કેસમાં પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટની કલમ ઉમેરવામાં આવી, કેસની તપાસ ઍન્ટિ કરપ્શન બ્યુરોને સોંપવામાં આવશે
૨૦૨૪ના ઘાટકોપરમાં હોર્ડિંગ પડી ગયું હતું
૨૦૨૪ના ઘાટકોપરમાં હોર્ડિંગ પડી જવાના કેસમાં પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટની કલમો ઉમેરવામાં આવી છે જેથી આ કેસમાં હોર્ડિંગ માટે પરવાનગી આપવાની સાથે સંકળાયેલી નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી શકાય એમ મુંબઈ પોલીસના એક અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.
ઘાટકોપરના છેડાનગર નજીકના પેટ્રોલ પમ્પ પાસે ગેરકાયદે મૂકેલું મસમોટું હોર્ડિંગ ધરાશાયી થતાં ગયા વર્ષે ૧૩ મેએ ૧૭ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. પોલીસની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ થોડા મહિના પહેલાં સરકારને પત્ર લખીને આ કેસમાં ભ્રષ્ટાચાર હોવાનું જણાવ્યું હતું અને એની તપાસ ઍન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા થાય એવી માગણી કરવામાં આવી હતી.
રાજ્ય સરકારે જવાબમાં પોલીસને પ્રિવેન્શન ઑફ કરપ્શન ઍક્ટની સંબંધિત કલમો ઉમેરવા કહ્યું હતું જેથી આ કેસમાં સાક્ષીઓ અને અમુક શંકાસ્પદ આરોપીઓ એક જ હોવાથી ડુપ્લિકેશન ટાળી શકાય.
ADVERTISEMENT
અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું હતું કે હોર્ડિંગ લગાવનાર જાહેરાત-કંપની ઈગો મીડિયા પ્રાઇવેટ લિમિટેડે અર્શદ ખાન સાથે સંકળાયેલી વિવિધ વ્યક્તિઓનાં બૅન્ક-ખાતાંઓમાં ૮૨ લાખ રૂપિયાની ચુકવણી કરી હતી. પોલીસે ગયા વર્ષે આ કેસમાં ૩૨૦૦ પાનાંની ચાર્જશીટ દાખલ કરી હતી તેમ જ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસની મંજૂરી વિના ઘાટકોપર હોર્ડિંગને પોતાની મેળે મંજૂરી આપવાના આરોપસર એક ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.


