ સ્ટેપ કરજો અને કોઈ જજ આવે ત્યારે તમે બીજું ગ્રુપ બનાવીને રમજો જેથી અમારા સ્ટુડન્ટ્સ જેઓ ૬ મહિનાથી મહેનત કરી રહ્યા છે તેમની મહેનત દેખાય. એનું કારણ એ કે બહારના જે લોકો ગ્રુપમાં જૉઇન થાય છે તેમને એવી પ્રૅક્ટિસ હોતી નથી એટલે તેમનાં સ્ટેપ્સ અમારાં સ્ટેપ્સ સાથે મૅચ થઈ શકતાં નથી અને એને લીધે અન્ય લોકોનાં સ્ટેપ્સને પણ અસર થાય છે. ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે લોકો દુપટ્ટા લઈને ઊભા રહે છે, પરંતુ અમારા ગ્રુપે આજ સુધી દુપટ્ટા લઈને ઊભા રહેવું પડ્યું નથી કે નથી કોઈને ગ્રુપમાં અંદર આવવા માટે રોક્યા. હું નવરંગનો ફાઉન્ડર પછી છું, સૌથી પહેલાં માતાજીનો ભક્ત છું. ગરબા આપણે માતાજી માટે જ કરવા આવ્યા છીએ એટલે કોઈને ના પાડનારા આપણે કોણ? હું પોતે અમુક બાબતમાં વિરોધ કરું છું જેઓ પોતાના ગ્રુપની બહાર બાઉન્સર જેવા લોકો રાખે છે અને બહારના લોકોને રમવા દેતા નથી.’
